Jan 5, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-380

ચૈતન્ય ના "સ્વ-ભાવ" ને લીધે જ -ચૈતન્ય માં ચલન થયાની જે ખોટી 'કલ્પના' થાય છે-તે જ 'મન' છે.અને તે 'મન-રૂપી-સર્પ' નો જે ફૂંફાડો છે -તે જ આ 'જગત' છે-એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે.
જે બ્રહ્મ છે-તે જ -કંઈક પોતાના સ્વ-રૂપ ને ભૂલી,જયારે "અમુક પદાર્થ છે-અમુક પદાર્થ છે" એવા પ્રકારની,સત્ય જેવી કલ્પના-રૂપ થઈને હૃદયમાં સ્થિર થાય છે,ત્યારે તે 'મન' કહેવાય છે.

"ઉદય પામેલી તે કલ્પના" જયારે "આ મન છે" એમ સમજાઈને જામી ગઈ,
ત્યારે તે પોતાના ચૈતન્ય-પણાને ભૂલી જઈને -જડ (મન) જેવી થઈને રહી.
"વ્યાપક-પણા"માંથી ભ્રષ્ટ થઈને મન-પણાને પામેલી,એ પહેલી "કલ્પના" સંકલ્પ-વિકલ્પને અનુસરીને,
"આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે" એવી ગરબડ કર્યા કરે છે.
આ રીતે જોવામાં આવે તો- જગતનું જે ચૈતન્ય છે-તે જ પોતાની "માયા-શક્તિ" ને લીધે,મન-રૂપ થયું છે.
એટલે જે મન છે તે જ ચૈતન્ય છે-તો પણ,જ્યાં સુધી તે "મન" ને શાસ્ત્રાદિક-રીતે સમજાવવામાં આવે નહિ-
ત્યાં સુધી (તે મન) પોતાના ચૈતન્ય-પણાને સમજતું  નથી.!!!

આમ છે-એટલા માટે શાસ્ત્ર ના વિચારથી,ઉત્તમ વૈરાગ્યથી,અને ઇન્દ્રિયોના નિગ્રહ થી,
મન નું વલણ પોતાના "સ્વ-રૂપ" તરફ કરાવવું જોઈએ.
સર્વ પ્રાણીઓની એ મન-રૂપી-કલ્પના -જો વિજ્ઞાનથી તથા ઉપશમ થી -પોતાના સ્વરૂપને સમજે-તો-
બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે,અને ના સમજે તો-જગતની ભાવના કરીને જગતમાં ભમ્યા કરે છે.

મન-રૂપી કલ્પના,મોહ-રૂપી મદિરાથી મત્ત થયેલી છે,વિષયો-રૂપી ખાડાઓમાં લોટ્યા કરે છે,
અને પોતાના સ્વ-રૂપ ના અજ્ઞાનથી જ જડ થઇ ગયેલી છે,માટે,તેને સમજાવવી જોઈએ.
એ મન-રૂપી કલ્પના,હૃદયની અંદર દેખાય છે,છતાં,પણ તે સંકલ્પથી રચાયેલા મહેલની જેમ ખોટી જ છે.
તેને જ્યાં સુધી સમજાવવામાં ના આવે ત્યાં સુધી તે કંઈ સમજતી નથી.
એ મન-રૂપી કલ્પના,બીજા બાહ્ય પદાર્થો ને જાણે છે,તે પણ પોતાના પ્રભાવથી જાણતી નથી,
પણ ફુલ ની અંદર રહેલી  સુગધની પેઠે પોતાની અંદર રહેલા સાક્ષી-ચૈતન્ય ના પ્રભાવથી જ જાણે છે.

એ મન-રૂપી-કલ્પના,જોકે તેના અસલ સ્વરૂપનો વિચાર કરતાં-નિત્ય જ્ઞાન-સ્વ-રૂપ જ છે,તો પણ,
શરીર-આદિ ની મર્યાદિત દશાને પામીને તે ટૂંકી થઇ જાય છે-
અને તેથી તે જગતમાંથી પણ થોડું ક જ જાણી શકે છે,
અને જે -તે-થોડુંક પણ જાણી શકે છે-તેટલું પણ તે સાક્ષી-ચૈતન્ય ના સ્વભાવથી જ જાણી શકે છે.

હે,રામ,જેમ સૂર્ય,કમલિનીને (કમળને) પ્રફુલ્લિત થવાની શક્તિ આપે છે,
તેમ,સાક્ષી-ચૈતન્ય જ એ પથરા જેવી "જડ-મન નામની કલ્પના" ને જગતના પદાર્થો જાણવાની શક્તિ આપે છે.અને તેથી જ તે "મન-રૂપી-કલ્પના" ચૈતન્યની પ્રેરણા વિના કશું જાણી શકતી નથી.
સાક્ષી-ચૈતન્ય ની પ્રેરણા (શક્તિ) વિના એકલા મનથી ક્રિયા(કર્મો) થવી પણ અસંભવિત છે.

આ રીતે જો જોવામાં આવે તો-મન પથરા જેવું જડ છે-મિથ્યા-ભ્રાંતિ થી જ ઉઠેલું છે,
અને ઝાંઝવા ના પાણી જેવું છે.તેનાથી શું ક્રિયા થઇ શકે?
જેમ,અત્યંત વિસ્તીર્ણ અખંડ તડકો હોય-તો જ ઝાંઝવાનાં પાણી ની નદી સ્ફૂરે છે,
તેમ,અખંડ આત્મ-તત્વ વિદ્યમાન (હાજર) છે-તો જ મન-રૂપી કલ્પના સ્ફૂરે છે.

હે,રામ,પરમાત્મા માં જે "ચલન-રૂપી-કલ્પના" થઇ,તેને "ઠગારાઓ" એ ભિન્ન માની -
"મન" એવું નામ આપીને "કાગ નો વાઘ" બનાવી દીધો છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE