Feb 1, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-407

(૨૭) બલિરાજાને પૂર્ણાનંદ ચૈતન્ય-સ્વ-રૂપે વિશ્રાંતિ મળી
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,દેવો અને દૈત્યોની સભામાં અત્યંત વખણાયેલા એ શુક્રાચાર્ય ના ગયા પછી,બલિરાજાએ મન થી આ પ્રમાણે વિચાર કર્યો-"સદગુરુ શુક્રાચાર્યે સાચું જ કહ્યું છે.આ જે સઘળું બ્રહ્માંડ છે,તે ચૈતન્ય જ છે.હું ચૈતન્ય છું,આ સઘળા લોકો ચૈતન્ય છે,દિશાઓ ચૈતન્ય છે,આ સઘળી ક્રિયાઓ પણ ચૈતન્ય છે.
બહારના અને અંદરના સઘળા પદાર્થો સહિત આ સઘળું બ્રહ્માંડ વાસ્તવિક રીતે ચૈતન્ય  છે,
અને બ્રહ્માંડ માં ચૈતન્ય થી જુદું કોઈ સ્થળ કે બીજું કશું પણ નથી.

ચૈતન્ય જો સ્થૂળ શરીરને "આ સ્થૂળ શરીર છે" એમ જાણે નહિ,તો પ્રાણીઓના સ્થૂળ શરીરોમાં-
સ્થૂળ શરીર-પણું શું રહે? એટલે કે-ચૈતન્ય વિના કંઈ પણ સિદ્ધ થતું નથી.
ઇન્દ્રિયો,મન,મનની અંદર તૃષ્ણાઓ,અંદર,બહાર,અસત-પદાર્થો માં પણ ચૈતન્ય જ છે.
હું ભોગોની ઈચ્છા-પૂર્વક જે તે વિષયોનો આ સઘળો ભોગ કરું છું તે પણ ચૈતન્ય થી જ કરું છું.
શરીર થી હું કંઈ કરતો નથી.આ મારું શરીર તો લાકડા-કે માટીના ઢેફા જેવું છે.તેનાથી શું થઇ શકે તેમ છે?

સઘળા જગતનું  "એક" આત્મ-સ્વ-રૂપ જે ચૈતન્ય છે -તે હું જ છું.
આકાશ,સૂર્ય,પૃથ્વી,જળ,વાયુ,દેવો,દાનવો,સ્થાવર,જંગમ-એ સઘળામાં જે ચૈતન્ય છે-તે  હું જ છું.
ચૈતન્ય માં "બીજા-પણા" ની કલ્પના સંભવતી જ નથી.એ કલ્પના જ અસંભવિત છે.
તેથી જગતમાં શત્રુ કે મિત્ર કોણ સંભવે? આ "બલિ" નામનું જે શરીર છે તેનું સુશોભિત માથું કપાઈ જાય,
તો પણ હું,કે જે સર્વ-વ્યાપક ચૈતન્ય છું-તેનું શું કપાઈ જાય?

રાગ-દ્વેષ આદિ જે અભાવો છે-તેમની સિદ્ધિ પણ ચૈતન્ય વિના થતી નથી.તેથી તેઓ પણ ચૈતન્ય જ છે.
અત્યંત વિચાર કરી જોતાં,પણ આ આ મોટા બ્રહ્માંડમાંથી ચૈતન્ય વિના બીજું કંઈ પણ હાથ લાગી શકે તેમ નથી.એટલે રાગ-દ્વેષ,મન,મન ની વૃત્તિઓ કે કોઈ જ જાતના ભેદો ની કલ્પના અતિ-શુદ્ધ ચૈતન્યમાં કેમ ઘટે?
ચૈતન્ય થી પ્રતિકુળ કશું સિદ્ધ થતું નથી,માટે હું અખંડ આનંદ-સ્વરૂપ છું,અને ભેદોની કલ્પનાથી રહિત છું.

નામ વિનાના-એવા-એ-ચૈતન્ય નું "ચૈતન્ય" એ જ નામ કહેવાય છે.
એટલે,ચૈતન્ય તે નામ નથી પણ,પરંતુ,સઘળા પ્રકારની નામ-રૂપોની -કલ્પનાના અધિષ્ઠાન-રૂપ -જે ચૈતન્ય છે-તે જ "ચૈતન્ય" એ કલ્પિત નામે સ્ફુરે છે.
હું,દર્શન અને દૃશ્યથી રહિત એવા કેવળ નિર્મળ-સ્વ-રૂપ-વાળો છું.સર્વદા પ્રકાશમાન છું,જીવપણાથી રહિત છું,દ્રષ્ટા છું,અને પરમેશ્વર  છું.હું કેવળ પ્રકાશ-સ્વ-રૂપ છું,અને સર્વદા દ્વૈતથી રહિત છું.

આત્મા ની અંદર-"જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ જેવો-કલ્પના-રૂપ-અતિ મર્યાદિત-જે જીવ-ભાવ"
ઉદય પામ્યો છે,તે પણ ભ્રાંતિ જ છે,વાસ્તવિક નથી.
એટલે,હું મારા "સ્વરૂપ ના સાક્ષાત્કાર" થી જીવભાવનો પરાભવ કરું છું,
મારો સ્વ-રૂપ-ભૂત આત્મા દેહાદિ-આકારોથી રંગાયો જ નથી,અને નિત્ય-મુક્ત છે,
તે સર્વમાં વ્યાપક છે,અને કલ્પના-માત્ર થી જ જીવ વાળો છે-તેને હું પ્રણામ કરું છું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE