દશરથ રાજાએ તે પ્રમાણે કહ્યું ત્યારે સન્મુખ બેઠેલા ઉદાર ચિત્ત-વાળા વસિષ્ઠ મુનિએ શ્રીરામને નીચે પ્રમાણે કહ્યું.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, મારાં કહેલા વાક્યોનો અર્થ તો તમારા સ્મરણમાં (યાદ) છે ને? એ વાક્યોના અર્થનો તમે પૂર્વાપર વિચાર કર્યો છે ને? સત્વ આદિ ગુણોના ભેદથી મેં જીવોની જે પ્રકારની વિચિત્ર ઉત્પત્તિઓ કહી,તેમના વિભાગો નું તમને સ્મરણ છે ને?
તમે એ (ઉપર) રીતે બ્રહ્મનું સ્વરૂપ ચોખ્ખી રીતે સમજ્યા છો ને?
આ અનિર્વચનીય જગત જે રીતે સર્વદા બ્રહ્મ-રૂપ છે તે તમારા ધ્યાનમાં છે ને?
આ જગત જે પ્રકારે સર્વ-શક્તિઓ-વાળા પરમાત્મામાંથી ઉત્પન્ન થયું,તે પ્રકાર તમારા સ્મરણમાં છે ને?
અવિદ્યા (અજ્ઞાન) નું વિસ્તીર્ણ-રૂપ,સંખ્યાથી અંત વગરનું છે,
બ્રહ્મના એક દેશ (ભાગ) માં રહેલું છે,અને
તે જ્ઞાન ના બળથી નષ્ટ થઇ જાય તેવું છે,તે વિષે મેં જે તમને કહ્યું,તેનું તમને સ્મરણ છે ને?
જીવ એ બીજો કોઈ પદાર્થ નથી,પણ જે ચિત્ત (મન) છે તે જ જીવ છે,
એ વિષય લક્ષણ આદિના વિચારથી મેં પ્રતિપાદિત કર્યો હતો,તેનું તમને સારી રીતે સ્મરણ છે ને?
હે,રામ,ગઈકાલના વિચારનો સઘળો વાક્યાર્થ તમે રાતે વિચાર કરીને હ્રદયમાં રાખ્યો છે ને?
કારણકે,જો ઉપદેશનો વારંવાર વિચાર કરવામાં આવે અને
હૃદયમાં સારી રીતે સ્થાપવામાં આવે,તો જ તે ઉત્તમ ફળ આપે છે
પણ જો કોઈ પુરુષ અનાદરથી (ઉપદેશ નો અનાદર કરી) ઉપદેશના અર્થને મનમાં ધારણ કરે નહિ -
તો તે ઉપદેશ કંઈ પણ ફળ આપતો નથી.
વાલ્મીકિ કહે છે કે-એ પ્રમાણે બ્રહ્મા ના પુત્ર વસિષ્ઠ મુનિએ રામને બોલવાનો અવસર આપ્યો,
ત્યારે રામચંદ્રજીએ નીચે પ્રમાણેના વચનો કહ્યાં.
રામ કહે છે કે-હે,મુનિ,હું વિસ્તીર્ણ બુદ્ધિવાળો થઈને આ સમજ્યો, એ આપનો જ પ્રભાવ છે.
આપ જે કહો છો (આપે જે કહ્યું હતું) તે સઘળું તે પ્રમાણે જ છે.
મેં નિંદ્રાનો ત્યાગ કરીને આપનાં વાક્યોના અભિપ્રાય નું હૃદયમાં ચિંતવન કર્યું છે.
અનુક્રમથી ગોઠવાયેલું અને તેથી અત્યંત પ્રિય લાગે તેવું,આપનું ગઈકાલનું સઘળું પવિત્ર ભાષણ,
મેં મારા હૃદયમાં બરાબર રાખ્યું છે.
આપનો ઉપદેશ પરિણામે સુખ આપનાર છે,મન ને ગમે તેવો છે,પવિત્ર છે,
અને વર્તમાનકાળમાં પણ આનંદ ના સાધન-રૂપ છે.તેથી કયા પુરુષો તેને માથે ના ચડાવે?
સિદ્ધ લોકો પણ આપના ઉપદેશને માથે ચડાવે છે.
આપની કૃપાથી,સંસાર-રૂપી આવરણ તૂટીને અમે નિર્મળ થયા છીએ.
આપનો પવિત્ર ઉપદેશ,એ શ્રવણના કાળમાં પણ મધુર આરંભ-વાળો છે,મધ્ય-કાળમાં (મનન-નિદિધ્યાસન માં)
પણ શાંતિ આદિ સુખને આપનારો છે અને અંતમાં મોક્ષ-રૂપી-ફળ ને આપનારો છે.
આપના વચન-રૂપી-કલ્પવૃક્ષ-નું પુષ્પ,વિકાસ પામેલું છે,સ્વચ્છ છે,કદી પણ કરમાય નહિ તેવું છે અને,
સારા-નરસા સર્વ લોકો ને આનંદ આપનારું છે.
હે મુનિ,હવે પાપોને નાશ કરનારી ઉપદેશની વાણી કહેવાનો આપ આરંભ કરો.