(૧૨) જનકરાજા ની સ્થિતિ-અને-વિચાર તથા બુદ્ધિનું માહાત્મય
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ રીતે વિચાર કરતો જનકરાજા પોતાના રાજ્યમાં સઘળાં કાર્યો કરવા લાગ્યો.અને 'ધીરતા'ને લીધે આગળ (અગાઉ) ની પેઠે,'મોહ' પામવા લાગ્યો નહિ.
એનું 'મન' વિષયોના આનંદમાં ઉલ્લાસ પામવા ના લાગ્યું,
પણ સુષુપ્તિમાં રહેલાં (જીવો) ની જેમ વિક્ષેપથી રહિત જ રહેવા લાગ્યું.
ત્યારથી માંડીને તે રાજા,'દૃશ્યનું ગ્રહણ' પણ ન કરવા લાગ્યો કે 'દૃશ્યનો ત્યાગ' પણ ન કરવા લાગ્યો,પરંતુ,કેવળ નિઃશંકપણાથી 'વર્તમાનમાં જ સંતોષ' માનીને રહેવા લાગ્યો.
તે સદા આત્મ-વિચારમાં રહેતો હતો.અને જેમ,આકાશને ધૂળ-રૂપ કલંક લાગતું નથી,
તેમ,તેના મન ને અનાદિકાળથી ચાલી આવેલી-અહંતા-મમતા-રૂપી મલિનતા લાગતી નહોતી.
એ પ્રમાણે પોતાના "સ્વ-રૂપના વિવેક" નું અનુસંધાન કરવાને લીધે-
તે રાજાનું "અખંડ-બ્રહ્માકાર-યથાર્થ-જ્ઞાન" નિર્મળ થયું.
જેમ, આકાશમાં નિર્મળ સૂર્ય ઉદય પામે છે તેમ,જનકરાજાના હૃદયમાં પ્રબોધ (જ્ઞાન) ઉદય પામ્યો.
"બ્રહ્માકાર મન"થી રહેતો અને "સર્વ પદાર્થો ના મૂળ તત્વ" ને જાણતો-એ રાજા,
સઘળા પદાર્થોને-આત્મા માં જ રહેલા-અને આત્માથી અભિન્ન જ જોવા લાગ્યો.
"સઘળો વ્યવહાર માયાનું જ સ્વરૂપ છે,અને તેમ હોવાથી આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી"
એમ સમજવાથી તે રાજાનું મન "સમતા"માં જ રહ્યું હતું.તે કોઈ પણ પ્રસંગમાં પ્રસન્ન થતો નહોતો કે
કોઈ પણ પ્રસંગમાં ખેદ પામતો નહોતો.સૌને માન દેનારો અને જગતના પરમ-તત્વને જાણતો -
એ જ્ઞાની જનકરાજા ત્યારથી જ -જીવન-મુક્ત -થયો છે.
તે રાજ્યના સર્વ મનુષ્યોને -પોતાના પ્રાણ જેવો વહાલો-એ જનકરાજા વિદેહ દેશનું રાજ્ય કરે છે,
તેમ છતાં પણ-દેહાભિમાન ને આધીન થઈને
--તે કોઈ પણ સમયે -હર્ષથી કે શોક થી વિહ્વળ થતો નથી,
--તે કશું અવળું થવાથી દુઃખ પામતો નથી કે-કશું સવળું થવાથી પ્રફુલ્લિત (સુખ) પામતો નથી.
--રાજયમાં કોઈ અનર્થ થતા તે કચવાતો નથી કે અર્થો પ્રાપ્ત થતાં રાજી થતો નથી.
એ રાજા સઘળા વ્યવહારોને કરવા છતાં પણ કોઈ સ્થળે કંઈ પણ (વ્યવહાર-કે કર્મ) કરતો નથી,
પરંતુ,સર્વદા કેવળ ચૈતન્ય ની અંદર જ રહ્યા કરે છે.
જેમ સુષુપ્તિ અવસ્થામાં રહેલા મનુષ્યને-સઘળા પદાર્થોમાંથી ભાવનાઓ સર્વદા નિવૃત્ત થયેલી હોય છે,
તેમ જનકરાજાને સઘળા પદાર્થોમાંથી વાસનાઓ સર્વથા નિવૃત્ત થયેલી છે.
એ રાજા ભવિષ્ય ની ચિંતા કરતો નથી અને ગઈ વાતનું (ભૂતકાળનું) અનુસંધાન કરતો નથી,
પણ કેવળ.વર્તમાનકાળના વિષયને મનથી હસતો હસતો અનુસરે છે.