વિષ્ણુ કહે છે કે-હજુ હું પોતે,સર્વ પ્રાણીઓ થી ભરપૂર અને સૂર્ય-આદિના પ્રકાશવાળી-દશે દિશાઓમાં- ગરુડ ઉપર બેસીને વિહાર કર્યા કરું છું,તે છતાં તું શરીર ને કેમ છોડી દે છે?
હજી અમે સઘળા વિદ્યમાન છીએ,આ પર્વતો,આ પ્રાણીઓ,આ જગત અને આ આકાશ વિદ્યમાન છે,તેમ જ તું પણ સ્વસ્થ છે,માટે તું હમણાં તારા શરીર ને છોડી દે નહિ.
પ્રબળ અજ્ઞાનના યોગથી વ્યાકુળ થયેલા,જેના મનને સંસારનાં દુઃખો પીડા કરતાં હોય,તે પુરુષ ને જ મરવું શોભે છે.
"હું દુબળો છું,અત્યંત દુઃખી છું ને મૂઢ છું" એવી અને એવી જ બીજા પ્રકારની ભાવનાઓ,જેની મતિ ને લૂંટી લેતી હોય,તે પુરુષ ને જ મરવું શોભે છે.
વિવેકને હરનારી તૃષ્ણાઓ જેના હૃદયને ભાંગી નાખતી હોય,તે પુરુષને મરવું શોભે છે.
તાડના ઝાડ જેવા ઊંચાઊંચા રાગ-દ્વેષ-આદિ-વાળા જેના મન-રૂપી-વનમાં,મનની વૃત્તિ-રૂપી લતાઓ,
સુખ-દુઃખો-રૂપી-ફળોથી ફળતી હોય,તે પુરુષનું મરવું શોભે છે.
આ દેહ-રૂપી-ઝેરી-વૃક્ષને,કામ-ક્રોધ-આદિ અનર્થ-રૂપી પ્રચંડ પવન નો વેગ,
હરણ કરી જતો હોય,તે પુરુષ નું મરવું શોભે છે.
આ દેહ-રૂપી વનને આધિ-વ્યાધિઓ-રૂપ-દાવાનળો બાળી નાખતા હોય,તે પુરુષનું મરવું શોભે છે.
જેના શરીરમાં કામ-ક્રોધ-વગેરે દુર્ગુણો ફૂંફાડા મારતા હોય તે પુરુષનું મરવું શોભે છે.
મરણ ના સ્વ-રૂપ નો વિચાર કરી જોતાં તત્વવેત્તાને -માટે-મરવું (મરણ) સંભવતું નથી.
આ દેહનો જે ત્યાગ કરવો-તે જ લોકોમાં મરણ કહેવાય છે.પણ દેહ કે જે તત્વવેત્તા ની દૃષ્ટિમાં સાચો પણ નથી અને ખોટો પણ નથી,પરંતુ અનિર્વચનીય જ છે,
તેનો (દેહ અને તત્વવેત્તાનો) મુદ્દલ સંબંધ જ ઘટતો નથી તો-સંબંધ વિનાના દેહ નો ત્યાગ જ કેમ થાય?
જેવું આત્મજ્ઞાન થયું -તે જ સમયે,દેહનો સંબંધ ટળી જાય છે,તો પછી લોકો નો ત્યાગ કેમ કરવો?
યથાર્થ રીતે આત્મ-તત્વને જોનારા- જે જ્ઞાનીની મતિ,
આત્મ-તત્વના અનુસંધાન માંથી ખસતી ના હોય,તે પુરુષનું જ જીવન શોભે છે.
જેના મનમાં અહંકાર જ ન આવતો હોય,જેની બુદ્ધિ વિષયોથી લેપાતી ના હોય,અને જે સઘળા પદાર્થોમાં
સમતા જ રાખતો હોય,તે પુરુષ નું જીવન શોભે છે.
જે પુરુષ,રાગ-દ્વેષ થી રહિત થયેલી અને અંદર અત્યંત શીતળતા-વાળી બુદ્ધિથી-
સાક્ષી ની પેઠે જગતને જોયા કરતો હોય,તે પુરુષનું જ જીવન શોભે છે.
જેને,આત્મતત્વ ને સારી રીતે સમજી લઈને "આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે" એવી ભેદ-બુદ્ધિને ત્યજી દઈને,
પોતાના ચિત્ત ને સાક્ષીમાં જ લગાવી દીધું હોય,તે પુરુષનું જ જીવન શોભે છે.
મલિન કલ્પના-રૂપી-વિષયો કે જેઓ રજ્જુ-સર્પ જેવા હોવા છતાં પણ સાચા લાગે છે,તેઓમાં આસક્તિ નહિ રાખતાં,જેને પોતાના ચિત્તને,બ્રહ્મમાં જ લીન કર્યું છે-તે પુરુષનું જીવન શોભે છે.
જે પુરુષ સર્વમાં આત્મ-દૃષ્ટિ રાખી,વાસનાઓથી રહિત થઈને,લીલા-માત્રથી આ જગતનું કામકાજ કરતો હોય,અને વ્યવહાર કરવા છતાં પણ સુખ મળવાથી રાજી ના થાય કે દુઃખ મળવાથી મનમાં કચવાય નહિ,
તે પુરુષનું જીવન શોભે છે.હે,પ્રહલાદ,જેનું નામ સાંભળવાથી,જેને જોવાથી,
અને જેનું સ્મરણ આવવાથી પણ લોકો આનંદ પામતા હોય,તે પુરુષ નું જીવન શોભે છે.