Nov 18, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-346

જેમ,સૂર્ય પ્રાણીઓના-દિવસે કરનારા સર્વ કાર્યો નો નિર્વાહ કરે છે,છતાં તે  કશું કરતો નથી,
તેમ,આત્મા સર્વ વ્યવહારનો નિર્વાહ કરે છે પણ,તેમ છતાં કશું કરતો નથી.
જેમ સૂર્ય ચાલતો પ્રતીત થાય છે પણ હકીકતમાં તો તે પોતાના ઠેકાણામાં જ સ્થિર રહેલો હોવાથી,વાસ્તવિક રીતે ચાલતો નથી,તેમ,આત્મા "સર્વને બનાવતો" પ્રતીત થાય છે
પણ પોતાના સ્વરૂપ માં જ રહેતો હોવાથી કશું બનાવતો નથી.

હે,રામ,જેમ,કોઈ અકસ્માત આવેલ મનુષ્ય મિત્રતા ને (કે વિશ્વાસ ને) પાત્ર હોતો નથી,
તેમ ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું -આ જગત વિશ્વાસ રાખવાને પાત્ર નથી.
જેમ, તમે ચંદ્ર માં ઉના-પણાની ભાવના કરતા નથી અને સૂર્યમાં ઠંડા-પણાની ભાવના કરતા નથી,
તેમ,જગત ની સ્થિતિમાં સત્ય-પણા ની ભાવના કરો નહિ.
જે  બ્રહ્મ છે-તે જ તમે છો,આથી મનમાંથી સંસારની શોભાના સત્ય-પણાને (સંસારની શોભા સત્ય છે તેવું માનવું) છોડી દો,અને,આ સંસારમાં લીલા-માત્રથી (અનાસક્ત થઈને) જ વિહાર કરો.

અકર્તાપણાને-અને-અકર્તાપણાની ઈચ્છાને,તેવી જ રીતે કર્તા-પણાને-અને-કર્તા-પણાની ઈચ્છાને છોડી દઈને,તમે આ સંસારમાં લીલા-માત્રથી જ વિહાર કરો.
જેમ,દીવાની ઈચ્છા વિના,દીવાના સામીપ્યથી આસપાસના પદાર્થો પ્રકાશે છે,તેમ,આત્મા સર્વ-વ્યાપક અને સર્વથી રહિત હોવા છતાં,તેની ઈચ્છા વિના-તેના સામીપ્ય-માત્રથી જગતનો નિયમ ચાલ્યા કરે છે,
આ પ્રમાણે આત્મામાં કર્તા-પણું અને અકર્તા-પણું બંને રહ્યાં છે.

આત્મા ઈચ્છા વિનાનો છે એટલે અકર્તા છે અને તેની સત્તા-રૂપ સાનિધ્ય-માત્રથી જગત થાય છે એટલે-
કર્તાપણ છે,આત્મા ઇન્દ્રિયો-આદિ પદાર્થ થી રહિત છે,એટલા માટે અકર્તા છે-અભોક્તા છે,અને
તે જ આત્મા ઇન્દ્રિયો-વગેરેમાં વ્યાપક છે,એટલે કર્તા પણ છે અને ભોક્તા પણ છે.
આમ આત્મામાં કર્તા-પણું અને અકર્તા-પણું એ બંને છે.માટે,
હે,રામ,તે બંનેમાંથી,તમે જે સ્વીકાર કરવાથી કલ્યાણ -ધારતા હો,તે સ્વીકારીને સ્થિર થાઓ.

"હું સર્વમાં રહેલો છું અને અકર્તા છું" એવી દૃઢ ભાવના રાખવામાં આવે-તો સંસારમાં આવી પડેલાં કાર્યોને
કરવા છતાં,પણ તેઓમાં અહંતા-મમતા થતી નથી.
કારણકે-અંતકરણપૂર્વક પ્રવૃત્તિ નહિ કરવાને લીધે,મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
જે પુરુષને "હું કંઈ પણ કરતો નથી" એવો નિશ્ચય હોય,
તે પુરુષ "ભોગોના સમુહની કામનાથી કંઈ કરે છે" કે "કંઈ ત્યજી દે છે" એવો સંભવ જ નથી.
"હું સર્વદા અકર્તા જ છું" એવી ભાવનાના દૃઢ-પણાથી "પરમ-સુખ" નામની "સમતા" જ બાકી રહે છે.

હે,રામ,"હું સઘળા જગતનો કર્તા છું"
જો એમ પોતામાં મોટા કર્તા-પણાની ભાવનાથી રહેવાની તમારી ઈચ્છા હોય-તે તેમ રહેવું પણ ઉત્તમ છે.
અથવા  "હું આ સઘળા જગત-રૂપ ભ્રમ ને ઉત્પન્ન કરતો જ નથી,
અને આ ભ્રમ જેનાથી થાય તેવો મારાથી જુદો કોઈ સંભવતો જ નથી"
તેવો  જો નિશ્ચય થાય તો-પછી કોઈના પર રાગ-દ્વેષ થવાનો અવકાશ રહેતો જ નથી.
જો કે--ઉપર કહ્યું તેમ "સર્વ નો કર્તા હું જ છું" એવા નિશ્ચયમાં પણ કોઈના પર
રાગ-દ્વેષ થવાનો સંભવ નથી કારણકે-આ શરીર ને કોઈ ડામ દે કે કોઈ લાડ લડાવે તો-
"તે મેં જ ડામ દીધો અને તે મેં જ લાડ લડાવ્યા" એવો પાકો નિશ્ચય હોય તો -કોઈના પર રાગ-દ્વેષ કેમ થાય?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE