"મન આત્મા થી જુદું છે" એવી સમજણથી મન દુઃખી થઇ જાય છે,પણ,એવી સમજણ જો છોડી દેવામાં આવે,(એટલે કે મન આત્મા થી જુદું નથી તેમ સમજવામાં આવે) તો-ત્યારે મન ક્ષીણ થઇ જાય છે.જો- "આ સઘળું જગત આત્મા જ છે" એવું જ્ઞાન ઉદય પામે તો-દ્રષ્ટા-દ્રશ્ય-ચિત્ત અને ચિત્ત ની વૃત્તિ-એમાંનું કંઈ અવશેષ રહે નહિ.
હે,રામ, "હું જીવ છું" એમ સમજવું તે જ મન છે,
એમ કહેવામાં આવે છે-કે- એ મનથી જ આદિ-અંત વિનાના દુઃખ નો વિસ્તાર થાય છે.પણ -"હું બ્રહ્મ જ છું અને બ્રહ્મ સિવાય બીજી કોઈ સત્તા કદી પણ સાચી નથી" એમ જો પાકું સમજાય તો-એ જ મન નો ઉપશમ (નાશ કે નિવૃત્તિ) છે અને એ જ પરમ સુખ છે.એટલે "આ સઘળું જગત આત્મા જ છે-એવો દ્રઢ નિશ્ચય થાય તો મન નો અભાવ થઇ જાય છે.એમાં સંશય નથી.અને -સાચા (સત્ય) જ્ઞાનથી જ આવો દ્રઢ નિશ્ચય થાય છે.
જ્યાં સુધી,મન-રૂપી-સર્પ શરીરમાં હોય ત્યાં સુધી-મોટો ત્રાસ છે,
પણ એ સર્પને યોગ્ય ઉપાયથી દુર કરવામાં આવે તો-પછી ત્રાસ પામવાનો પ્રસંગ જ ક્યાંથી રહે?
અતિ-બલિષ્ઠ એવો મન-સુપી-યક્ષ,આ દેહ-રૂપી ઘરમાંથી દૂર કરીને તમે સઘળાં દુઃખોથી તથા
વ્યાકુળતાથી રહિત થઈને રહો,તમને કોઈ જ જાતનો ભય નથી.
"હું પૂર્ણ હોવાને લીધે રાગ-રહિત (આસક્તિ રહિત) છું,અને હું વ્યાપક હોવાને લીધે,મારે કોઈ વસ્તુ
સંપાદન કરવાની જરૂર નથી" એટલું જ જો સમજવામાં આવ્યું તો-તમારું મન જતું રહ્યું છે અને
તમારી સઘળી તૃષ્ણાઓ શાંત થઇ ગઈ છે.
હે,રામ, તમે એ સર્વોત્તમ-પદ ને પામી શક્યા છો,એટલે તો હવે તમે તે સર્વોત્તમ-પદમાં જ રહો.
(૧૫) સર્વ અનર્થ નું બીજ - તૃષ્ણા- છે
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, આ મન ની સત્તા સંસારના સૂક્ષ્મ બીજ રૂપ છે,અપવિત્ર છે અને જીવને બાંધનારી
જાળ-રૂપ છે.એને અનુસરવાથી આત્મા પોતાના બ્રહ્મ-રૂપ-પણાને ભૂલીને મલિન જ્ઞાનને પ્રાપ્ત થયો છે.
તેમાંથી (તે બ્રહ્મમાંથી) કલ્પાયેલા દેહને "હું છું" એમ માને છે,અને અનેક વિષયોની કલ્પનાથી થતા
રાગ-દ્વેષાદિ-રૂપી-મેલ ને ધારણ કરે છે.
નિરંતર વધતા જનારા મહા-મોહ ને ઉત્પન્ન કરનારી અને ત્રાસ આપનારી -તૃષ્ણા-રૂપી-ઝેરી-લતા,એ,
રાગ-દ્વેષાદિ-રૂપી મેલ વાળા પુરુષને મૂર્છિત જ કરી નાખે છે.
તૃષ્ણા જયારે ઉદય પામે છે ત્યારે તે "મહા-મોહ" ને આપ્યા વગર રહેતી જ નથી.
પ્રલય-કાળના અગ્નિ ને સહન કરી શકે તેવા-સદાશિવ-વગેરે કેટલાએક મહાત્માઓ છે,પણ,
તૃષ્ણા-રૂપી-અગ્નિ ની જવાળાની બળતરા ને સહન કરી શકે તેવા કોઈ પણ નથી.
હે,રામ,સંસારમાં જે જે અંત વિનાનાં,ના અટકાવી શકાય તેવાં દુઃખો છે,તે સર્વ તૃષ્ણા-તુપી-લતા નાં ફળ છે.
મનુષ્યો ના મન-રૂપી-ગુફામાં રહેનારી આ તૃષ્ણા અદ્રશ્ય રહીને જ -મનુષ્યો ના માંસ-રુધિર-વગેરે ને ખાધા કરે છે,અને પોતામાં પડેલા (ફસાયેલા) મનુષ્યને તાણી-પછાડીને ફાડી નાખે છે.
તૃષ્ણા-રૂપી વાઈ થી પછડાયેલો પુરુષ રાંક થઇ જાય છે,અને ભોંઠો પડીને શક્તિ વિનાનો થઇ જાય છે.
તે નીચ-પણાને પ્રાપ્ત થાય છે,ભાવ વિનાનો થઇ જાય છે,રડે છે અને નીચે પડી જાય છે.