Nov 26, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-354

જે જીવ પૂર્વજન્મમાં અત્યંત વૈરાગ્ય-વાળો હોય અને કર્મોમાં "સકામ પ્રવૃત્તિ" ન કરી હોય,
તે જીવ "દેવ યોનિ" માં અવતરીને પણ અત્યંત "સાત્વિક" જ થાય છે.
ત્યાં જ્ઞાન પામીને તે જીવનમુક્તના વ્યવહાર-વાળો થાય છે અને તે જ જન્મ માં વિદેહ-મુક્તિ પામે છે.

પણ જે જીવે "સકામ-કર્મોની પ્રવૃત્તિ" કરીને ભોગો ભોગવવા જ દેવ-યોનિમાં અવતાર લીધો હોય તેને અત્યંત "સાત્વિક" નહિ પણ તમો-ગુણ-વાળો. "રાજસ-સાત્વિક" જ સમજવો.અને તે જીવને દેવ-યોનિ પછી બીજી યોનિઓમાં ફેરા ફરવા પડે છે.આ ફેરાઓ "જ્ઞાન" મેળવીને અટકાવવા યોગ્ય જ છે.

હે,રામ, હવે આ સંસારમાં જેનો છેલ્લો જન્મ જ હોય એવા સાત્વિક-મનુષ્ય વિષે હું કહું છું,તે સાંભળો.
જેઓ 'રાજસ' કે 'રાજસ-સાત્વિક' હોય છે તેઓને ફરીવાર જન્મ ધારણ કરવો પડે છે.
પરંતુ જેઓ 'અત્યંત-સાત્વિક' હોય છે -તેમણે ફરીવાર અવતાર (જન્મ) લેવા પડતા નથી.
તેઓ (સાત્વિકો) તો "આત્મ-તત્વ" નો સારી રીતે વિચાર કરીને,
કેવળ પ્રતિબંધ ના નાશ ને માટે જ અવતરેલા હોય છે.અને આત્મ-તત્વનું જ બુદ્ધિથી મનન કર્યા કરે છે.
આવા અત્યંત સાત્વિક-આત્મવેત્તા પુરુષો બહુ દુર્લભ હોય છે.

હે,રામ, આ રીતે આત્મ-વિચાર ના 'અધિકારી' એવા રાજસ અને સાત્વિક જીવો ના જન્મ વિષે મેં કહ્યું.
પણ જે તામસ જીવો (રાક્ષસ-મૂંગા પશુઓ-વગેરે) છે તે તો સ્થાવર (જડ) જેવા જ છે,માટે જ્ઞાનના 'અધિકાર'ની
વાતમાં તેઓનો વિચાર કરવા યોગ્ય જ ના હોવાથી તેમના જન્મ વિષે હું અત્યારે અહીં કશું કહેતો નથી.

હે,રામ,ઉત્તમ જન્મ પ્રાપ્ત થયા છતાં,પણ થોડા મનુષ્યો અને થોડા દેવો -જ સંસાર સંબંધી ભોગોમાં રુચિ
પામ્યા નથી.માટે "વૈરાગ્ય એ અત્યંત દુર્લભ છે" એમ જણાય છે.
જુઓ,હું પણ આત્મ-વિચારની પૂર્ણ યોગ્યતાને પામ્યો છું,તો પણ સત્વગુણમાં કંઈક રજોગુણનું મિશ્રણ
હોવાને લીધે પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત નહિ થવાથી,આ (દશરથ રાજાનું) પુરોહિત-પણું કર્યા કરું છું.
અને તમે વૈરાગ્ય આદિ સાધનોથી સંપન્ન છો,તો પણ તમે પરમાત્મા ના પદનો "વિચાર" કરતા નથી
તેથી જ તમને આ સંસારની ભ્રાંતિ વધી છે.

માટે તમે અહીં હમણાં (હાલ) જ આત્મતત્વનો વિચાર કરો.અને જો આમ આત્મતત્વનો "વિચાર" કરશો તો,
"જે પરબ્રહ્મ છે તે તમે જ છો" એમ પ્રત્યક્ષ અનુભવમાં આવશે.
તમે "વિચાર" કરતા નથી,તેથી તમને આ સંસાર-રૂપી મોટી આપદા વિસ્તાર પામેલી જણાય છે.
પણ,જો વિચાર કરશો તો આ સંસાર કંઈ છેજ નહિ અને તમે પરબ્રહ્મ છો- એમ સહેજ માં સમજાઈ જશે.

(૬૧) સત્પુરુષો ની પ્રશંસા અને વિવેક તથા વૈરાગ્ય ના ક્રમ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, જે પુરુષો નિષ્કામ કર્મ કરીને (અથવા ઉપાસના કરીને) પૃથ્વી પર જન્મેલા હોય છે,
તે મોટા-સદગુણો-વાળા પુરુષો સર્વદા આનંદ-યુક્ત જ રહે છે.
જેમ,આકાશમાં ચંદ્ર પ્રકાશે છે -તેમ તે પૃથ્વીમાં પ્રકાશે છે.
જેમ,આકાશ મેલ ને પ્રાપ્ત થતું નથી-તેમ તેઓ ખેદ (શોક કે દુઃખ) ને પ્રાપ્ત થતા નથી.
જેમ,સોનાનું કમળ રાત્રિએ પણ કરમાતું નથી-તેમ તેઓ કદી પણ શરીરમાં (જરાવસ્થા-વગેરેથી) કરમાતા નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE