હે,રામ,તમે પોતામાં પોતાની મેળે જ સ્વચ્છ થયા છો,અને વિસ્તીર્ણ બોધને પ્રાપ્ત થયા છો.તો પણ (છતાં પણ) તમે,--મારા વચનોથી અને --પોતાની સમજણમાં વિશ્વાસ રાખી નિઃસંદેહ -બોધવાળા થાઓ.સૂર્યની પેઠે,સર્વને પ્રકાશ આપનાર--ભેદના અંશથી પણ રહિત--એવા પરમાત્મા નું,દેશ અને કાળ ના તથા વસ્તુ ના પરિચ્છેદથી રહિતપણું--મારા કહેવાથી જ તમારા સમજવામાં આવ્યું છે.અને મારા કહેવાથી જ તમારા સર્વ સંકલ્પો લય પામી ગયા છે.સંદેહો-રૂપી વિભ્રમો શાંત થઇ ગયા છે,
વિષયોને જોવાની ઉત્કંઠા-રૂપી ઝાકળ શાંત થઇ ગયું છે.અને સઘળા સંતાપો ટળી ગયા છે.
હે,મનન કરનારા રામ,તમને જયારે આત્મ-બોધમાં આવરણ અને વિક્ષેપ ટળી જશે,
ત્યારે તમે જે જ્ઞાનને તથા જ્ઞાનનાં સાધનો ને -મોક્ષને અર્થે સ્વીકારો છો તે સ્વીકારવાનું પણ નહિ રહે,
જે વિવેક તથા વૈરાગ્ય-આદિનું પાલન કરો છો,તે પાલન કરવાનું પણ રહેશે નહિ,
જે આળસ તથા પ્રમાદ આદિ દોષોને હણો છો,તે હણવું પણ નહિ રહે.
જે, સમાધિના સુખ-રૂપી અમૃતને પીઓ છે તે પીવાનું પણ નહિ રહે,
જે ઉત્તરોત્તર ભૂમિકાઓમાં ચડીને પ્રસન્ન થાઓ છો-તે,પ્રસન્ન થવાનું પણ નહિ રહે.
જે,ભૂમિકામાં વિશ્રાંત થઈને સુખના અધિક ઉત્કર્ષથી પ્રફુલ્લિત થઇ જાઓ છો,તે પ્રફુલ્લિત થવાનું પણ નહિ રહે.
(૩૦) હિરણ્યકશિપુએ અનેક પરાક્રમો કર્યા,અને તેને નૃસિંહે માર્યો
વસિષ્ઠ કહે છે કે-હવે હું જ્ઞાનના ઉદયનો (બીજો એક) ઉત્તમ પ્રકાર (ભક્તિ) કહું છું તે તમે સાંભળો.
તે પ્રકારથી દૈત્યો નો રાજા પ્રહલાદ "પોતાની મેળે" જીવનમુક્ત થયો હતો.
(નોંધ-આગળ બતાવ્યો તે પ્રકાર "વિચાર" થી બલિરાજાના જ્ઞાન નો ઉદય થયો હતો)
વિરુદ્ધ પક્ષના દેવતાઓને તથા દૈત્યોને યુધ્ધમાં ત્રાસ આપીને નસાડનારો અને
નારાયણ ના જેવા પરાક્રમવાળો-હિરણ્યકશિપુ નામનો મોટો દૈત્ય પાતાળમાં રાજ્ય કરતો હતો.
ત્રૈલોક્ય ને દબાવનારા,એ દૈત્યે,ઈન્દ્રનું રાજ્ય પણ હરી લીધું હતું.અને જગતનું રાજ્ય કરવા માંડ્યું હતું.
ત્રૈલોક્ય ના અધિપતિ બનેલા એવા એ હિરણ્યકશિપુએ કાળે કરીને દશ પુત્રો ઉત્પન્ન કર્યા હતા.
એ સઘળા તેજસ્વી પુત્રોમાં સહુથી મુખ્ય પુત્ર (યુવરાજ)નું નામ પ્રહલાદ હતું.
પુત્રોની સહાયતાવાળો,અઢળક સંપત્તિવાળો,તથા પ્રબળ સેનાવાળો,એ હિરણ્યકશિપુ મદોન્મત થયો હતો.
તેનો પ્રતાપ,પ્રલયકાળ ના સૂર્યોની જેમ અત્યંત તીવ્ર લાગતો હતો,તેને પ્રજા પર નવાનવા કરો નાખ્યા હતા,હિરણ્યકશિપુથી બહુ પીડા થવાને લીધે ત્રણે લોક ખેદ પામતા હતા.
દુષ્ટ કાર્યોમાં તત્પર થયેલા,હિરણ્યકશિપુની દુષ્ટતા થી સૂર્ય-ચંદ્ર-આદિ દેવતાઓ પણ પરિતાપ કરવા લાગ્યા હતા.આથી સઘળા દેવતાઓએ હિરણ્યકશિપુ-રૂપી મોટા હાથીનો વધ કરવાને વિષ્ણુ ને પ્રાર્થના કરી.
મહાત્મા પુરુષો પણ વારંવાર કરવામાં આવતા અપરાધોને સહન કરે નહિ,એ સ્વાભાવિક છે.
એટલે દેવતાઓની પ્રાર્થનાથી,વિષ્ણુએ હિરણ્યકશિપુને મારવા માટે નૃસિંહ નું સ્વરૂપ ધર્યું.
નૃસિંહ નું રૂપ ભયંકર હતું,તેમણે ભયંકર કડકડાટી કરીને,યુદ્ધમાં,હાથી -જેમ, ઘોડાને મારી નાખે છે-
તેમ,તેમણે એ દૈત્ય હિરણ્યકશિપુને મારી નાખ્યો.અને તે નૃસિંહ-ભગવાને પોતાના નેત્રોમાંથી નીકળતા અગ્નિથી,દૈત્યોના નગર ને બાળી નાખ્યું-એટલે થોડા બચેલા દૈત્યો ત્યાંથી નાસી ગયા.
આમ,પ્રલય-કાળ જેવા ને દેવતાઓએ આદરથી પૂજેલા,નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુનો વધ કરીને ત્યાંથી ગયા,ત્યારે પ્રહલાદ,બચી ગયેલા દૈત્યો સાથે,તે બળી ગયેલા પ્રદેશમાં પાછા આવ્યા,
અને મરી ગયેલા બંધુઓ નો વિલાપ કરવા લાગ્યા.