Jan 22, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-397

જેમ,અગ્નિમાં લાકડાં પડવાથી અગ્નિ વધતો જાય છે-તેમ,ચિંતવન કરવાથી ચિંતા વધતી જાય છે.અને,જેમ લાકડાં નહિ પડવાથી અગ્નિ શાંત થઇ જાય છે-તેમ,ચિંતવન નહિ કરવાથી ચિંતા નષ્ટ થઇ  જાય છે.
હે,રામ, તમે "ધ્યેય" નામની વાસના (આગળ ૧૬ મા પ્રકરણ માં કહેલી) ના ત્યાગ-રૂપી રથમાં બેસીને,કરુણાથી ભરેલી ઉદાર દૃષ્ટિ થી દીન-લોકોની સામે જોઇને-ચાલતો વ્યવહાર કરવા માટે સજ્જ થાઓ.

જીવનમુક્ત સંબંધી,આ સ્વચ્છ અને "નિષ્કામ-પદ્ધતિ" મેં તમને કહી.
જે પુરુષ વિચક્ષણ હોય નહિ,તે પણ જો આ પદ્ધતિ (નિષ્કામ) થી ચાલે-તો-તે કોઈ રીતે મૂંઝાય જ નહિ.
જે પુરુષ,એક "વિવેક-રૂપી-મિત્ર"  અને એક "પ્રૌઢ-બુદ્ધિ-રૂપી-સખી" ને સાથે રાખીને વ્યવહાર કરે છે,
તે પુરુષ ગમે તેવા સંકટો માં પણ મૂંઝાતો નથી.

સઘળી "તૃષ્ણાઓ"નું નિવારણ કરનારા-અને બાંધવોમાં થતી "મમતા"ને ગળચી પકડીને કાઢી મુકનારા--
"પોતાના ધૈર્ય"  (ધીરજ) વિના બીજું કોઈ સંકટમાંથી ઉગારી શકે તેમ નથી.
આપત્તિઓના વિનાશ કરવાને માટે,"વૈરાગ્ય" રાખીને,"શાસ્ત્ર નો અભ્યાસ કરીને" અને "પ્રૌઢતા" વગેરે
ગુણોનું સંપાદન કરીને પણ,મન ને પ્રયત્ન-પૂર્વક,પોતાના હાથ થી જ વિષયો-રૂપી ખાડામાંથી કાઢવું.

વિષયો ની તૃષ્ણા ના ત્યાગ-રૂપી -મહત્તાને પ્રાપ્ત થયેલા મન થી જે ફળ (સુખ-શાંતિ) મળે છે-
તેવું ફળ,ત્રૈલોક્યના રાજ્ય થી પણ મળતું નથી,અને રત્નો થી ભરપૂર ભંડાર (લક્ષ્મી) થી પણ મળતું નથી.

જેમનું મન સંતાપોથી રહિત થઇ ગયું હોય છે,
તે પુરુષો,સારી-નરસી આશાઓ-રૂપી-ધક્કાઓથી આ જગત-રૂપી-ખાડાના પેટમાં પડતા નથી.
જેમ,જેણે પગરખાં પહેર્યા હોય,તે પુરુષને,સઘળી પૃથ્વી ચામડાથી મઢાયેલી જણાય છે-
તેમ,જેનું મન બ્રહ્માનંદ-રૂપી-અમૃતના ઝરાઓથી ભરપૂર થયેલું હોય,તે પુરુષને સઘળું જગત,
બ્રહ્માનંદ-રૂપી-અમૃતના ઝરાઓથી ભરપૂર જ જણાય છે.

વૈરાગ્ય થી જ મન પૂર્ણ-પણાને પામે છે,પણ આશા (સ્પૃહા) ઓને વશ રહેવાથી તે પૂર્ણપણાને પામતું નથી.
જેમ,તળાવ નો કાદવ,શરદ-ઋતુને લીધે ઊંડી ખાડ જેવો થઇ જાય છે-
તેમ,મન આશાને લીધે ઊંડી ખાડ જેવું થઇ જાય છે અને તેના કામ-ક્રોધ-આદિ દુર્ગુણો સપષ્ટ જણાઈ આવે છે.
સ્પૃહા (આશા) થી રહિત થયેલા મનમાં જેવી શીતળતા થાય છે-તેવી શીતળતા ચંદ્રમાં પણ નથી,
હિમાલયની ગુફામાં પણ નથી,કેળમાં પણ નથી કે ચંદન ના વનોમાં પણ નથી.
સ્પૃહા થી રહિત થયેલું મન જેવું શાભે છે,તેવો પૂર્ણ-ચંદ્ર પણ શોભતો નથી,
તેવો ભરપૂર ક્ષીર-સાગર પણ શોભતો નથી અને તેવું લક્ષ્મીનું મુખ પણ શોભતું નથી.

જેમ,વાદળાં ની પંક્તિ ચંદ્રને મલિન કરી દે છે,તેમ,આશા-રૂપી-પિશાચણી,મનુષ્યના મન ને મલિન કરી દે છે.ચિત્ત-રૂપી-મોટા-વૃક્ષ ની આશાઓ-રૂપી-શાખાઓ-સઘળી દિશાઓને ઢાંકી દેનારી છે,
જો તેઓ (શાખાઓ) કપાઈ જાય તો-ચિત્ત-રૂપી-મોટું-વૃક્ષ ઠૂંઠાપણાને પ્રાપ્ત થાય છે.
જો અતૂટ "ધીરજ" થી આ રીતે ચિત્ત-રૂપી-વૃક્ષ નો નાશ કરવામાં આવે તો-નાશ-રહિત પદની પ્રાપ્તિ થાય.

હે,રામ,તમે ઉત્તમ "ધૈર્ય" (ધીરજ) રાખીને,ચિત્તની "વૃત્તિઓ-રૂપી-આશા"ઓને ઉગવા જ દો નહિ-
તો તમને સંસાર નો ભય છે જ નહિ.
તમારું ચિત્ત જયારે વૃત્તિઓથી રહિત થઈને અ-ચિત્ત-પણાને પ્રાપ્ત થશે,
ત્યારે તમે પોતામાંજ -મોક્ષ-મય-વિસ્તીર્ણ-સત્તા ને પ્રાપ્ત થશો.
હે,રામ, ચિત્ત-રૂપી-ઘરમાં જો તૃષ્ણા-રૂપી-ઘુવડની માદા ગરબડ કર્યા કરતી હોય તો-
સઘળાં અમંગલો અત્યંત વિસ્તાર પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE