સંસાર નું નિવારણ કરનાર વિષ્ણુ ભગવાને મને કહ્યું કે -તું-"બ્રહ્મ ના સાક્ષાત્કાર-રૂપ વિશ્રાંતિ મળવા સુધીનો વિચાર" વાળો થા-એટલા માટે હવે હું મનમાં આત્મા (બ્રહ્મ કે ચૈતન્ય) નો વિચાર કરું.
"હું" કે જે આ "સંસાર-રૂપી આડંબર" માં --બોલું છું,ચાલું છું,ઉભો રહું છું અને પ્રયત્નથી વિષયોનો ઉપભોગ કરું છું,તે "હું" પોતે કોણ છું?
આ "જગત"-રૂપી વસ્તુ તો અત્યંત બાહ્ય છે,તે હું કેમ હોઉં? માટે તે (જડ) "જગત" -તો હું નથી.
આ "દેહ" તો ખોટો જ ઉદય પામેલો છે,કે જે પોતે તો પોતાની સત્તાથી બોલવાને સમર્થ પણ નથી,
આ દેહ (શરીર) પ્રાણવાયુની પ્રેરણાથી જ થોડો સમય ચાલનારો છે.
અને અલ્પ-કાળમાં નષ્ટ થનારો છે,તથા જડ છે -તેથી તે "દેહ" પણ હું નથી.
આ "શબ્દ" કે કાન ની જડતા-વાળી પૂતળીથી જ "આ ઉંચો છે-નીચો છે-પદ-રૂપ છે અને વાક્ય-રૂપ છે"
વગેરે ભેદો પાડીને કલ્પી લેવામાં આવે છે.
અને,ક્ષણમાત્રમાં ક્ષય પામનાર છે,અને ક્ષય પામનાર હોવાથી શૂન્ય આકારવાળો છે,
વળી,તે આકાશથી (આકાશમાં) ઉત્પન્ન થાય છે -અને જડ છે તેથી તે "શબ્દ" (વિષય) પણ હું નથી.
આ "સ્પર્શ" કે જે ક્ષણમાત્રમાં નષ્ટ થનારી ત્વચા થી જ પમાય છે,અને કોઈ વાર નથી પણ પમાતો,
વળી,તે ચૈતન્યની સિદ્ધિથી જ સિદ્ધ થાય એવો છે,તથા જડ છે,માટે તે "સ્પર્શ" (વિષય) પણ હું નથી.
આ "રસ" કે જે ચપળ સત્તા-વાળી,અનિત્ય જીભથી જ સંબંધ ધરાવનારો છે,
તુચ્છ છે,જીભની અણીથી તે કંઠ સુધી જ સ્વાદમાં આવે તેવો છે,અન્નાદિક પદાર્થોમાં રહેલો છે,
અને જડ છે,તેથી હું તે "રસ" (વિષય) પણ નથી.
આ "રૂપ" કે જે,ક્ષણમાત્રમાં નષ્ટ થઇ જનારાં દ્રવ્ય અને ચક્ષુઓને જ આધીન છે,ક્ષય પામનાર છે,
કેવળ દ્રષ્ટા ના જ ઉપભોગને માટે હોવાથી ગૌણ છે,
અને જડ છે, તેથી તે "રૂપ" (ચક્ષુ નો વિષય) પણ હું નથી.
"ગંધ" કે જે પ્રકાશ વિનાની તથા ક્ષય પામનારી છે,જે,નાસિકાથી જ કલ્પાય છે,ક્ષણમાત્રમાં નષ્ટ થનાર છે,
વળી,ક્ષણેક્ષણે ફેરફાર પામનાર છે -અને જડ છે-તેથી તે "ગંધ" (વિષય) પણ હું નથી.
તેવી જ રીતે,"કર્મેન્દ્રિયોનાં કર્મો,અહંકાર,મન,બુદ્ધિ કે ચિત્ત"-એમનું કશું પણ હું નથી,કારણકે તે સર્વ જડ છે.
હું તો મમતા વિનાનો,ચિંતન વિનાનો,શાંત,પાંચ ઇન્દ્રીયોના વિભ્રમોથી રહિત-
અને જેમાં કોઈ સંકલ્પ નથી,એવો શુદ્ધ ચેતન જ છું.
હું તો દૃશ્યો થી રહિત કેવળ ચૈતન્ય જ છું.સર્વ દૃશ્યો ને પ્રકાશ આપનાર છું,બહાર તથા અંદર વ્યાપક છું,
અંશોથી રહિત છું,નિર્મળ છું અને સત્તા-માત્ર છું.
ઘડાથી માંડીને સૂર્ય-પર્યંત,આ સઘળા પદાર્થો-ઉત્તમ તેજવાળા આ ચૈતન્ય થી જ પ્રકાશિત થાય છે.