સર્વ-વ્યાપક,નિર્વિકલ્પ,ચૈતન્ય-રૂપ,અને સર્વને સ્ફુરણ આપનારો-આ આત્મા (ચૈતન્ય કે બ્રહ્મ) હું જ છું.
સર્વવ્યાપક ચૈતન્યથી જ વિચિત્ર પ્રકારની ઇન્દ્રિયો ની પંક્તિઓ સ્ફુરે છે.
જેમ,અરીસો સઘળી વસ્તુઓનાં પ્રતિબિંબોનું સ્થાન છે,
તેમ આ આત્મા જ સઘળાં પ્રાણીઓના,દેહ,ઇન્દ્રિયો-આદિ અનુભવોનું સ્થાન છે.
આ એક નિર્વિકલ્પ - ચૈતન્ય-રૂપ દીવા-ના અનુગ્રહ થી
સૂર્ય ગરમ છે,ચંદ્ર શીતળ છે,પર્વત ઘનરૂપ છે,અને જળ દ્રવ-રૂપ છે.
આકાશમાંથી વાયુ થયો,વાયુમાંથી તેજ થયું,તેજમાંથી જળ થયું,અને જળમાંથી પ્રુથ્વી થઇ-
આવા ક્રમથી "અનુભવ"માં આવેલા સઘળા પદાર્થોની "ઉત્પત્તિ સંબંધી વ્યવસ્થા" નું
મુખ્ય "કારણ" એ વ્યાપક ચૈતન્ય જ છે.પણ એ ચૈતન્ય નું "કારણ" બીજું કંઈ પણ નથી.
જેમ પૃથ્વી-આદિ નું તાપ-પણું -એ-સૂર્યના તાપ થી જ ઉદય પામે છે,
તેમ ક્રમથી "અનુભવ"માં આવતા,સઘળા પદાર્થો નું પદાર્થ-પણું આ આત્મા થી જ ઉદય પામે છે.
જેમ હિમથી જ શીતળ-પણું ઉત્પન્ન થયું છે તેમ,વાસ્તવિક રીતે તો તે ચૈતન્ય નિરાકાર હોવા છતાં,
અવિદ્યા (અજ્ઞાન) થી સઘળાં "કારણો"ના "કારણ" રૂપ આ ચૈતન્ય (આત્મા) થી જ જગત ઉત્પન્ન થયું છે.
જો કે,બ્રહ્મા,વિષ્ણુ,રુદ્ર-આદિ આ જગતની સ્થિતિનાં કારણરૂપ ગણાય છે,પણ તેમનું "કારણ" આ ચૈતન્ય જ છે.
ચૈતન્ય નું કોઈ કારણ બીજું કોઈ નથી.
આમ, હું,સાક્ષી-ભાવથી,પ્રકાશના દ્રષ્ટા અને દૃશ્ય-વગેરે નામોથી રહિત છું-
અને નિત્ય સ્વયંપ્રકાશ છું,તેથી,હું તેને -પ્રણામ કરું છું.
આત્માથી જુદી સત્તા વિનાના આ સઘળા પદાર્થો,એ-સર્વના અધિષ્ઠાન-રૂપ-ચિદાત્મા (ચૈતન્ય) માં જ
ઉત્પન્ન થયા કરે છે,અને પાછા તેમાં જ લીન થાય છે.
એ ચૈતન્ય-રૂપ જે અંતરાત્મા છે,તે જે જે વસ્તુનો સંકલ્પ કરે છે,તે તે જ વસ્તુ સર્વત્ર ઉત્પન્ન થાય છે.
એ વસ્તુ સૂક્ષ્મ-રૂપથી કારણ (આત્મા) માં રહેલી હોય તો પણ-આત્મા ના સંકલ્પ વિના પ્રગટ થાય નહિ.
ચૈતન્ય જે વસ્તુને સ્ફુરણ અને સત્તા આપીને સંકલ્પથી પ્રગટ કરે છે,તે જ વસ્તુ વ્યવહારના વિષમ-પણાને
પ્રાપ્ત થાય છે.અને જેને સંકલ્પ થી પ્રગટ નથી કરતુ.તે વસ્તુ કદાચ હોય તો પણ નષ્ટ-સમાન જ છે.
સંકલ્પ વૃદ્ધિ પામે તો તે વસ્તુઓ વૃદ્ધિ પામે અને સંકલ્પ ક્ષય પામે તો એ વસ્તુઓ ક્ષય પામે છે.
જેમ સૂર્ય નું પ્રતિબિંબ અનિર્વચનીય છે,તેમ આત્મામાં રહેલું આ "કાર્ય-કારણ-રૂપ-જગત" પણ અનિર્વચનીય છે.આ ચૈતન્ય જો કે સઘળાં પ્રાણીઓમાં અદૃશ્ય છે,એટલે, જેમનું ચિત્ત ગલિત થયું હોય છે,
તેમને માટે તો માત્ર દૃશ્ય (દેખાતું ) જગત જ છે,
જયારે મહાત્મા પુરુષો જ સર્વ પ્રાણીઓમાં (દૃશ્ય જગતમાં) નિર્મળ પરમ ચિદાકાશ (ચૈતન્ય) ને જુએ છે.
બ્રહ્માંડમાં રહેનારા બ્રહ્માથી માંડીને,તૃણ સુધીના પદાર્થમાં જે સત્તા અને સ્ફૂરણ છે,તે આત્મા (ચૈતન્ય) માં જ છે,સર્વમાં આ એક જ ચિદાત્મા પ્રકાશે છે.અને હું પણ એ જ છું.
સર્વમાં વ્યાપક છું,અને સઘળાં સ્થાવર-જંગમની અંદર અનુભવ-રૂપે રહેલો છું.
મારા જેવાં અન્ય ઘણાં શરીરો છે,અને મારાથી (આત્માથી) જુદો કોઈ અનુભવ ઘટતો નથી.
દૃષ્ટા-દર્શન અને દૃશ્યની ત્રિપુટી મારાથી જ પ્રકાશે છે.માટે સર્વ ના હસ્તોથી હું હજારો હસ્તો-વાળો છું.
અને સર્વનાં નેત્રો થી હજારો નેત્રો-વાળો છું.સર્વના હસ્તો એ મારા જ હસ્તો છે અને સર્વનાં નેત્રો મારાં જ નેત્રો છે.