'ચિત્ત (મન) નું વિસ્મરણ' કરવામાં આવે તો-'સંસાર' ફરીવાર અંકુરિત થતો નથી.
માટે,હે,રામ,ઉભા રહેતાં,ચાલતાં,સૂતાં,જાગતાં,ઉંચે જતાં કે નીચે પડતાં-પણ તમે "આ સંસાર અનિત્ય જ છે" એવો નિશ્ચય કરીને,'જગતની સત્યતાના વિશ્વાસ' નો ત્યાગ કરો.હે,રાઘવ,એ પ્રમાણે સંપૂર્ણ રીતે સમાન બુદ્ધિ" નો આશ્રય કરીને-તમે ઉપસ્થિત થયેલાં કાર્યો કરો,અને અપ્રાપ્ત કાર્યોની ચિંતા નહિ કરતાં-આ સંસારમાં વિચરો.
જેમ,પૃથ્વી-વગેરે આઠ મૂર્તિઓ-વાળા-કહેવાતા-સદાશિવ-ચૈતન્ય-રૂપે તો એકે ય મૂર્તિ ધારણ કરતા નથી,
પણ અધિષ્ઠાન-રૂપે સઘળી મૂર્તિઓને ધારણ કરે છે-
તેમ,"સ્વરૂપ" થી તમે એકે ય કાર્ય કરો નહિ,અને "સામીપ્ય-માત્ર" થી સઘળાં કાર્ય કરો.
તમે જ વાસ્તવિક "સત્ય" છો,અજન્મા છે,આત્મા છો અને "મહેશ્વર" છો,
તમે પોતાના "સ્વ-રૂપ" થી ભ્રષ્ટ થયા વિના જ પોતાની ભૂલથી આવડા મોટા જગતને વિસ્તારી દીધું છે.
જે તત્વવેત્તા પુરુષ સર્વ દ્રશ્યો (જગત) માં આત્મા-પણાની જ ભાવના રાખે છે,
અને અન્ય-પણાની ભાવના છોડી દે છે-તેને હર્ષ-ક્રોધ તથા ખેદથી થતા વિકારો વળગતા નથી.
જે પુરુષ,રાગ-દ્વેષથી રહિત હોય,માટી-પથ્થર અને સોનાને સમાન ગણતો હોય,અને
સંસારની વાસનાઓથી રહિત હોય-તે પુરુષ "યુક્ત-યોગી" કહેવાય છે.
એ પુરુષ કંઈ કરે-કંઈ ભોગવે-કંઈ આપે કે કોઈને મારી નાખે-તો પણ તેની બુદ્ધિ તે કાર્યોમાં અભિમાન વિનાની હોય છે-એટલા માટે તે પુરુષ ને સુખ-દુઃખમાં "સમતા" જ રહે છે.
"આ સારું છે-આ નરસું છે-આ પ્રિય છે અને આ અપ્રિય છે" એવી ભાવનાઓને ત્યજીને જે પુરુષ-
"પ્રાપ્ત થયેલું કાર્ય કરવું" એટલી જ સમજણ થી-કાર્યોમાં પ્રવર્તે છે-તે પુરુષ-ક્યાંય "આસક્ત" થતો નથી.
હે,મહાબુદ્ધિમાન રામ,મન જો "સઘળું ચૈતન્ય-માત્રની સત્તા માત્ર છે"એવો નિશ્ચય રાખીને-
ભોગોના ચિંતવન નો ત્યાગ કરે તો "શાંતિ" પામે છે.
જેમ,વનમાં માંસ ને નહિ મેળવી શકતો,બિલાડો,પોતાના જીવનને માટે અને પોતાનાં બચ્ચાંઓના પોષણને
માટે,માંસ ની લાલચ થી સિંહ ને અનુસરે છે (સિંહે કરેલા શિકાર નો ઉપભોગ કરે છે)
તેમ,મન પોતે પણ સાક્ષી-ચૈતન્ય ના અનુગ્રહ વિના સિદ્ધ થઇ શકતું નથી,તથા જગતને પણ સિદ્ધ કરી શકતું નથી.એથી-તે મન,ચૈતન્ય ની "શક્તિ" થી મળેલા "જગત"નો ઉપભોગ કરે છે,
(એટલે) આમ,મન એ મિથ્યાભૂત જ છે એમ સિદ્ધ થાય છે.
એ મન ચૈતન્ય ના અનુગ્રહ થી જીવે છે,
તથા ચૈતન્યના અનુગ્રહથી ચૈતન્યમાં જ જગતની ભાવના કરીને,પોતે જ જગત-રૂપ થાય છે.
અને તે જ મન,જો પાછું જો "પોતાના સ્વ-રૂપ ના સ્મરણ" ને પ્રાપ્ત થાય તો -
મન-પણાને છોડીને-"ચૈતન્ય-પણા"ને પ્રાપ્ત થાય છે.
મન,એ ચૈતન્ય-રૂપી પ્રકાશ વિના અને ચૈતન્ય-રૂપી બળ (શક્તિ) વિના-શબ જેવું જડ જ છે.
તે ચૈતન્ય ના અનુગ્રહ વિના ગતિ કેમ કરીને કરી શકે?