Feb 15, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-421

પ્રહલાદ ચિંતવન કરે છે કે-
જે પુરુષ આ બ્રહ્મ-વિદ્યા-રૂપી પરમ અમૃત ને પ્રાપ્ત થઈને અંદર ભરપૂર થયો હોય,તે પુરુષ,સંસાર-સંબંધી,કોઈ પણ સુખ ને પામ્યો ના હોય -તો પણ,તે સંપૂર્ણ-અખંડિત સુખને પામ્યો છે.માટે જે પુરુષ આ ઉત્તમ પદનો ત્યાગ કરીને,સંસાર સંબંધી,અલ્પ-સુખમાં રુચિ કરે,તે મૂર્ખ જ કહેવાય.
આવા સર્વોત્તમ વિચારને ત્યજીને ક્ષુદ્ર રાજ્યમાં કોણ રમે?
કયો સમજુ પુરુષ શેરડીના રસને છોડીને કડવા લીંબડાનો રસ પીએ? મારા સઘળા બાપ-દાદાઓ મૂર્ખ જ હતા,કારણકે તેઓ આ વિચારને ત્યજીને રાજ્ય ના સંકટમાં જ રમ્યા હતા.

રાજ્ય ની ઈચ્છા પણ ના રહે,તેવી સઘળું સંપૂર્ણ સુખ આ ચૈતન્ય માં છે,
તો એ ચૈતન્ય તત્વ નો અનુભવ શા માટે કરવો નહિ?
આ ચૈતન્ય જ કે જે સર્વમાં રહેલું છે,સ્વસ્થ છે,સમ છે,નિર્વિકાર છે,અને સર્વ-રૂપ છે-
અને તેથી-જ-સર્વકાળમાં સઘળી રીતનું સંપૂર્ણ સુખ સારી પેઠે મળે છે.

સઘળા પ્રકારની "શક્તિ" ઓ વાળું,ત્રણે કાળના પદાર્થો ની સેંકડો કલ્પનાઓ કરનારું,
છતાં,પણ જેમાં કાળનો-કોઈ ભેદ લાગુ પડતો નથી,એવું અને
સંકલ્પોને લીધે અનંત-બ્રહ્માંડો-રૂપે ફેલાયેલું, એ વ્યાપક "ચૈતન્ય" પરિપૂર્ણ જ છે,
એટલે,કલ્પિત દૃશ્યો ને દુર કરી દેતાં,અખંડ "અનુભવ" જ શેષ રહે છે.
કે જે "સમતા" કહેવાય છે,અને "પૂર્ણતા" પણ કહેવાય છે.

મીઠા (ગળ્યા) રસનો અને કડવા રસનો - એક જ સમયમાં અનુભવ કરવામાં આવે-તો -
"મીઠા રસનો અનુભવ થયો અને કડવા રસનો અનુભવ થયો" એમ કહેવાય,
તો હવે એમાંથી અનુભવ ની ઉપાધિઓ-રૂપ-એ બંને રસનો ત્યાગ કરતાં-એકલો અનુભવ જ બાકી રહે છે,
કે જે "અનુભવ" ચૈતન્યનું સ્વરૂપ છે-અને તે (ચૈતન્ય) બંને રસને એક-સરખી રીતે લાગુ પડે છે.

જેમ ઉપર કહ્યા પ્રમાણે મીઠા ને કડવા રસને-"અનુભવ-રૂપ-ચૈતન્ય" સરખી રીતે જ લાગુ પડ્યું તે રીતે જ-
એ અનુભવ-રૂપ ચૈતન્ય સઘળા પદાર્થો ને પણ -સરખી રીતે લાગુ પડે છે.કેમ કે-
તે તે ઉપાધિઓનો ત્યાગ કરવાથી એકલો અનુભવ જ શેષ રહે છે.

ચૈતન્ય, કે જે સુક્ષ્મ છે,સર્વ પદાર્થોમાં ગૂંથાયેલું  છે,સત્તા-રૂપ છે અને મુખ્ય તો અદ્વૈત-રૂપ છે.
તે જો પદાર્થોને પરસ્પરથી જુદા પાડનારા ભેદોના "સંકલ્પ" ને ત્યજી દઈને,
એક જ કાળમાં (સમયમાં) સઘળા પદાર્થો ને જુએ,તો-
એકબીજાની સાથે સંબંધ ધરાવનાર પદાર્થો,વિચિત્ર છતાં એક-રૂપે અનુભવ માં આવે છે.

હવે ભેદોના સંકલ્પ નો ત્યાગ કરવાનો ઉપાય હું કહું છું તે તમે સાંભળો.
"કોઈ પણ દૃશ્ય છે જ નહિ"
એમ દૃશ્ય-માત્ર ના અભાવનો આશ્રય કરવાથી,ચિત્ત,તરત જ શોક-મોહ=આદિ પરિણામોને ત્યજી દે છે,
અનેએવી રીતે,દૃશ્ય-માત્ર ને મિથ્યા સમજીને,
સર્વના અધિષ્ઠાન-રૂપ સચ્ચિદાનંદ આત્માને જોવાથી,
ચિત્ત,રાગ-દ્વેષ-આદિ દોષોને ત્યજી દે છે.
આ રીતે રાગ-આદિ છૂટી જવાથી,ભેદો ના સંકલ્પ નો ત્યાગ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE