હે,પુત્ર,આમ છે-એટલા માટે તું વૈરાગ્ય વડે સઘળી ઈન્દ્રિયોને બાહ્ય વિષયમાં જતી રોકીને,તથા મન વડે જ મનને નિયમિત કરીને,બહારના તથા અંદરના વિષયો સહિત સંકલ્પો નો નાશ કર.
જો તું હજારો વર્ષ તપશ્ચર્યા કરીશ--- કે તારા અવિનાશી દેહને શિલા પર પછાડી ચૂરેચૂરા કરી નાખીશ-કે-અગ્નિમાં પ્રવેશ કરીશ-કે-ખાડામાં કે નદીમાં પડીશ -કે-તને કોઈ બ્રહ્મા,વિષ્ણુ કે કોઈ તપસ્વી પુરુષ કરુણા થી જ્ઞાન નો ઉપદેશ આપે-કે-પછી,તું પાતાળ,પૃથ્વી કે સ્વર્ગ માં જઈને રહીશ-તો પણ સંકલ્પો નો નાશ કર્યા વિના સંસારથી તરવાનો બીજો કોઈ ઉપાય નથી.
માટે હે,પુત્ર,સંકલ્પો નો ક્ષય કે-જે-બાધરહિત,નિર્વિકાર,સુખરૂપ અને પરમ પાવન છે.
તેને માટે સાધન-ચતુષ્ટ્ય મેળવીને તું તે (સંકલ્પોનો ક્ષય) કરવાનો જ પરમ ઉદ્યોગ થી યત્ન કર.
સંસાર-સંબંધી સઘળા પદાર્થો "સંકલ્પ-રૂપી તંતુ"માં પરોવાયેલા છે,અને તે તંતુ કપાઈ જાય તો,
તે પદાર્થો વીંખાઈ જઈને ક્યાં જાય છે તેનો પત્તો મળતો નથી.
"સંકલ્પ સત્ય હોય તો મોક્ષમાં પણ દ્વૈત રહેવું જોઈએ,અને જો સંકલ્પ અસત્ય હોય તો મોક્ષ સિદ્ધ થતો જ નથી,અને (તે સંકલ્પ) સત્ય પણ હોય અને અસત્ય પણ હોય તો મોક્ષમાં પણ કોઈ વખત બંધન થવાનો સંભવ છે" આવી રીતના વિકલ્પો કરવા અયોગ્ય જ છે.
વળી, એ સઘળા વિકલ્પો સંકલ્પ-માત્રથી જ સામટા ઉત્પન્ન થાય છે.માટે તે સંકલ્પ ઉપર કેવી રીતે ફાવી શકે? અને આમ છે -તો- તે બ્રહ્મ નો તો સ્પર્શ પણ કેવી રીતે કરી શકે? (બ્રહ્મ કેવી રીતે પામી શકે?)
સૂક્ષ્મ શરીર,સ્થૂળ શરીર તથા ઉભય-મય સઘળું જગત સંકલ્પથી જ થયેલું છે.બીજા કશાથી નહિ.
તો હવે તે સંકલ્પ અને સઘળું જગત -એમાંથી કોને સાચું કહી શકાય તેમ છે?(કોઈને પણ નહિ)
હે,પુત્ર,જે જે પદાર્થ જેજે પ્રકારે સંકલ્પિત કરવામાં આવે છે,તેતે પદાર્થ ક્ષણમાત્રમાં તેતે પ્રકારનો થઇ જાય છે.એટલા માટે તું કોઈ પણ પ્રકારનો સંકલ્પ કરીશ નહિ.
તું સંકલ્પોથી રહિત થઈને વેઠિયા મનુષ્યની જેમ આવી પડેલો વ્યવહાર કર્યા કર.
સંકલ્પો નો ક્ષય થાય તો પરમ-ચૈતન્ય -એ-મન-રૂપ થતું જ નથી.
તું,સાક્ષાત પરબ્રહ્મ જ છે,પણ પોતાની ભ્રાન્તિને લીધે,તે તે યોનિઓથી તેતે પ્રાણીઓ-રૂપે ઉત્પન્ન થઈને,
વ્યર્થ જ જગત સંબંધી દુઃખોનો તારે અનુભવ કરવો પડે છે,તે યોગ્ય નથી જ.
હે,પુત્ર,આ પ્રમાણે છે,એટલા માટે,જ્ઞાન પામ્યા વિના મરવું એ-તેતે યોનિઓમાં મોટું સંકટ ભોગવવા માટે જ થાય છે.સમજુ પુરુષો તો જેનાથી સઘળાં દુઃખો ટળી જાય એવો જ માર્ગ પકડે છે,બીજો કોઈ માર્ગ પકડતા નથી.તું,તત્વવેત્તા-પણાને પ્રાપ્ત થા,સંક્લ્પોના સમૂહને બળાત્કારથી અત્યંત નષ્ટ કરી નાખ,
ચિત્તની વૃત્તિને અત્યંત શાંત કરીદે,અને અખંડ સુખને માટે તે અદ્વૈત-પદ ને સંપાદન કર.
(૫૪) સંકલ્પની ઉત્પત્તિ-વગેરેનું નિરૂપણ
પુત્ર કહે છે-કે-હે,પિતા,સંકલ્પ કેવો હોય છે,કેમ ઉત્પન્ન થાય છે,કેમ વધે છે અને કેમ નષ્ટ થાય છે-તે કહો.
દાશૂર કહે છે કે-આત્મ-તત્વમાં મન-પણાનો જે પ્રાદુર્ભાવ થાય છે-તે જ સંકલ્પ-રૂપી વૃક્ષનો પહેલો અંકુર છે.
જેમ વાદળું પ્રથમ નાનું હોય છે પણ પાછળથી ધીરે ધીરે ઘાટું થઇ,આકાશમાં વ્યાપીને ભારે ઠંડી ઉત્પન્ન કરે છે,
તેમ,સંકલ્પ નો મન-રૂપી અંકુર પહેલાં લેશમાત્ર હોય છે પણ પાછળથી ધીરેધીરે ઘાટો થઈને અધિષ્ઠાન માં
ફેલાઈ જાય છે.અને અધિષ્ઠાન (આત્મા કે પરમાત્મા) ને જડ-અને-પ્રપંચાકાર બનાવી દે છે.