Dec 7, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-360

હે બહેન-બુદ્ધિ,હું તો તારો ભાઈ છું,તું મારી આ માગણીને તરત પુરી કર.
મુનિ વસિષ્ઠ ના વચનો નો વિચાર કર,એટલે આપણે દુઃખોમાંથી છૂટી જઈએ.
હે,દીકરી-સુબુદ્ધિ,તારા પગમાં પાડીને હું પ્રાર્થના કરું છું કે-
તું સંસારનો ઉચ્છેદ (નાશ) થઇ જાય એવી "પૂર્ણતા-રૂપ-સંપત્તિ-રૂપે" સ્થિર થા.

(નોંધ-જીવ અને બુદ્ધિ-એ બંને અવિદ્યા(અજ્ઞાન) ના ઉદર(પેટ) થી પેદા થયેલાં છે માટે બુદ્ધિ ને બહેન કહી છે-પણ,સુબુદ્ધિ પાછળ થી ઉત્પન્ન થાય છે માટે તે સુબુદ્ધિને દીકરી કહી છે!!)
હે,સુબુદ્ધિ,વસિષ્ઠ મુનિએ પ્રથમ વૈરાગ્યનાં વચનો (વૈરાગ્ય-પ્રકરણમાં) કહ્યાં,
તે પછી મુમુક્ષુ-જનનો વ્યવહાર (મુમુક્ષુ-પ્રકરણમાં) કહ્યો,
તે પછી જગતની ઉત્પત્તિ નો ક્રમ (ઉત્પત્તિ પ્રકરણમાં) કહ્યો,
અને પછી,દ્રષ્ટાંતો થી,બ્રહ્મ-વિદ્યાના આખ્યાનો થી,તરત જ સમજાય તેવું સ્થિતિ પ્રકરણ કહ્યું--
તેનું તું સંપૂર્ણ રીતે સ્મરણ કર.

જે વસ્તુનો 'મને' (મન-પોતાએ)) સારી રીતે-સેંકડો વાર "વિચાર" કરી મુક્યો હોય,
તે વસ્તુને જો 'બુદ્ધિ' સ્વીકારે નહિ-તો સઘળો "વિચાર" નિષ્ફળ જ જાય છે,
આથી સઘળાં કાર્યોમાં "બુદ્ધિ" જ મુખ્ય છે. (એટલે કે મનથી ઉપર રહેલી - બુદ્ધિ નું પ્રાધાન્ય છે!!)

(૩) વસિષ્ઠ વગેરે નું સભા-સ્થાન માં આગમન

વાલ્મીકિ કહે છે કે-શ્રીરામને આગળ કહ્યા મુજબ,વિસ્તીર્ણ  વિચારોમાં જ રાત્રિ ગુજારી,
અને પ્રાતઃકાળ (સવાર) થયું ત્યારે શયનમાંથી બહાર નીકળી સ્નાન-સંધ્યા વિધિને પૂર્ણ કરીને
ભાઈઓની સાથે વસિષ્ઠ મુનિના ઘેર પધાર્યા.
ત્યાં એકાંતમાં સમાધિમાં સ્થિર થયેલા વસિષ્ઠ મુનિ ને દૂરથી જ માથું નમાવી અને પગે લાગ્યા.

થોડા સમયમાં તો બીજા રાજાઓ,રાજકુમારો-વગેરે ઘણા માણસોથી વસિષ્ઠ મુનિનો આશ્રમ ભરાઈ ગયો.
સમય થયે-વસિષ્ઠે સમાધિ છોડીને સર્વને પ્રિય વચનો થી માન આપ્યું.
અને પછી રથમાં બેસીને,સર્વ લોકોની સાથે, દશરથ રાજાની સભામાં આવી પહોંચ્યા.
સર્વ લોકો પોતપોતાના આસનો પર બેસ્યા અને સર્વે ની દૃષ્ટિ વસિષ્ઠના મુખ ઉપર લાગી,
સભાનો કોલાહલ શાંત થઇ ગયો.અને સભા નિશ્ચળ થઇ ગઈ.

(૪) દશરથ રાજાએ વસિષ્ઠ ઋષિના વાક્યો ની પ્રશંસા કરી

વાલ્મીકિ કહે છે કે-ત્યારે દશરથરાજાએ મેઘના નાદ જેવી ગંભીર વાણીથી મુનિ વશિષ્ઠને પૂછ્યું-કે-
હે,ભગવન,ગઈકાલના વ્યાખ્યાનની રચનાથી આપને થયેલો પરિશ્રમ,
આપના શરીરમાં તપથી થયેલ,કૃશતા કરતાં યે વધારે હતો,તે તો મટી ગયો છે ને?

ગઈ કાલે આપે પરમ આનંદ આપનારાં,જે પવિત્ર વચનો કહ્યાં હતાં,
તે વડે અમને અમૃત ની વર્ષા થયાના જેવો સંતોષ મળ્યો છે.
આપનાં વચનો થી અમારાં,તૃષ્ણા,લોભ-વગેરે બંધનો પાતળાં પડી ગયા છે.
અને જ્ઞાન-દૃષ્ટિ પામીને અમે આત્માને જોવા લાગ્યા છીએ.

પછી દશરથ રાજાએ રામને સંબોધીને કહ્યું કે-
હે રામ,હવે તું પ્રસન્ન થઈને વિરાજેલા આ વસિષ્ઠ મુનિને ગઈકાલે અધૂરા રહેલ વિષય વિષે આગળ તું પૂછજે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE