પ્રહલાદ (સ્વગત) બોલે છે કે-
આ જગતમાં જે કંઈ છે તે સઘળું આત્મા જ છે,કે જે,આત્મા વિકારો થી રહિત છે.અને "સર્વ-રૂપ-પણાનો તથા સર્વનો" અપવાદ થતાં -બાકી રહેનારું,કે જેનું નામ "ॐ " છે,એ એક જ નામ તેને માટે યોગ્ય છે.
આ ચૈતન્ય-રૂપ આત્મા દેહમાં રહેલો હોવા છતાં,મેદ,અસ્થિઓ,રુધિર-વગેરે થી ન્યારો (જુદો) છે,
સૂર્યાદિ-ની અંદર પણ રહેલો છે,એટલે કે સૂર્ય વગેરે ને પણ તે (ચૈતન્ય) પ્રકાશ આપે છે,અને પોતે પ્રકાશમય છે.
આ આત્મા પોતાની સત્તાથી જ અગ્નિ ને ઉષ્ણ અને જળ ને શીતળ કરે છે,
જેમ,રાજા ભોગોને બનાવીને તેઓને ભોગવે છે,તેમ,આત્મા પોતાની સત્તાથી જ ઇન્દ્રિયોના વિષયો બનાવીને ભોગવે છે,હકીકતમાં તો તે આત્મા નિષ્ક્રિય છે, છતાં,વાયુ-આદિ-રૂપે સર્વદા દોડ્યા કરે છે,કાળ-રૂપે ચાલ્યો જાય છે,તો પણ કુંભારના ચાકડાની જેમ પોતાના ઠેકાણેથી ખસતો નથી,શાંત છે,અને વ્યવહારો કર્યા કરે છે.
આમ,વ્યવહારો કરવા છતાં તે વ્યવહારોમાં લેપાતો (આસક્ત થતો) નથી.
તે આત્મા પૂર્વે કરેલાં કર્મોના ફળોથી,હાલમાં લેપાતો નથી,કે હાલમાં કરવામાં આવતા કર્મોના ફળોથી ભવિષ્યમાં લેપાવાનો નથી.આ લોકમાં,પરલોકમાં તથા બંને લોકની સંધિમાં આત્મા શુભાશુભ કર્મો ને ભોગવે છે,
તો પણ વાસ્તવિક રીતે તે સઘળી,વસ્તુઓનો "સાક્ષી" હોવાથી કશું ભોગવતો પણ નથી.
આત્મા પોતે જ સઘળા બ્રહ્માંડો-રૂપે થતા બ્રહ્મા થી માંડીને તરણા સુધીના સઘળા પદાર્થ-રૂપે થાય છે,
અને આમ થઈને પોતે,સર્વ બ્રહ્માંડોને તથા બ્રહ્મા-આદિ સઘળાને (નિર્લિપ્ત રીતે) વીંટીને રહેલો છે.
આ આત્મા વાયુ કરતાં પણ વધુ ગતિવાળો છે,તો ઝાડના ઠૂંઠા કરતાં પણ અત્યંત નિષ્ક્રિય છે અને,
આકાશ કરતાં પણ અત્યંત નિર્લેપ છે.
જેમ, પવન પાંદડા ને ડોલાવે છે,તેમ,આત્મા મન ને ડોલાવીને-તેને વેગ આપે છે.
જેમ,સારથી ઘોડાઓના સમૂહને ચલાવે છે,તેમ,આત્મા ઇન્દ્રિયોના સમૂહને ચલાવે છે.
આ આત્મા,દેહ તથા જગત સંબંધી કાર્યોમાં તત્પર રહેવાને લીધે સર્વદા અત્યંત દુર્દશાવાળા જેવો પણ જણાય છે.પણ તે પોતાના સ્વ-રૂપમાં અવિચળપણાથી સ્વસ્થ રહીને,પોતાના સામર્થ્યથી સર્વ ભોગોને ભોગવે છે.આ આત્મા નું જ સર્વદા શોધન કરવું,સ્તવન કરવું,અને ધ્યાન કરવું યોગ્ય છે.
કે જેના લીધે જરા (વૃદ્ધાવસ્થા)-મરણના,મોહમાંથી નીકળી જવાય છે.
સઘળા શરીરો ના છિદ્રો (છિદ્રો માં આકાશ રહેલું હોય છે??!!) માં રહેલો આ આત્મા વિશ્વાસુ બંધુની પેઠે,
સહેજમાં મળે તેવો છે,અને સહેજમાં જ વશ કરી શકાય તેવો છે.
કારણકે તે જ્ઞાનથી જ મળે તેવો છે અને તેના સ્મરણ-માત્રથી તે આત્મા વશ થાય છે.
(એટલે-કે) આ આત્માને ને જરા પણ બોલાવ્યો-તો તે ક્ષણ માત્રમાં જ સન્મુખ થાય છે.
આ આત્મા,તો સઘળી સંપત્તિઓ વાળો હોવા છતાં,પોતાનું સેવન કરનારા પાસે કદી ગર્વ કરતો નથી કે તેનું અપમાન પણ કરતો નથી.જેમ,પુષ્પોમાં સુગંધ રહેલી છે,તલમાં તેલ રહેલું છે,તેમ આ આત્મા સઘળા પદાર્થોમાં રહેલો છે.આ આત્મા હૃદયમાં જ (અંદર)રહેલો હોવા છતાં પણ અજ્ઞાન ને લીધે ઓળખાતો નથી.
પણ વિચારથી તેને જાણવામાં આવતા,પરમ આનંદ ની અનુભૂતિ થાય છે.
ઉત્કૃષ્ટ આનંદ આપનારો,આત્મા-રૂપી-ઉત્તમ-બંધુ,જોવામાં આવતા એવા એવા વિચારો પ્રાપ્ત થાય છે કે-જે વિચારોથી મરણ આદિ વિઘ્નો ટળી જાય છે,સ્નેહ આદિ-સઘળા પાશો તૂટી જાય છે,
કામ-આદિ સઘળા શત્રુઓ નાશ પામી જાય છે અને દુષ્ટ આશાઓ મનમાં ત્રાસ આપતી નથી.