Jan 8, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-383

હે,આત્મ-તત્વ નું મનન કરી જાણનાર રામ,
તમારા "હૃદય-રૂપી-નિર્જળ-દેશ" માં અજ્ઞાન (અ-યથાર્થ જ્ઞાન) થી ઉત્પન્ન થયેલી "કલ્પના-રૂપ-ઝાંઝવા ની નદી"એ યથાર્થ જ્ઞાનથી અત્યંત શાંત થઇ ગઈ છે.
હે રામ,મન તો જડ છે અને સ્વ-રૂપ વિનાનું છે,તેથી સર્વદા મૂએલું જ છે.
તો એ મૂએલા (મન) થી લોકો "પોતે માર્યા ગયા છે" એમ સમજે છે- એ વિચિત્ર મૂર્ખતા ની પરંપરા જ છે.


જેનું કોઈ સ્વ-રૂપ નથી,કોઈ દેહ નથી,કોઈ આધાર નથી અને કોઈ જાતિ પણ નથી-
તેવું મન સર્વ લોકો ને દુઃખી કરે છે-એમ સમજવું એ -એક જાતની મૂર્ખપણા ની જાળ છે.
આવું મન જો કોઈ ને દુઃખી કરતુ હોય તો હું ધારું છું કે-તેવા દુઃખી થનારનું માથું નીલ-કમળ ની પાંખડી થી
ફાટી પડતું હશે.(તેમ શક્ય નથી કારણકે પાંખડી થી માથું ફાટી પડી શકે નહિ )
તે મન જડ છે,મૂંગું છે,આંધળું છે-તો પછી તે કોને મારી શકે? બાળી શકે? કે દુઃખી કરી શકે?

શત્રુ ને જીતવાની,સઘળી સામગ્રી (શસ્ત્રો) વાળા લોકોને-સામગ્રી (શસ્ત્રો) વિનાનું મન હરાવી દે છે-
એ વાત કેટલી મૂર્ખાઈ ભરેલી લાગે છે? કારણકે-
તે મન મિથ્યા સંકલ્પથી જ ગોઠવાયું છે,સ્થિતિ પામેલું છે અને શોધવા છતાં ક્યાંય જોવામાં આવતું નથી-
તો પછી તેનામાં લોકો નો પરાભવ કરવાની શક્તિ જ શી રીતે સંભવે?

જો વિચાર કરી જોવામાં આવે તો-મન જરા પણ (કોઈ લડાઈમાં) ટકી શકે તેમ નથી,તો પણ તે જ મન -
જો લોકો ને સંકટમાં નાખતું  હોય,તો એ એક જાતની વિચિત્ર "માયા" જ હોવી જોઈએ.
અને એ જ માયા "મહા-માયાવી-મય-દાનવ" ને પણ બનાવતી હશે !!!!

જયારે મૂર્ખતા હોય છે-ત્યારે લોકોને સઘળી આપત્તિઓ પ્રાપ્ત થાય છે.
અજ્ઞાની મનુષ્ય પોતાની મૂર્ખતા થી જ આપદા-રૂપી-સૃષ્ટિ બનાવી લે છે.
અને પોતાના ખોટા મન ને કુમાર્ગ પર ચડાવી ને તે સૃષ્ટિ ને વધાર્યા કરે છે.
માટે હું ધારું છું એક-આ સૃષ્ટિ કેવળ મૂર્ખતાથી જ બનેલી હોવાથી,વિચાર માત્ર થી ટળી જાય તેવી કૂણી છે.
આવી સૃષ્ટિ થી આત્મા ને દુઃખ થાય છે-કે તે બંધાઈ જાય છે-કે તેનો પરાભવ થાય છે-કે તેનો નાશ થાય છે-
તેમ માનવું એ -પણ એક ભ્રાંતિ જ છે.

હે,રામ,આમ મન એ મિથ્યા જ ઉઠેલું છે,અને જે પુરુષ તેને વશ કરવાને સમર્થ ના હોય -તે ઉપદેશને પાત્ર નથી.એ પુરુષ ની બુદ્ધિ બાહ્ય વિષયમાં જ લાગેલી હોય છે (વિષયો મળવાથી જ તે પૂર્ણ-પણું માની લે છે)
પણ આત્મ-વલણ માં લાગેલી હોતી નથી.
આવી બુદ્ધિ  સુક્ષ્મ વિચાર કરવા માટે અશક્ત (અસમર્થ) છે,તેથી ઉપદેશનાં વચનો ને યોગ્ય  જ નથી.

આવી બુદ્ધિ વેવલી છે,સતત ભય પામતી હોય છે અને
મન જો તેને બીવડાવે તો તે મન ને પરવશ થઇ જાય તેવી હોય છે.
પોતાની (બુદ્ધિ ની) પાસે જ રહેલા તુચ્છ મન થી (તે મન શત્રુ હોય તેમ) ભય પામતી એ અભાગીણી બુદ્ધિ,
સુક્ષ્મ વિચાર કરી જાણતી નથી,
આમ આ રીતે હોવા -છતાં પુરુષ પોતે એ બુદ્ધિ ને વિષયથી રાજી રાખવાનો નિરર્થક મોહ શા માટે રાખે છે?

(નોંધ-એટલા માટે-જ જો પુરુષ ની પોતાની બુદ્ધિ સૂક્ષ્મ વિચારમાં પહોંચી શકતી ના હોય તો-
તે બુદ્ધિ ને છેવટે (કમ સે કમ) વિષય-સુખ થી તો દુર જ રાખવી  જોઈએ-
કે જેથી કોઈક દિવસ તો તે -સૂક્ષ્મ વિચારમાં પહોંચવામાં સમર્થ થાય!!)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE