Dec 19, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-372

"આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે-તેને પામવા હું પ્રયત્ન કરું?અને કઈ વસ્તુ નાશ વિનાની છે કે-જેમાં હું વિશ્વાસ બાંધું? આ જગતમાં જે જે વસ્તુ ઉત્પન્ન થઇ છે,તેમાંની કોઈ પણ નાશ વિનાની નથી,માટે ક્રિયાઓ (કર્મો) કરવાથી કે ક્રિયાઓ છોડી દેવાથી કઈ સાચી વસ્તુ મળે તેમ છે?
આ મિથ્યા જ ઉત્પન્ન થયેલો,દેહ ક્રિયાઓ કરે તો પણ ભલે અને ના કરે તો પણ ભલે,હું તો સર્વદા કે સ્થિતિ-વાળા શુદ્ધ ચૈતન્ય-રૂપ છું,મને ક્રિયા કરવાથી કશી હાનિ થવાની નથી અને ક્રિયાઓ ના કરવાથી કશો લાભ થવાનો નથી.

હું નહિ મળેલી વસ્તુઓની ઈચ્છા કરવાનો નથી અને મળેલી વસ્તુઓનો ત્યાગ નહિ કરું,અને કેવળ મારા સ્વરૂપમાં જ સ્વસ્થ-પણાથી રહીશ.મારે કર્મો કરવાથી કે નહિ કરવાથી કોઈ લાભ-હાનિ નથી.કશું કરવાથી કે કશું નહિ કરવાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે દુઃખમય જ છે,અને મિથ્યા જ છે.શાસ્ત્રથી તથા લોકાચારથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ (કર્મો) હું કરું કે ના કરું,
તો પણ મને એવી કોઈ વસ્તુની ઈચ્છા નથી કે તે વસ્તુ લેવા હું પ્રયત્ન (રૂપી-કર્મ) કરું.
માટે આ દેહ ભલે વ્યવહારના કર્મથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ (કર્મો)  કર્યા કરે.

સમતા પામેલું મન-વાસનાઓથી રહિત રહે,તો પ્રારબ્ધ કર્મ વડે પ્રાપ્ત કરેલાં દેહનાં "ચલન અને અચલન"
(દેહને હલન ચલન આપી-ક્રિયા કરવી કે ના કરવી) એ બંને "ફળ" માં -તો-સરખાં જ છે.
એ બંનેમાંથી કોઈથી યે-પુણ્યનો કે પાપનો ઉદય થાય તેમ નથી.

કર્મોથી થયેલાં "ફળો" માં જે ભોક્તા-પણું થાય છે-તે મન ને લીધે જ છે.
માટે જો મન શાંત થયું હોઉં તો તે કરેલું- પણ -ના કરેલું- જ છે,અને ભોગવેલું-એ ના ભોગવેલું-જ થાય છે.
જો પુરુષને મનમાં કર્તા-ભોક્તાપણા નો અભિનિવેશ (વિચાર) હોય -
તો જ કર્મો કરતા મનુષ્યને -કર્તા-ભોક્તા-પણું પ્રાપ્ત થાય છે.

મારું મન તો "કર્તા-ભોક્તા-પણાના અતિ-આગ્રહ-રૂપી" રોગથી રહિત થયું છે.અને
મારી બુદ્ધિ આત્મ-પદના દૃઢ નિશ્ચયવાળી થઇ છે.
માટે હું પાપ-પુણ્યોનાં ફળ મળવાની "શંકા"થી થતી તમામ "અધીરતા" ને ત્યજી દઉં છું.

(૧૧) જનકરાજાએ ચિત્તને આપેલો બોધ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે જનકરાજાએ આ પ્રમાણે વિચાર કર્યો અને-
જેમ સૂર્ય,અભિમાનથી રહિત રહીને દિવસ કરવાને માટે જ સમુદ્રમાંથી ઉઠે છે,
તેમ,તે (જનકરાજા) અભિમાન થી રહિત રહીને જ રાજ-રીતિ થી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરવા ત્યાંથી ઉઠયો.

એ રાજાએ,"આ મારું ઇષ્ટ છે કે આ મારું અનિષ્ટ છે" એવી કલ્પનાઓ કરાવનારી વાસનાઓને ચિત્તમાંથી
ત્યજી દીધી અને જાગ્રત અવસ્થામાં પણ સુષુપ્તિવાળા જેવો નિરાભિમાન રહીને પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરી.
પૂજ્ય લોકો રાજી રહે-એ રીતે દિવસની સઘળી ક્રિયાઓને (કર્મોને) કરીને-
એ રાજાએ એવી ને એવી જ ધ્યાન ની લીલાથી પોતે એકલાએ -તે રાત્રિ વિતાવી.

એના મનમાંથી વિષયો સંબંધી ભ્રમણ શાંત થઇ ગયું હતું.અને મનને સમાહિત કરીને તે રહ્યો હતો.
પછી તે રાત્રિ વીતી જવા આવી -તે સમયે-તેણે પોતાના ચિત્તને આ પ્રમાણે સમજાવ્યું-કે-
"હે ચંચળ ચિત્ત,આ સંસાર તારા સુખને માટે નથી,પણ દુઃખને માટે જ છે.એટલા માટે આ સંસારની ખટપટ
ત્યજી દઈને ઉપશમ (નિવૃત્તિ) ધારણ કર.ઉપશમ કરવા થી તને વિક્ષેપો વિનાનું સાચું સુખ મળશે.
જેમ તું રમત કરતાં કરતાં -સંકલ્પો ને ઉત્પન્ન કરે છે,તેમ તારી ખટપટને લીધે,સંસાર મોટો થતો જાય છે.
જેમ,પાણીના સિંચન થી વૃક્ષ,સેંકડો શાખાઓ વાળું થઇ જાય છે,તેમ તે સંસાર સેંકડો શાખાઓવાળો થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE