વિરોચન કહે છે કે-હે,પુત્ર,અત્યંત વિસ્તારવાળો અને મોટા અવકાશવાળાઓ એક દેશ (મોક્ષ) છે,
અને તેમાં હજારો ત્રૈલોક્યો સમાઈ જાય છે.એ દેશમાં સમુદ્રો નથી,અખાતો નથી,પર્વતો નથી,વનો નથી,નદીઓ નથી,અને સરોવરો નથી.તેમાં પૃથ્વી નથી,આકાશ નથી,સ્વર્ગ નથી,વાયુ નથી,ચંદ્ર થી,સૂર્ય નથી,લોકપાલો,દેવો,દાનવો,ભૂતો,યક્ષો નથી,તેમાં હું નથી,તું નથી કે-,વિષ્ણુ કે સદાશિવ -આદિ પણ નથી.
એ દેશમાં મોટા પ્રકાશવાળો,સઘળું કરનારો,સર્વમાં વ્યાપક અને સર્વ-રૂપ એક જ ભારે મોટો રાજા (આત્મા) છે.અને તે સર્વદા ચૂપ જ રહે છે.એ રાજાએ સઘળા "વિચારોમાં તત્પર રહેનારો એક મંત્રી" (મન) "કલ્પેલો" છે.અને તે મંત્રી,અઘટિત વાત (આત્માનું સંસારી-પણું) ને તરત ઘટિત જેવી કરી દે છે,અને,ઘટિત વાત (આત્માનું પુર્ણાનંદ-પણું) ને અત્યંત અઘટિત જેવી કરી શકે છે.
એ મંત્રી (મન) કાંઇ ભોગવી શકતો નથી,અને કાંઇ જાણતો નથી,
તે જડ છે છતાં પણ,કેવળ રાજા (આત્મા) ને માટે જ સઘળું કાર્ય કર્યા કરે છે.
એ મંત્રી (મન) પોતે એકલોજ તે રાજા (આત્મા) નાં સઘળાં કર્યો કરે છે,અને
રાજા (આત્મા) તો કેવળ સ્વસ્થ-પણાથી એકાંત (અદ્વૈત-પણા) માં રહે છે.
બલિ (પિતા વિરોચનને) પૂછે છે કે-હે,પિતાજી,આધિઓથી અને વ્યાધિઓથી રહિત એ કયો દેશ છે?
એ દેશ કેમ પ્રાપ્ત થાય? એ દેશ કોઈને મળ્યો છે? એવો એ રાજા અને મંત્રી કોણ છે?
એવો તે કેવો મહાબળવાન રાજા છે કે-જેણે આપણે પણ આજ સુધી જીત્યો નથી?
દેવતાઓને પણ ભય આપનારા પિતાજી,આ આખ્યાન મને અપૂર્વ લાગે છે,માટે મને કહો કે આપણે,
એમને (તે રાજાને કે આત્માને) શા માટે હરાવ્યા નથી? તમે મારા આ સંશય-રૂપી વાદળને દૂર કરો.
વિરોચન કહે છે કે-હે,પુત્ર,ત્યાં (તે દેશમાં) મંત્રી એવો બળવાન છે કે-આપણે તો શું પણ લાખ-ગણા દૈત્યો અને લાખગણા દેવતાઓ મળીને તેને દબાવવા જાય -તો પણ તે જરાય દબાય તેવો નથી.કારણકે-
એ મંત્રી ઇન્દ્ર પણ નથી,કુબેર નથી,યમ નથી,દેવ નથી કે દૈત્ય પણ નથી.
(એટલે કે -જો તે આમાંથી કોઈ હોય તો તો આપણે તેને જીતી શકીએ.)
હે,પુત્ર,જેમ કમળ પથરાને તોડી શકે નહિ,તેમ,એ મંત્રીને તલવાર,ગદ્દા,વજ્ર-કે એવું કોઇપણ શસ્ત્ર તેને તોડી
શકે એમ નથી.એ મંત્રીએ સઘળા દેવો અને દૈત્યોને પણ વશ કરેલા છે.
એ મંત્રી જો કે વિષ્ણુ નથી,તો પણ તેણે હિરણ્યાક્ષ -આદિ આપણા પૂર્વજોને પણ અસ્ત-વ્યસ્ત કરી દીધા હતા.સર્વને બોધ આપનાર નારાયણ-આદિ-દેવોને પણ એ મંત્રીએ દબાવીને પોતાની ઈચ્છા પ્રમાણે,
ખાડાઓ (જુદી જુદી યોનિઓ-કે અવતારો!!) માં નાખી દીધા હતા.
કેવળ "કામ-દેવ" જ એ મંત્રીની (મનની) કૃપાથી,આ સમગ્ર ત્રૈલોક્ય ને દબાવીને,રાજાના જેવો થઇ પડ્યો છે."ક્રોધ" જો કે દુષ્ટ આકાર-વાળો,દુર્મતિ અને સદગુણોથી રહિત છે,અને દેવો-દૈત્યો વચ્ચે પરસ્પર વિરોધ
ઉપજાવનારો છે,તો પણ તે મંત્રીની (મનની) કૃપાથી જ ઉદ્ધત થઇ પડ્યો છે.
હે,પુત્ર,હજારો દેવતાઓનો અને હજારો દૈત્યોનો જે વારંવાર સંગ્રામ થાય છે-
તે સંગ્રામના વિચારો કરનારા -મંત્રી (મન) ને તો તે (સંગ્રામો) એક જાતની ક્રીડા જ છે.