બાકીના જડ-અંશ-રૂપ જે ચલન (તરંગ) છે -તે "પ્રાણ" (શક્તિ કે વાયુ શક્તિ) નો જ ધર્મ છે.
એ "પ્રાણ" એક જાતનો "વાયુ" છે-અને તે શરીરમાં "પ્રાણમય-કોશ" કહેવાય છે.
જેમની "જ્ઞાન-શક્તિ" કે- જે - જુદાજુદા પ્રકારના (મન ના ) "સંકલ્પોના નિશ્ચયો" થી દબાયેલી હોતી નથી-
તેઓ "મન" ને "જેમાં કોઈ પણ વિષયોના આકારનું ગ્રહણ થયું નથી" એવી
"પરમાત્મા ની શુદ્ધ-પ્રભા-રૂપ" જ જુએ છે.
"આ દેહ હું છું અને આ મારું છે" (આસક્તિ-રૂપ)
એવા અધ્યાસથી મેલી થયેલી 'મન-રૂપી જે કલ્પના' છે-તેનું "જીવ" એવું નામ કહેવામાં આવે છે.
"મન" માં જે "ચલન-ભાગ" છે તે -"પ્રાણ નો જ ધર્મ" છે.(એટલે)
તે ઉપરથી એમ પણ કહી શકાય કે-"મન-એ- આત્મા તત્વ અને પ્રાણ ના મિશ્રણ-રૂપ છે."
હે,રામ,બુદ્ધિ-ચિત્ત અને જીવ -એ નામો ખોટી રીતે મન માં જ છે,
કારણકે-તેઓને વિદ્વાનોએ "પ્રક્રિયા" માટે કલ્પેલા છે-અને (માટે) તે વાસ્તવિક રીતે છે જ નહિ.
આમ-વાસ્તવિક રીતે (સત્યમાં) જોતાં,મન-બુદ્ધિ-જીવ કે શરીર એ કંઈ પણ નથી.
જે કંઈ છે તે માત્ર અખંડ -આત્મા- જ છે.
આ સઘળું જગત -એ આત્મા છે,અને જે કાળ છે તે પણ આત્મા જ છે.
તે નિર્મળ આત્મા,આકાશથી પણ સુક્ષ્મ છે-અને ઇન્દ્રિય-વગેરે સાધનો થી જાણવામાં આવતો નથી.
અને આમ હોવાને કારણે તે અસત જેવો જણાતો હોવા છતાં,
સઘળી કલ્પનાઓ ના "અધિષ્ઠાન-રૂપ" હોવાથી સત્ય જ છે.
સઘળા કલ્પિત પદાર્થો થી ન્યારો એવો એ આત્મા બીજા કોઈ સાધનોથી નહિ,
પણ,પોતાના "પ્રકાશ"થી જ અનુભવમાં આવી શકે છે.
મન જો આત્મા ને જોવાની પ્રવૃત્તિ કરે,તો જોવાના સમયમાં,પોતે જ નાશ પામી જાય છે.
જેવી રીતે,અંધકાર-એ -પ્રકાશને જોવાની પ્રવૃત્તિ કરે તો-
તે-જોવાના સમય(દરમિયાન) માં તેનો પોતાનો (અંધકારનો) નાશ થયા વગર રહે જ નહિ.
મન-એ આત્મા ને જોવા સમર્થ થતું નથી,તે (મન) તો માત્ર- અત્યંત સ્વચ્છ અનુભવ-રૂપ આત્મામાંથી સંકલ્પ ને લીધે ઉઠેલા- અનાત્મ-પદાર્થો-ને જોવામાં જ (આત્મા નું જ વિસ્મરણ કરીને) પ્રવર્તે છે.
એટલે,-આત્માનું જે "સંકલ્પ-મય-પણું" છે તે જ મન કહેવાય છે અને
આત્મા નું જે "સંકલ્પો થી રહિત-પણું" (મન-રહિત-પણું) છે -તે જ "મોક્ષ" કહેવાય છે.
આમ હોવાથી "આત્મ-દર્શન" એ મોક્ષ જ છે-માટે તેમાં મન કેવી રીતે પ્રવર્તી શકે?
સંકલ્પોમાં ઉન્મુખ (પ્રવૃત્ત) થતા,આત્મા નો -પોતાના નિર્વિકલ્પપણા માં જે ફેરફાર થાય છે તે જ મન નો જન્મ છે.અને તેમાંથી (ત્યારથી) સંસારની વૃદ્ધિ થાય છે.
આ રીતે ચૈતન્ય ની સત્તા પોતાના નિર્વિકલ્પ-પણામાંથી ભ્રષ્ટ થઇ અને સંકલ્પથી કલંકિત થાય છે,
ત્યારે કલ્પના ઉઠે છે અને તે કલ્પના મન કહેવાય છે.