વિષ્ણુ કહે છે કે-આત્મા ને દેહાદિ થી ન્યારો સમજી,અહંતા-મમતા ને ત્યજી દઈને,અને લાભ-હાનિમાં સમાન દૃષ્ટિ રાખીને,તું વ્યવહાર સંબંધી કર્યો કરીશ,તો તેઓથી લેપાઇશ નહિ.
તેં સંસારની સઘળી પદ્ધતિઓ જોયેલી છે,અને પરમ-પદનો પણ અનુભવ કર્યો છે,માટે જે જાણવાનું છે તે તું જાણી ચૂક્યો છે,તો હવે તને બીજો શું ઉપદેશ કરવો?
રાગ-ભય-ક્રોધથી રહિત થયેલો તું રાજ્ય કરીશ,એટલે હવે દૈત્યોને દેવો પર દ્વેષ-રૂપી ગાંઠ રહેશે નહિ,
અને તેવી જ રીતે દેવોને દૈત્યો પર દ્વેષ-રૂપી ગાંઠ રહેશે નહિ.આજથી માંડીને દૈત્યોની અને દેવતાઓની વચ્ચે લડાઈઓ નહિ થવાને લીધે,સઘળું જગત,સ્વસ્થ થઈને રહેશે.
(૪૨) સમાધિમાં રહેલા જીવનું જાગ્રત થવાનું કારણ
વસિષ્ઠ કહે છે કે-વિષ્ણુ ભગવાન ઉપર મુજબ કહીને ત્યાંથી પધારી ગયા,ત્યારે પ્રહલાદ તથા બીજા લોકોએ
પુષ્પો વડે તેમને વધાવ્યા.ત્યાર બાદ વિષ્ણુ ભગવાન,ક્ષીર-સાગરમાં આવી અને શેષનાગના શરીર-રૂપી આસન પર બિરાજ્યા અને શાંત-પણાથી રહ્યા,દેવતાઓ સાથે શાંત થઈને ઇન્દ્ર,સ્વર્ગમાં રહ્યો,
અને દાનવોનો રાજા પ્રહલાદ,પાતાળ-લોકમાં શાંતિ થી રહ્યો.
હે,રામ,સઘળા મળોનો (અજ્ઞાનનો) નાશ કરતી અને ચંદ્રથી ઝરતા અમૃત ના જેવી શીતળતાવાળી,
પ્રહલાદ ને જે જ્ઞાન પ્રાપ્ત થયું -તે વિશેની કથા મેં કહી સંભળાવી.
જે મનુષ્યો,પોતાની બુદ્ધિથી આ કથાનો વિચાર કરશે-તે થોડા જ કાળમાં પરમ-પદ ને પામશે.
કારણકે-સામાન્ય રીતે શુભ વિચાર કરવાથી પણ જો પાપ નો નાશ થાય છે-તો-
બ્રહ્મ-વિદ્યા સંબંધી વચનનો વિચાર કરવાથી પરમ-પદ ની પ્રાપ્તિ થયા વિના કેમ રહે?
જે અજ્ઞાન છે તે જ મોટું પાપ કહેવાય છે,અને તે "વિચાર"થી જ નષ્ટ થાય તેવું છે, એટલા માટે,
અજ્ઞાન-રૂપી પાપના મૂળને કાપી નાખતા "વિચાર"ને કદી ત્યજવો નહિ.
રામ કહે છે કે-હે,પ્રભુ,પરમપદમાં પરિણામ પામેલું (બ્રહ્માકાર થયેલું) મહાત્મા પ્રહલાદ નું મન,
વિષ્ણુએ કરેલા શંખ-નાદ થી કેમ જાગ્રત થયું? મનનો જો લય થઇ ગયો હોય તો,
શબ્દ નું (શંખ-નાદનું) શ્રવણ થવાનો સંભવ જ નથી!!
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જગતમાં જ્ઞાનીઓની મુક્તિ બે પ્રકારની થાય છે-સદેહ મુક્તિ અને વિદેહ મુક્તિ.
તેના લક્ષણો હું કહું છું તે તમે સાંભળો.
આસક્તિથી રહિત થયેલી બુદ્ધિ-વાળા,જે પુરુષને કર્મો ના ત્યાગમાં કે ગ્રહણમાં ઈચ્છા જ ન હોય-
તે પુરુષની મુક્તિ સદેહ-મુક્તિ (જીવનમુક્તિ) કહેવાય છે.જયારે,
ભોગથી પ્રારબ્ધ કર્મ નો ક્ષય થતા,જીવનમુક્ત પુરુષનું શરીર પડી જઈને પુનર્જન્મ થી રહિત જે -
બ્રહ્મ-પદને પ્રાપ્ત થાય છે તે-વિદેહમુક્ત કહેવાય છે.
આવા વિદેહમુક્તિને પ્રાપ્ત થયેલા પુરુષો બહુ હોતા નથી,એટલે જલ્દી કોઈના જોવામાં આવતા નથી,
જીવનમુક્ત પુરુષો ના હૃદયમાં પુનર્જન્મના અંકુર થી રહિત અને શેકેલા બીજ જેવી "શુદ્ધ વાસના" રહે છે.
જેમ "સુષુપ્તિ"ને પ્રાપ્ત થયેલા,પુરુષના હૃદયમાં "સૂક્ષ્મ-વાસના" રહે છે,
તેમ,જીવનમુક્તના હૃદયમાં,પવિત્ર-ઉદાર અને શુદ્ધ સત્વ-ગુણને અનુસરનારી,
આત્મા ના અનુસંધાન-મય વાસના રહે છે.