Feb 22, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-428

પ્રહલાદ સ્વગત કહે છે કે-
જે,દેવ,શરીર (ચામડી)પર ધારણ કરેલા,પુષ્પોની સુગંધને,"નાકની ઇન્દ્રિય-રૂપ-હાથ"થી ગ્રહણ કરીને,પુષ્પો થી શણગારેલા પોતાના શરીરને (આંખથી) પ્રેમથી જુએ છે-તે દેવ ,કોને મળતો નથી?
જે,દેવ,વેદ-વેદાંત ના વચનો વડે (જીભથી) ગવાયો છે,અને વચનોથી જણાયો પણ છે,તે "આત્મા" નામનો દેવ કેમ (બુદ્ધિથી) ભૂલી જવાય?

હે,આત્મા,આ મારા શરીર સંબંધી ભોગો નો સમૂહ એનો એ છે અને એવો ને એવો સુંદર છે,તો પણ,સ્વચ્છ અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ તું,જોવામાં આવતાં,હવે મારા મનમાં તે (ભોગો) ગમતા નથી.

હે દેવ,તું, હું-પણા ને (મને કે મારા આત્માને) પ્રાપ્ત થયો,એ સારું થયું,
હું તથા તું એક થઇ ગયા તે પણ સારું થયું,હવે આપણા વચ્ચે કોઈ ભેદ નથી.
તારી ઉપાધિ-રૂપ "તું" એ શબ્દ અને મારી ઉપાધિ-રૂપ -"હું" એ શબ્દ-
કે-જેઓ લક્ષ્ય-રૂપ પરમાત્મા ના જ "પર્યાય-શબ્દો"  છે.તેઓને હું વારંવાર પ્રણામ કરું છું.

હું -કે જે અંત વિનાનો,અહંકાર વિનાના રૂપ-વાળો,આકારથી રહિત,
અને સર્વમાં સમાન રીતે રહેલો છું,તેને હું પ્રણામ કરું છું.
હે,આત્મા, હું કે જે-સર્વમાં,સ્વચ્છ,નિરાકાર,સાક્ષીભૂત અને દેશ તથા કાળ-આદિના પાપથી રહિત,
તારું જ સ્વરૂપ છું,અને તેમાં જ (તારા સ્વરૂપમાં જ) તું રહ્યો છે.

મન સંકલ્પો-વિકલ્પો કર્યા કરે છે,ઇન્દ્રિયોની વૃત્તિઓ સ્ફુરે છે,પ્રાણ-અપાન વાયુઓ નો ભારે પ્રવાહ ચાલ્યા કરે છે,અને આશાઓ-રૂપી દોરીઓ થી ખેંચાતાં,મન-રૂપી-સારથિ-વાળા,અને ધર્મથી,માંસથી,અસ્થિઓ થી ગોઠવાયેલાં,
શરીર-રૂપી યંત્રો ચાલ્યા કરે છે,એ સઘળું મારી (આત્માની) પ્રેરણાથી જ થાય છે.

હું કોઈ શક્તિ-રૂપ નથી કે દેહમાં રહેલા અહંકાર-રૂપ પણ નથી,હું તો કેવળ "અનુભવ-રૂપ" જ છું.
ઘણા કાળે મારા જન્મ નું સાફલ્ય થયું અને ઘણા કાળે મને આ પોતાના સ્વ-રૂપ નો લાભ થયો.
ઘણા કાળ ને અંતે મારો ભ્રમ દૂર થયો છે.આ સંસાર-રૂપ લાંબા માર્ગમાં હું ભટક્યા કરતો હતો,થાકી ગયો હતો,પણ હવે મને શાંતિ પ્રાપ્ત થઇ છે.

હે,આત્મા,હું-રૂપ (મારા-આત્મા-રૂપ) તું,કે જે સર્વ-રૂપ છે ને સર્વથી ન્યારો પણ છે તેને હું પ્રણામ કરું છું.
અને જેઓ (જે આત્માઓ) મને તું-રૂપ (આત્મા-રૂપ) કહે છે તેઓને પણ હું પ્રણામ કરું છું.
સર્વ પદાર્થો ને પ્રકાશ કરનારું,છતાં પણ,જેને દોષની વૃત્તિઓનો સ્પર્શ જ થયો નથી-એવું- અને
જેમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ થતો નથી-એવું-પરમાત્મા નું સાક્ષી-પણું,ભારે ચમત્કારવાળું છે.

હે,આત્મા,જેમ પુષ્પમાં સુગંધ,તલ માં તેલ અને જેમ ધમણમાં પવન રહે છે,તેમ તું સઘળા બ્રહ્માંડ માં રહેલો છે.
હે,આત્મા, તું અહંકારથી રહિત હોવા છતાં,પણ મારે છે,રક્ષણ કરે છે,ગડગડાટ કરે છે અને સઘળો વ્યવહાર કરે છે,માટે તારું આ માયાવી-પણું,બહુ જ વિચિત્ર છે.
સર્વદા પ્રકાશતો હું (આત્મા) કંઈ પણ વ્યવહાર ના કરતાં જ જગતને પ્રગટ કરું છું અને પ્રગટ કર્યા પછી,
વશ કરીને પાળું છું,અને પાળીને પાછો તેનો લય કરી દઉં છું,માટે હું સર્વોત્તમ છું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE