Feb 21, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-427

(૩૬) પ્રહલાદ ને દુર્લભ આત્મ-પદની પ્રાપ્તિ

પ્રહલાદ (સ્વગત) કહે છે કે-સઘળા પદાર્થોથી ન્યારો આત્મા ઘણા કાળે મારા સ્મરણમાં (બુદ્ધિમાં)આવ્યો છે.
હે,આત્મા,તું મને મળ્યો તે બહુ સારું થયું,તું કે જે સઘળી સીમાઓ થી રહિત છે,તેને મારા પ્રણામ હો.
હે,આત્મા,તને જોઇને તથા અભિનંદન કરીને હું તારું સમાધિમાં લાંબા કાળ સુધી આલિંગન કરું છું.તારા વિના ત્રૈલોક્યમાં અત્યંત પ્યારો બીજો  કોઈ બંધુ કોણ છે? (કોઈ નથી)

તું,સર્વ-રૂપ હોવાને લીધે મારનાર પણ છે,રક્ષણ કરનાર પણ છે,આપનાર પણ છે,સ્તુતિ કરનાર પણ છે,
જનાર પણ છે,ગતિ કરનાર પણ છે-એવો તું -હવે-મને અપરોક્ષ-રીતે જોવામાં આવ્યો અને પ્રાપ્ત પણ થયો છે,તો હવે તારાથી બીજું કાંઇ થઇ શકે તેમ પણ નથી અને મારાથી દૂર-ક્યાંય જતા રહેવાય તેમ પણ નથી.
કારણકે-પોતાની સત્તાથી,સર્વ બ્રહ્માંડ ને પૂરનારા (એટલે કે-તું સર્વ જગ્યાએ છે) એવા,
હે આત્મા,હે,સર્વ નું હિત કરનારા,તું સર્વ સ્થળોમાં સર્વદા જોવામાં આવે છે,તો હવે તું ક્યાં નાસી શકે તેમ છે?

હે,બંધુ,તારા-મારા વચ્ચે ઘણા ઘણા જન્મોથી,બહુ અંતર પડી ગયું હતું,તે હવે ટળી જઈને,આજે તું બહુ પાસે આવ્યો છે,અને તું કે જે કૃતાર્થ કરનાર છે,સર્વ જગતનો કર્તા છે અને સર્વનો પાલક છે-તેને હું પ્રણામ કરું છું.
તું કે જે -સાર-રૂપ,નિત્ય-રૂપ અને શુદ્ધ સ્વ-રૂપ-વાળો છે -તેને હું પ્રણામ કરું છું.
તું કે જે ચક્ર અને કમળ ને હસ્તોમાં ધારણ કરનાર વિષ્ણુ છે-તેને હું પ્રણામ કરું છું.
તું કે જે-સદાશિવ છે,બ્રહ્મા છે,ઇન્દ્ર છે-તેને હું પ્રણામ કરું છું.

જેમ,તરંગના અને જળના ભેદની કલ્પના કેવળ વ્યવહાર દૃષ્ટિથી જ છે,અને ખોટી જ છે,
તેમ,તારા ને મારા ભેદ ની કલ્પના વ્યવહાર-દૃષ્ટિથી જ છે અને ખોટી જ છે.
તું જ સુખ-દુઃખો ના ફેરફારો વાળી,અને પાર વિનાની આ અનંત વસ્તુઓની વિચિત્રતા-વાળી,
અનાદિ "સંસાર"નામની ખટપટ-રૂપે દેખાયા કરે છે.

તુ કે જે -સઘળા પદાર્થોનો સંકલ્પ કરનાર,અને સંકલ્પ થી જ સઘળા પદાર્થો ને સર્જનાર છે-તેને હું પ્રણામ કરું છું.
તુ કે,જે સર્જન કરીને અનંત રૂપોથી વિકાસ પામનાર છે,સઘળા પદાર્થોની કલ્પના ને અનુસરતા સ્વભાવ વાળો છે,અધિષ્ઠાન-પણાથી સર્વમાં વ્યાપક છે-તેને હું પ્રણામ કરું છું.

હું (મારા)-રૂપ,તુ,આજ સુધી મારા કહેવા પ્રમાણે વિષયોના માર્ગ માં ચાલ્યો,તેથી તું લાંબા દુઃખ-વાળો થયો,
લાંબા કાળ સુધી,જન્મોજન્મમાં ઘણા ઘણા ઉંચી-નીચી ગતિઓમાં જવા-રૂપ વિભ્રમો તારે જોવા પડ્યા-
તથા-ઘણાં ઘણાં વિપત્તિઓના દૃષ્ટાંતો પણ તારે જોવા પડ્યાં.
આજ સુધી બહિર્દષ્ટિને લીધે તારું સાચું સ્વરૂપ તને પ્રાપ્ત થયું નહોતું.
તેથી તું જરા પણ પુરુષાર્થ (આત્મ-દર્શન નો) મેળવી શક્યો નહોતો.

આ સઘળું જગત તારા વિના છે જ નહિ,
તેમ છતાં પણ તારા સ્વ-રૂપ ની પ્રાપ્તિ થાય તો જ પુરુષાર્થ પરિપૂર્ણ થાય તેમ છે.
હે,દેવ,આજે તું મળ્યો છે,જોવામાં આવ્યો છે,જણાયો છે,બાથમાં લેવાયો છે અને પકડાયો છે-
હું, તને પ્રણામ કરું છું.

પણ,હે આત્મા (પરમાત્મા) આવી રીતે પકડાયાથી (મેં આવી રીતે પકડ્યો છે -તેથી) મૂંઝાઈશ નહિ,
જે દેવ ચક્ષુ-રૂપે,આંખની કીકીઓના કિરણોના સમૂહમાં પરોવાઈને,સઘળા પદાર્થો જુએ છે,
અને જોઇને પોતામાં તેઓનો પ્રકાશ કરે છે,તે દેવ જોવામાં કેમ ના આવે?
જે,દેવ,ચામડી તથા સ્પર્શમાં વ્યાપીને,પુષ્પોની સુગન્ધ-રૂપ (સુંવાળો) છે-તે દેવ અનુભવમાં કેમ ના આવે?
જે,દેવ,શબ્દને (કાનથી) સાંભળીને,તે શબ્દના ચમત્કારનો પ્રકાશ કરતાં,શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે
તે દેવ,દૂર કેમ હોઈ શકે?
જે,દેવ, પ્રથમથી જ સર્વના સ્વાભાવિક પ્રેમના વિષય-રૂપ છે,અને જેને,
જીભની અણી ઉપર રહેતી સઘળી વસ્તુઓનો સ્વાદ આવે છે,તે દેવ,કોને સુખ-રૂપ ન જણાય?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE