હે,રામ,સૂર્યની જેમ,સઘળાં દૃશ્યોને પ્રકાશ આપનારા તમે આ જગતમાં રહ્યા છો,માટે તમારે શત્રુ કે મિત્ર કોણ? તમે અંત થી રહિત છો,તમે જ આદિ-પુરુષોત્તમ છો,તમે જ ચૈતન્ય છો અને તમે જ આ જગતના અસંખ્ય પદાર્થો-રૂપે સ્ફુરો છો.
જેમ,દોરામાં મણિઓનો સમૂહ પરોવાયેલો હોય છે,તેમ નિત્ય-પ્રકાશ શુદ્ધ-જ્ઞાન-રૂપ-એવા-તમારામાં,આ સઘળું સ્થાવર અને જંગમ જગત પરોવાયેલું છે.તમે જન્મતા પણ નથી કે મરતા પણ નથી.તમે તો સર્વના અધિષ્ઠાન-રૂપ શુદ્ધ ચૈતન્ય-રૂપ અજન્મા પુરુષ છો.
તૃષ્ણા ની વૃદ્ધિ થાય તો જન્મ આદિ રોગો પ્રબળ થાય છે,અને
તૃષ્ણાનો ક્ષય થાય તો જન્મ આદિ રોગો નિર્મૂળ થઇ જાય છે.
એમ બરાબર નો સારી રીતે વિચાર કરીને,તથા ભોગોની તૃષ્ણાને ત્યજી દઈને તમે કેવળ ભોગોના સાક્ષી થાઓ.તમે વ્યર્થ ખેદ ધરો નહિ,તમને સુખ-દુઃખ નો સંબંધ છે જ નહિ,
તમે પરિપૂર્ણ રીતે પોતાના સ્વ-રૂપને સમજ્યા છો,માટે તમે સર્વના આત્મા છો, અને સર્વ જગતના પ્રકાશક છો.
પ્રથમ તો જે જે વિષય-સુખ મન ને પ્રિય લાગે-તે તે સુખને અનર્થના સાધન-રૂપ સમજો.અને-
ઇન્દ્રિયો ના નિગ્રહ-આદિ જે જે નિયમ મનને અપ્રિય લાગે,તેને કલ્યાણના સાધન-રૂપ સમજો.
પછી,જયારે અભ્યાસ પાકો થાય-ત્યારે જગતની કલ્પનાને ત્યજી દો.
"આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે"એ દૃષ્ટિનો ત્યાગ કરવામાં આવે,ત્યારે સાચેસાચી "સમતા"નો ઉદય થાય છે.તે સમતા હૃદયમાં સ્થિર રહે,તો જીવને ફરીવાર જન્મ લેવો પડતો નથી.
માટે મન જે જે વિષયોમાં જાય ત્યાંથી તેને બહાર કાઢી લઈને અધિષ્ઠાન-રૂપ ચૈતન્યમાં જોડી દેવું.(આમ થવાથી) મન ને જયારે વિષયોમાંથી નીકળીને ચૈતન્યમાં ચોંટવાનો અભ્યાસ પડી રહે
ત્યારે તેને સઘળી રીતે ત્યાં (ચૈતન્યમાં) રોકી લેવું.એટલે પરમ કલ્યાણ ની પ્રાપ્તિ થાય.
હે,રામ, "શરીરને જ સાચું માનનારા,મિથ્યા વિચારોથી દુષિત ચિત્ત-વાળા-મૂઢ અને જાણે સંકલ્પના હાથમાં વેચાયા હોય-તેમ સંકલ્પો ને આધીન રહેનારા ધુતારા" (મૂર્ખ) ની સમાન પંક્તિમાં- તમે-રહો નહિ.
મૂર્ખ-પણું,આત્મ-તત્વના નિર્ણયમાં,વિવેક અને વૈરાગ્ય ને દુર રાખનાર છે -
અને શાસ્ત્ર-આદિનાં-ઉત્તમ વચનોમાં પ્રવેશ કરવામાં બહુ વિલંબ કરાવનાર છે.
આ જગતમાં મૂર્ખ-પણાથી બીજો અધિક કોઈ પણ દુઃખ-દાયી શત્રુ નથી.
હે,રામ,તમે હૃદય-રૂપી આકાશમાં ઉદય પામેલા આ અવિવેક-રૂપી વાદળને,
વિવેક-રૂપી પવનના ઝપાટાથી તરત દુર કરી નાખો.
જ્યાં સુધી,"આત્માના અવલોકન" માટે પોતાના પ્રયત્નથી જ સગવડ કરવામાં ના આવે,
ત્યાં સુધી,"વિચાર" નો ઉદય નહિ થાય.
એટલે,જ્યાં સુધી અંતરદૃષ્ટિ કરીને "પોતાના સ્વ-રૂપનું અવલોકન" કરવામાં આવે નહિ,
ત્યાં સુધી,વેદના,વેદાંતના,કે શાસ્ત્રના વિચારોથી,કે પછી અનુમાનો કરવાથી આત્માનો પ્રગટ અનુભવ થાય નહિ.