Nov 19, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-347

"ખેદ (દુઃખ) ને ઉત્પન્ન કરનારો પણ હું છું અને હર્ષ નો ઉત્પન્ન કરનાર પણ હું છું"
એવી રીતે પોતાનામાં સર્વનું કર્તા-પણું માનવામાં આવે તો-
ખેદ અને હર્ષ પોતાની મેળે જ ક્ષય પામી જાય છે,અને સમતા બાકી રહે છે.
સર્વ પદાર્થો ની "સમતા" એ જ સાચી ઉત્તમ સ્થિતિ છે..
તે સમતાની સ્થિતિમાં રહેલા ચિત્તને કદી પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી.અથવા
હે,રામ, તમે સર્વ ના કર્તા-પણા ને કે અકર્તા-પણાને પણ છોડી દો,
અને મન ને જ નષ્ટ કરી નાખો અને જેવા છો તેવા જ બ્રહ્મ-રૂપે જ રહો.

કર્તાપણા કે અકર્તાપણાના નિશ્ચય થી રહેવા કરતાં પણ-
હું તમને મન નો નાશ કરીને અખંડ-પૂર્ણાનંદ-બ્રહ્મ-રૂપે રહેવાની વિશેષ ભલામણ કરું છું,
કારણકે-જો- "હું સર્વ નો કર્તા છું અને સર્વનો કર્તા હોવાથી સર્વ-રૂપ છું:"
એવો જયારે નિશ્ચય રાખવામાં આવે ત્યારે "કર્તા-પણા" નું અભિમાન થાય છે,અને

"હું કોઈનો કર્તા નથી અને કર્તા નહિ હોવાથી દેહાદિક-રૂપ પણ નથી" એવો અકર્તા-પણાનો-
મનથી જો નિશ્ચય રાખવામાં આવે -તો-જીવનું સ્વરૂપ શુદ્ધ થાય છે પણ
"જે જીવ છે તે બ્રહ્મ છે" એવી નિષ્ઠા ની પ્રાપ્તિ થતી નથી.

તેમ છતાં પહેલા મેં તમને આ બંનેમાંથી એકમાં નિષ્ઠા રાખવાનું કહ્યું હતું-કારણકે-
તેઓમાં ના ગમે તે એક નિશ્ચયથી સઘળા અનર્થોનો મૂળભૂત એવો દેહનો અહંભાવ છૂટી જાય છે.

દેહ નો અહંભાવ એટલે "હું દેહ છું" એવી સ્થિતિ (અભિમાન) તે "કાળ-સૂત્ર" નામના નરક ની પ્રાપ્તિ-રૂપ છે.
પ્રાણ અથવા ધન -એ સઘળું નષ્ટ થઇ જતું હોય,
તો પણ સર્વ પ્રકારના યત્ન થી "હું દેહ છું" એ સ્થિતિ (અભિમાન) ને છોડી દેવી જ જોઈએ.

જેમ,વાદળાં દૂર થવાથી પ્રકાશ પ્રાપ્ત થાય છે,
તેમ,શુદ્ધ આત્મા-જ્ઞાન-રૂપી દૃષ્ટિમાં આડે આવતા અહમની સ્થિતિ ને દૂર કરી દેવાથી
આત્મ-જ્ઞાન-રૂપી દૃષ્ટિ સારી રીતે પ્રકાશિત થવાથી સંસાર-રૂપી સમુદ્રને તરી જવાય છે.
હે,રામ,ઉપર કહ્યા -તેમાંથી કોઈ પણ નિર્ણય કરીને પોતાના સર્વોત્તમ-પદ (બ્રહ્મ-સ્વ-રૂપ) માં રહો.
તત્વ ને જાણનારા ઉત્તમ સદ-પુરુષો એ પદમાં જ રહે છે.

(૫૭) વાસના-ત્યાગ નો ક્રમ અને વાસના-રહિત ની પ્રશંસા

રામ કહે છે કે-હે,બ્રહ્મન,આપે સુંદર રીતે,પૂર્વાપર સંબંધથી જે કહ્યું છે તે સાચું છે.
સર્વના અધિષ્ઠાન આત્મા એ કર્તા છતાં-વાસ્તવિક રીતે અકર્તા છે,ભોક્તા છતાં વાસ્તવિક રીતે અભોક્તા છે.
તે સર્વ નો ઈશ્વર છે,સર્વમાં વ્યાપક છે,ચૈતન્ય-માત્ર અને નિર્મળ-પદ-રૂપ છે.
તે સર્વ પ્રાણીઓનાં મૂળ-તત્વ-રૂપ છે,તે પ્રકાશમાન છે અને સર્વ પ્રાણીઓ ની અંદર પણ રહેલો છે.
અને હવે એ "બ્રહ્મ" નો મારા હૃદયમાં અનુભવ પ્રાપ્ત થયો છે.આપની વાણી થી હું સંતાપ-રહિત થયો છું.

આત્મા ઉદાસીન છે તથા ઇચ્છાથી રહિત છે-માટે કશું ભોગવતો નથી કે કશું કરતો નથી,અને,
તે સર્વ ને પ્રકાશ આપનાર હોવાને લીધે ભોગવે પણ છે અને (કર્મો) કરે પણ છે.એ હું સમજ્યો,તેમ છતાં,
હજુ મારા મનમાં તે જે એક સંદેહ રહ્યો જ છે -તેને આપ આપણી વાણીથી કૃપા કરીને કાપી નાખો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE