વસિષ્ઠ કહે છે કે-હે,રામ, પછી ક્ષીર-સાગરના શ્વેત-દીપમાં,શેષનાગ-રૂપી શય્યા ઉપર પોઢેલા,અને,જેની સઘળાં બ્રહ્માંડો નું પાલન કરવી એ ક્રીડા છે,એવા વિષ્ણુ-ભગવાન,ચાતુર્માસ ગયા પછી,દેવતાઓ ની પ્રાર્થના થી જાગ્યા અને તે સમયમાં ચાલતી જગતની સ્થિતિનો પોતાની બુદ્ધિથી વિચાર કરવા લાગ્યા.
પ્રથમ પોતાના "મન-રૂપી શરીર"થી,સ્વર્ગ-લોકમાં ચાલતી અને ભૂલોકમાં ચાલતી પરિસ્થિતિનો વિચાર કરવા લાગ્યા,અને પછી,તુરત જ પાતાળ ની પરિસ્થિતિ નો વિચાર કરવા લાગ્યા.ત્યારે તેમને પ્રહલાદ નામનો દાનવ,સ્થિર સમાધિમાં જોવામાં આવ્યો.તેમણે આગળ વિચાર્યું કે-પ્રહલાદ સમાધિમાં શાંત થઇ જતાં,પાતાળ રાજા વિનાનું થઇ જતા,આ સૃષ્ટિ ઘણું કરીને દૈત્યો વિનાની (દૈત્યો ના ત્રાસ વિનાની) થઇ ગઈ છે,એ બહુ ભૂંડું થયું છે.
દૈત્યો નો અભાવ (દૈત્યો ના ત્રાસ નો અભાવ) થઇ જતાં,કોઈ શત્રુ નહિ રહેવાને લીધે,
દેવતાઓની પંક્તિ,રાગ-દ્વેષથી રહિત થઇ જશે.(કારણકે)
જો શત્રુઓ હોય,તો જ દેવતાઓ,સ્વર્ગનાં સુખો દુર્લભ જણાયાથી,તેઓના (સ્વર્ગના સુખો)પર "રાગ" રહે,
અને તે સુખમાં વિઘ્ન પાડનારા દૈત્યો પર "દ્વેષ" રહે.
જો,દેવતાઓની જાતિ,"રાગ-દ્વેષ" વગરની થઇ જશે,તો તે જાતિ,અભિમાનથી રહિત થઈને,
સુખ-દુખાદિ,દ્વંદ્વો વિનાના "મોક્ષ" પદને પ્રાપ્ત થઇ જશે.
અને જો દેવતાઓ મોક્ષ પદને પ્રાપ્ત થશે,તો મનુષ્યોને તે દેવતાઓ ના સ્વર્ગ-લોક સંબંધી સુખોને
મેળવવાની ઈચ્છા રહેશે નહિ,અને તેથી,ભૂલોકમાં યજ્ઞોની તથા તપની સઘળી ક્રિયાઓ બંધ પડી જશે,
એ નિઃસંશય છે.
હવે જો ભૂલોકમાં યજ્ઞો અને તપોની ક્રિયાઓ બંધ પડી જશે તો-
"ભૂલોક કર્મભૂમિ છે" એમ કોઈના પણ સમજવામાં રહેશે નહિ,અને તેમ થશે તો-
આખો સંસાર કે જે કર્મોને લીધે જ પ્રવર્ત્યા કરે છે-તેનો નાશ થઇ જશે.!!!!!
કલ્પ-ના આરંભ થી માંડીને મેં જે આ ત્રૈલોક્ય રચ્યું છે-તે-સમય વિના જ નષ્ટ થઇ જશે,એ બહુ ખોટું થશે.
હું ઉપેક્ષા રાખીને,આ "સંસાર-રૂપી આડંબર" નો નાશ થવા દઉં તો,
મેં હાથે કરીને પોતાની જ લીલાનો નાશ આરંભ્યો-એમ કહેવાય-એ શું યોગ્ય છે?
ચંદ્ર-સૂર્ય અને તારાઓ સહિત આ જગત શૂન્ય થઇ જાય તો,મારે પણ,મારા આ શરીરનો (વિષ્ણુ-શરીરનો)
સંહાર કરીને પૂર્ણ-સ્વ-રૂપમાં જ વિશ્રાંતિ કરવી પડે.
જો કે આ રીતે સમય વગર જ આ જગત શાંત થઇ જાય તો-પણ જીવોને તો સઘળા ઉપદ્રવોની શાંતિ થઇ જાય તેમ છે,પરંતુ એ જે શાંતિ થાય તે-સુષુપ્તિ-અવસ્થાના જેવી જ થાય,મુક્તિ-રૂપ થાય નહિ.