હું ધારું છું કે-મારા મન-રૂપી હિમ ની કણી-વિવેક-રૂપી સૂર્યના તડકાથી તરત જ પીગળી જશે અને ફરી પાછી કદી યે જામશે નહિ.મહાત્મા સિદ્ધ-લોકોએ મને અનેક પ્રકારનાં વાક્યોથી ઉપદેશ આપ્યો-તે બહુ સારું થયું.એથી તો હું આનંદની પ્રાપ્તિ અર્થે આત્માને અનુસર્યો છું.
મને હમણાં આત્મા-રૂપી મણિ મળ્યો છે,માટે હું બીજી તૃષ્ણાઓ ને ત્યજી દઈને,એકાંતમાં બેસીને,સુખ થી એ મણિને (આત્માને) જ જોયા કરીશ.
જેમ શરદ-ઋતુમાં પણ મેઘ,હિમાલય પર સ્થિર રહે છે તેમ-હું પણ આ રાજ્ય-ખટપટ ની વચ્ચે પણ (અનાસક્ત થઈને) સ્થિર રહીશ."આ દેહ હું છું,અને આ રાજ્ય તથા આ ધન -વગેરે મારું છે"
એ રીતના મારા મનમાં સ્ફુરેલા અસત્યને બળ થી અત્યંત દૂર કરી નાખીને હવે હું શાંતિ પામું છું.
(૧૦) જનકરાજાએ કરેલો અંતિમ નિશ્ચય
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જનકરાજા એ પ્રમાણે વિચાર કરતો હતો,ત્યારે તેની આગળ એક દ્વારપાળ આવ્યો.
અને કહેવા લાગ્યો કે-હે,મહારાજ,આપ ઉઠો અને રાજરીતી પ્રમાણે દિવસનાં કરનારાં કાર્યો કરો.
આપનું મંગલ હો.હવે આપ તરત ઉઠો,અને નિત્ય નું નિયમિત કાર્ય કરો,
હે,રામ,એ મોટા દ્વારપાળે આ પ્રમાણે વિજ્ઞપ્તિ (અરજ) કરી તેમ છતાં -જનકરાજા તો સંસારની વિચિત્ર
સ્થિતિનું (આગળ વિચારતો હતો તેવું જ કંઈક-નીચે પ્રમાણેનું) ચિંતવન જ કરી રહ્યો હતો.
"આ રાજ્યને સુખ-રૂપ માનવામાં આવે છે-પણ તે સુખ કેટલું (કેટલા સમય) રહેવાનું છે?
હવે મારે આ ક્ષણભંગુર રાજ્ય નું પ્રયોજન જ નથી.આ સઘળું માયાના આડંબર જેવું મિથ્યા છે,
મારે તો તેને છોડી દઈને વાયુ વિનાના સમુદ્રની જેમ શાંત થઈને જ રહેવું છે.
બહુ થઇ ગયા આ ભોગ-સંબંધી વિલાસો !
હું સઘળાં કાર્યો (કર્મો) ને ત્યજી દઈને કેવળ સુખમાં જ રહું.
હે ચિત્ત,તું આ ભોગોના અભ્યાસ-રૂપી દુષ્ટ સંભ્રમને છોડી દે,
એટલે જન્મ-અને જરા (વૃદ્ધાવસ્થા) આપનારું જડતારૂપી કાદવનું જળ શાંત થાય.
હવે ભોગો ભોગવવામાં નહિ પણ ભોગોનો ત્યાગ કરવામાં જ તારે (ચિતે) ચાતુરી રાખવી જોઈએ.
હે ચિત્ત,વિષયો ના અભિલાષ (આશા) અને વિષયોના ભોગ આદિ જે જે દશાઓમાં તું ઉત્સાહ ધરે છે,
તે તે દશાઓમાંથી -મોટું દુઃખ જ તારે ભોગવવું પડશે.
હે ચિત્ત,તું વારંવાર,ઘણાઘણા સંકલ્પો કરીને ભોગોના સર્વ પ્રકારોમાં ઘણા લાંબા સમયથી રહ્યું છે,
તે છતાં તને શું તૃપ્તિ થતી નથી? હવે તું એ સર્વ તુચ્છ ભોગોની ચિંતા કરવાનું બંધ કર અને
અવિનાશી તૃપ્તિ મળે તેવા આત્મા નું જ ચિંતવન કર"
જનકરાજા -એ પ્રમાણે ચિંતવન કરીને,ચૂપ જ રહ્યા પછી,ચિત્તની ચપળતા શાંત થવાને લીધે,
જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેમ નિશ્ચળ થઈને બેઠો રહ્યો હતો.
રાજાની મનની વૃત્તિને જ અનુસરવામાં કેળવાયેલો દ્વારપાળ,પણ રાજાની મોટાઈને લીધે અને ભયને લીધે ફરીવાર કંઈ પણ બોલ્યો નહિ.પછી થોડીવાર સ્થિર રહીને જનકરાજા શાંતિ-યુક્ત મનથી પ્રાણી-જીવન
વિષે વળી આમ વિચાર કરવા લાગ્યો.