ચોથા પ્રકારના નિશ્ચયમાં-સર્વથી રહિત જે પરમ-તત્વ અવશેષ (બાકી) રહે છે-તેને જ જુદાજુદા વાદીઓએ (વાદ વાળાઓએ) શૂન્ય-પ્રકૃતિ-માયા-બ્રહ્મ-વિજ્ઞાન-પુરુષ-ઇશાન-નિત્ય-આત્મા-વગેરે નામો આપેલાં છે.
"આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે અને તે બ્રહ્મ માં એક-પણું કે બે-પણું ક્યાંય નથી" એમ જો નિશ્ચય રાખવામાં આવે તો-સઘળું જગત અનુભવ-મય" જ થઇ જાય છે.અને (જગતની) લેશ-માત્ર ભ્રાંતિ રહેતી નથી.
દ્વૈત (બે) રહિત "એક" પરમાત્મા જ "માયા ની લીલા" થી જગત-રૂપે બનીને -એક-પણા કે બે-પણા ના ભેદો થી પ્રતીત થાય છે,પણ વાસ્તવિક રીતે તે બ્રહ્મ માં બે-પણું નથી કે એક-પણું પણ નથી.કારણકે-એક-પણું પણ બે-પણા ના "નિષેધ" ને માટે "કલ્પાયેલું" હોવાથી મિથ્યા જ છે.
પોતાનાં કે પરાયાં -પુત્ર-સ્ત્રી-વગેરે-અથવા આ સઘળું જગત (અથવા કોઈ કાર્ય) નષ્ટ થાય કે વૃદ્ધિ પામે-
તો પણ તેમાં તમે સુખ-દુઃખ ને ગ્રહણ કરો નહિ.તમે બ્રહ્મ-રૂપ જ છો,એટલે- તેથી તમે તમારા મનમાં
"સઘળું જગત બ્રહ્મ જ છે" એવી દૃઢ અદ્વૈત ની ભાવના રાખો.
અને-સાથે સાથે-બહાર વ્યવહારમાં ધર્મો ની વ્યવસ્થા માટે અદ્વૈત નો અનાદર પણ કરો !!
એટલે કે આ રીતે "દ્વૈતાદ્વૈતમય" (અનાસકત) થઈને રહો.
હે,રામ,આત્મા માં સાચું દ્વૈત સંભવતું નથી કારણકે તે આત્મામાં કલ્પાયેલું છે.
તેમ આત્મામાં એક-પણા-રૂપી સંખ્યા પણ સાચી સંભવતી નથી
કારણકે-તે પણ -બે-પણાનો નિષેધ કરવા માટે કલ્પાયેલા હોવાથી તે (આત્મા) દ્વૈત-રૂપ જ છે.
જેને (જે આત્માને) પોતાની સિદ્ધિમાં કોઈ પણ જાતની અપેક્ષા નથી,
એવું સર્વદા સત્ય-સ્વયં-પ્રકાશ આત્માનું સ્વરૂપ એકતા થી રહિત છે માટે તે "સર્વ-રૂપ" છે.અને દ્વૈત થી રહિત છે માટે "તે કંઈ પણ નથી" (શૂન્ય છે)-એમ પણ કહેવાય છે.
(નોંધ-અહી આત્મા (પરમાત્મા) નું અદ્વૈત-દ્વૈત અને શૂન્ય-પણું સિદ્ધ કર્યું છે)
આ દેહાદિક પણ નથી અને જગત પણ નથી જ,પરંતુ જે કંઈ છે તે સઘળું નિરાકાર-જ્ઞાનમાત્ર બ્રહ્મ જ છે.
આ જગત -કે જે પ્રત્યક્ષ દેખાય છે-તે તો બ્રહ્મ ના સાક્ષાત્કાર થી શાંત થઇ જનારું છે.
માટે તે સત નથી કે અસત પણ નથી-પરંતુ તે અનિર્વચનીય (વર્ણન ના કરી શકાય તેવું) છે. એમ તમે જાણો.અને "અનુભવ-રૂપ-બ્રહ્મ" જે -"બ્રહ્મ" છે-તે જ તમે છો,તે જ હું છું અને તે જ આ જગત છે-એથી જુદું કંઈ પણ નથી-આવી રીતનો નિશ્ચય તમારા અંતઃકરણમાં સર્વદા વૃદ્ધિ પામેલો રહેજો.
(૧૮) સંસારમાં રહેતો જ્ઞાની સંસારનાં દુઃખોથી પીડાતો નથી
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, સમાહિત (સમતા) મનવાળા અને કામ-લોભ આદિ કુદૃષ્ટિઓથી દુષિત નહિ થયેલા જીવનમુક્ત લોકો આ સંસારમાં લીલા થી વિચરે છે.(તેમનો સ્વભાવ નીચે પ્રમાણે હોય છે.)
જીવનમુક્ત થયેલો પુરુષ-આ સંસારમાં વ્યવહાર કરવા છતાં પણ,
(જીવન ની શરૂઆતમાં જન્મના દુઃખો-રૂપી -મધ્યમાં રોગ-વગેરે દુઃખો-રૂપી અને અંતમાં મરણ-વગેરે દુઃખો-રૂપી) અત્યંત નિસ્સારપણાવાળી (કોઈ પણ સાર વગરની) જગત સંબંધી ગતિઓ ને હસવા યોગ્ય ગણે છે.