વસિષ્ઠ કહે છે કે-હે,રામ,અપાર ભ્રાંતિઓ ને ઉત્પન્ન કરનારી આ "સંસાર" નામની માયા,
પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે તેમ છે.બીજા કોઈ પ્રકારે નાશ પામે તેમ નથી.
આ જગત-રૂપી માયાના પ્રપંચની વિચિત્રતા સમજાવવા માટે હું એક ઈતિહાસ કહું છું તે તમે સાંભળો.
આ પૃથ્વી પર કોસલ નામનો એક દેશ છે તેમાં ગાધિ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો.
એ ગાધિ બ્રાહ્મણ પોતાના ચિત્તમાં કોઈ ઇષ્ટ કાર્ય નો નિશ્ચય કરીને,બંધુઓના સમૂહમાંથી નીકળી જઈને તપ કરવા સારું વનમાં ગયો.વિષ્ણુ નું પ્રત્યક્ષ દર્શન મળે નહિ,ત્યાં સુધી તપ કરવાનો સંકલ્પ કરીને,એ તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને બેઠો.આમ તપ કરતાં કરતાં આઠ મહિના વીતી ગયા,ત્યારે વિષ્ણુ ભગવાન પધાર્યા અને તેમણે કહ્યું કે-
"હે,બ્રાહ્મણ,જળમાંથી ઉઠ, અને મારી પાસેથી તારે જે વર જોઈતો હોય તે તું માગી લે."
ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે-હે,પ્રભુ,આપ કે જે જગત-સંબંધી અસંખ્ય પ્રાણીઓના હૃદય-રૂપ-કમળમાં,
ભ્રમરની પેઠે રહેનારા છો,અને જગત-રૂપી કમલિની ને ઉત્પન્ન થવાના સરોવર સમાન છે.
તમને હું પ્રણામ કરું છું.હે,મહારાજ,તમે પોતાના સ્વ-રૂપમાં જ રચેલી અને મોહને જ આપનારી,
આ સંસાર-રૂપી-માયા ને હું જોવા ઈચ્છું છું.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, પછી વિષ્ણુ ભગવાન એ ગાધિ બ્રાહ્મણને "તું એ માયાને જોઇશ અને પછી ત્યજી દઈશ"
એટલાં વચન કહીને ત્યાંથી અંતર્ધાન થઇ ગયા.
ત્યારે ગાધિ બ્રાહ્મણ તે તળાવમાંથી ઉઠ્યો,ત્યારે, વિષ્ણુનાં દર્શન અને સ્પર્શ થી તે આનંદ પામતો હતો.
વિષ્ણુના વચન નું મનમાં ચિંતવન કરતો તે બ્રાહ્મણ એક દિવસ,તે સરોવરમાં સ્નાન કરવા ગયો ત્યારે,
સ્નાન-વિધિ કરતાં,તેણે સઘળાં પાપના વિનાશ (અઘમર્ષણ) કરવા માટે જળમાં દર્ભ વડે કુંડાળું કર્યું.
અને જળની અંદર ડૂબકી દઈ,ધ્યાન ના મંત્રનું સ્મરણ કરવાના સમયમાં તે-તે મંત્રો ને ભૂલી ગયો,
અને તેની બુદ્ધિનો પ્રસાર વિપરીત થતા,તે બ્રાહ્મણે તે જળમાં પોતાનું ઘર દીઠું,અને તે ઘરમાં
પોતાના શરીરને મૂએલું અને તેની આસપાસ સંબંધીઓ શોક કરવા લાગ્યાં હતાં તેમ દીઠું.
એ શબ જાણે લાંબો વિસામો લેતું હોય,કે મૌન કે ધ્યાનને પ્રાપ્ત થયું હોય તેવું લાગતું હતું.
એ શબ,બાંધવો ની બૂમોને,રડાપીટને તથા કોલાહલ-વાળી વાણીને,સાંભળીને,
"જાણે કોને પોતાના માટે વધુ કે ઓછો સ્નેહ છે?" તેનો વિચાર કરવા ચુપ રહીને,એકાગ્ર મનથી,સાંભળ્યા
કરતુ હોય તેવું જણાતું હતું.ત્યાર પછી રડતા-કકળતા તે સંબંધીઓએ તે શબને પાછું ફરીથી નહિ જોવાને,
ઘરમાંથી સ્મશાન માં લઇ ગયા.અને તે શબને બળતા અગ્નિમાં ભસ્મ કરી નાખ્યું.
(૪૫) ગાધિનો ચાંડાળ-જન્મ,તેની શિકારી વૃત્તિ અને પછી તેને થયેલો રાજ્યાલાભ
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,નિર્મળ જળમાં જ સમાધિમાં બેઠેલો એ ગાધિ કે જેની બુદ્ધિ શબ-પણા-આદિ વિચિત્ર
દેખાવોની પીડાથી ભરપૂર થઇ ગઈ હતી,તેને ફરીથી પોતામાં જ (ભ્રાંતિથી) એમ દેખાયું કે-
ભૂત-મંડળ નામના કોઈ દેશના સીમાડા ના ગામડાની પાસે,રહેનાર કોઈ ચાંડાળની સ્ત્રીના ગર્ભમાં.
પોતે અત્યંત વ્યાકુળ-પણાથી રહેલ છે.
ગર્ભવાસ ના દુઃખો થી દબાયેલો,પીડાયેલો,કૂણાં અંગ-વાળો,ચાંડાળી ના પેટમાં સૂતેલો,
અને જાણે મળ-મૂત્રમાં પડ્યો હોય તેવો વ્યાકુળ થયેલો,(તે ગાધિ) ધીરે ધીરે ગર્ભમાં પાક્યો.
જેમ વર્ષા-ઋતુ કાળાં વાદળાં ને જન્મ આપે છે,તેમ પુરા મહિના થતાં તે ચાંડાળીએ,કાળા અને
મળમૂત્ર -લોહી થી ખરડાયેલા બાળક નો જન્મ (ગાધિ નો બીજો જન્મ) આપ્યો.