વિષ્ણુ ભગવાન કહે છે કે-હે,પ્રહલાદ,આ જોવામાં આવતા દેહની જે સ્થિરતા છે-તેને લોકો જીવન કહે છે.અને બીજો દેહ લેવાને માટે એક દેહનો જે ત્યાગ-છે તેને લોકો મરણ કહે છે.પરંતુ,હે મહાબુધ્ધિમાન,તું તો જીવનથી પણ રહિત છે ને મરણથી પણ રહિત છે.તારો દેહ સાથે સંબંધ મુદ્દલે ય નથી,માટે,તારે મરણ પણ શું છે? અને જીવન પણ શું છે? (કંઈ નથી)
આગળ મેં જે "આવા પુરુષ નું જીવવું શોભે છે અને આવા પુરુષ નું મરણ શોભે છે" એમ તને કહ્યું,એ તો જ્ઞાનના ને અજ્ઞાનના ગુણ-દોષ જણાવવા માટે કહ્યું છે.હે બ્રહ્મવેત્તા,તું કદી પણ જીવતો નથી અને કદી પણ,મરતો પણ નથી.
તું દેહમાં રહેવા છતાં,દેહ-દૃષ્ટિથી રહિત છે,અને દેહથી અલગ છે.જેમ, વાયુ આકાશમાં રહેલો હોવા છતાં,પણ આકાશના સંબંધ વિનાનો હોવાને લીધે,આકાશથી અલગ જ છે,તેમ,તું દેહ થી અલગ જ છે.
જેમ,આકાશમાં ઝાડની ઊંચાઈને (ઝાડના ઊંચા થવામાં) કોઈ રોકતું નથી,
તેમ તું,દેહાદિક ને કંઈ અડચણ કરતો નથી,તેથી દેહના કારણ-રૂપ કહેવાય છે.
દેહમાં થતા શીત-ઉષ્ણ પદાર્થો તારી સત્તાથી જ જણાય છે,માટે તું દેહમાં છે પણ ખરો,અને,
તને તથા દેહને કોઈ સંબંધ નહિ હોવાને કારણે,તું દેહમાં નથી પણ ખરો.
આત્મતત્વ જાણ્યા પછી,જેમ,સ્વપ્ન પૂરું થઇ જતાં,સ્વપ્ન-સંબંધી દેહનું રહેવું સંભવતું જ નથી,
તેમ,જ્ઞાન થયા પછી,જ્ઞાનીઓની દૃષ્ટિએ,દેહ મિથ્યા જ થઇ જાય છે,માટે જ્ઞાનીઓ ને દેહ છે જ ક્યાં?
આ તારું જે દેશ-કાળ-આદિથી માનવામાં આવેલું જે શરીર છે,તે અજ્ઞાનીઓની દૃષ્ટિ થી છે,જ્ઞાનીઓની નહિ.
જેની બુદ્ધિ બ્રહ્માકાર થઇ ગઈ છે,એવો તું સર્વદા સર્વ-રૂપ છે,અને પ્રકાશ-રૂપ ચૈતન્ય જ છે,
માટે કયો પદાર્થ તારા દેહ-રૂપ છે કે કયો પદાર્થ તારા દેહરૂપ નથી,કે જેને તું ગ્રહણ કરે કે ત્યજી દે?
સર્વ પદાર્થો તારા દેહરૂપ છે,અને કોઈ પણ પદાર્થ તારા દેહરૂપ નથી પણ,
માટે કોઈનો સ્વીકાર કે કોઈનો ત્યાગ,તારાથી થઇ શકે તેમ નથી જ.
મલયાચલ કે પ્રલયકાળ નો પવન વાય,તો પણ આત્મા કે જે પ્રિય-અપ્રિય થી રહિત છે,
તેને,તેઓથી શું,સુખ-દુઃખ પ્રાપ્ત થાય તેમ છે?
એટલે કે જ્ઞાની ગમે તેવા સંજોગોમાં પોતાના સ્વ-રૂપ માં જ રહે છે.
સઘળા પદાર્થો વિધમાન હોય કે નષ્ટ થઇ જાય,તો તેથી જ્ઞાનીઓને તેથી શું થઇ જાય તેમ છે? (કશું નહિ)
કેમ કે જ્ઞાની તો સર્વદા પોતાના આત્મ-સ્વ-રૂપ માં જ રહેતો હોય છે.
આ દેહ નાશ પામે છે પણ આત્મા નો નાશ પામતો નથી.
આ દેહ વૃદ્ધિ પામે તો પણ આત્મા વૃદ્ધિ પામતો નથી,અને આ દેહની ગતિ થતાં આત્મા ગતિ કરતો નથી.
"હું દેહનો છું અને દેહ મારો છે" એવા પ્રકારના ચિત્તનો ભ્રમ નષ્ટ થઇ ગયા પછી,
"હું ત્યાગ કરું છું અને હું ત્યાગ કરતો નથી" એવી ખોટી કલ્પના કેવી રીતે ઉદય પામે?
હે,પ્રહલાદ, "હું આ કામ કરીને આ કામ કરીશ,કે-આ વસ્તુને ત્યજી દઈને આ વસ્તુને ત્યજીશ"
એવી રીતના સંકલ્પો તત્વવેત્તાને હોતા જ નથી.
અકર્તા-પણાને પામેલા તત્વજ્ઞાનીઓ સઘળું કરતા હોય-તો પણ કશું કરતા નથી.
તત્વજ્ઞાનીઓને "હું અકર્તા છું" એવો દ્રઢ નિશ્ચય હોય છે,તેથી તેઓને કર્તાપણાનો સંબંધ હોતો નથી.