આમ, ઇન્દ્રિયો નામના શત્રુઓને ત્યાં સુધી વારંવાર જીત્યા જ કરવા જોઈએ કે --જ્યાં સુધી આ આત્મા પોતાની મેળે જ પોતાના સ્વ-રૂપમાં નિર્મળ થઈને રહે.અને જયારે સર્વ ઇન્દ્રિયો નો નિયંતા અને સર્વ-વ્યાપક આત્મા (પરમાત્મા) પોતાથી જ જોવામાં આવે છે -ત્યારે,સઘળાં દુઃખોના દેખાવો નાશ પામે છે.
હે,રામ, તમે વિવેકવાળી બુદ્ધિથી જનકરાજાની જેમ,પોતાના આત્મા ને (સર્વના અધિષ્ઠાન-રૂપ) બ્રહ્મ-જાણીને
અને તે આત્માને સાક્ષાત અનુભવીને-સર્વોત્તમ પરમ 'પુરુષાર્થ-રૂપી-લક્ષ્મી'-વાળા થાઓ.
જે પુરુષ મનમાં નિત્ય આત્મ-વિચાર કર્યા કરતો હોય,અને જગતને 'અનિત્ય અને ભ્રમણ કરવાના
સ્વભાવવાળું' જોયા કરતો હોય,તેનું ચિત્ત (જનકરાજાની જેમ) પોતાની મેળે જ સ્વચ્છ થઇ જાય છે.
સંસારથી ભય પામેલા લોકોને માટે-તે ભય થી રક્ષણ માટે (ઉપર મુજબ) પ્રયત્ન કર્યા વિના બીજો કોઈ
ઉપાય નથી.તેમના માટે-દેવ,કર્મો,ધન,કે બાંધવો-એ કોઈ પણ સંસારના ભયથી રક્ષક થાય તેમ નથી.
જેઓ પ્રયત્ન કરવામાં તથા વિવેક આદિનું સંપાદન કરવામાં કેવળ દૈવ (નસીબ) પર જ આધાર રાખે છે,
અને જેઓ "દૈવ પ્રતિકૂળ હશે તો લાખો પ્રયત્ન કરવાથી પણ શું વળવાનું છે?" જેવી દુષ્ટ કલ્પનાઓ
કર્યા કરે છે (અને પ્રયત્ન કરતા નથી) તેમની એ વિનાશ આપનારી અભાગણી બુદ્ધિને અનુસરવું જોઈએ નહિ.
હે,રામ,પરમ વિવેક નો આશ્રય લઈને,પોતાથી પોતાને જ જોઈને,
વૈરાગ્ય થી સંપન્ન થયેલી બુદ્ધિ વડે,સંસાર-રૂપી સમુદ્ર ને તરી જવો જોઈએ.
હે,રામ, આમ જ્ઞાન ની પ્રાપ્તિ જ સુખ આપનારી છે અને અજ્ઞાન-રૂપી વૃક્ષ ને કાપી નાખનારી છે,
અને આ જ્ઞાનની પ્રાપ્તિ અચાનક જ આકાશમાંથી પડેલા ફળ ની જેમ થઇ જાય છે-
કે જેને- વિષે,મેં તમને -ઉદાહરણ-રૂપે જનકરાજા ની આખ્યાયિકા કહી.
જે પુરુષ જનકરાજાની જેમ સારી બુદ્ધિ-વાળો હોય અને પોતાની મેળે જ વિચાર કરવાવાળો હોય,
તેના હૃદયમાં રહેલો,આત્મા પોતાની મેળે જ પ્રકાશિત થાય છે.
"વિચાર" થી અહંતા-મમતા હરાઈ જાય છે.અને વિચિત્ર પ્રકારની -જે સંસાર ની કલ્પના છે-તે નષ્ટ થઇ જાય છે.
"આ દેહ હું જ છું" એવી ખોટી સમજણ-રૂપી રાત્રિનો નાશ થાય છે.
ત્યારે સર્વ-વ્યાપક અને મોટા વિસ્તાર-વાળો "સ્વ-રૂપ-રૂપી-સૂર્ય"નો પ્રકાશ,પોતાની મેળે જ પ્રવર્તે છે.
હે,રામ,જનકરાજાએ 'મનમાં વિચાર' કરીને,"અહંકારની વાસના"ને ત્યજી દીધી-તેમ તમે પણ
મનમાં વિચાર કરીને (બુદ્ધિમાંથી) અહંકારની વાસનાને ત્યજી દો.
અહંકાર-રૂપી વાદળાંનો જયારે નાશ થાય છે-ત્યારે,નિર્મળ થયેલા "વિસ્તીર્ણ-ચૈતન્ય-રૂપી-આકાશ" માં
"સ્વ-રૂપ-દર્શન-રૂપી સૂર્ય" અત્યંત પ્રકાશે છે.
"જે દેહ છે તે જ હું છું" એવી જે ભાવના કરવી -એ જ મોટું અંધારું છે,
એને શાંત કરવામાં આવે ત્યારે-જ-આત્મ-સ્વ-રૂપ નો પ્રકાશ થાય છે.
"અહંતાના વિષય-રૂપ 'દેહાદિક' પણ નથી અને મમતા ના વિષય-રૂપ 'સ્ત્રી-પુત્રાદિક' પણ નથી,
પણ એમનો જે સાક્ષી છે,તે નથી તેવું પણ નથી"
એવી ભાવનાથી જયારે "મન" પ્રશાંત થાય છે,ત્યાર પછી તે "વિષયો" માં ગળકા ખાતું નથી.