Nov 12, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-340



દાશૂર કહે છે કે-હવે આ વાતનો વાસ્તવિક અભિપ્રાય કહું છું તે તું સાંભળ.એટલે સંસાર-રૂપી ચક્ર નું સ્વરૂપ તારા સમજવામાં આવશે.સંસારનું ચક્ર અજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલું છે.
તે સત્તા વગરનું અને મિથ્યા હોવા છતાં બહુ વિસ્તીર્ણ થયેલું છે તે સમજાવવા માટે જ -મેં તને આ આખ્યાન કહ્યું છે.જે 'ખોત્થ' નામનો રાજા કહ્યો છે -તે "મન" છે એમ જ સમજવું.

એ મન નિરાકાર પરબ્રહ્મ-રૂપી-આકાશમાંથી ઉઠેલું છે,એટલા માટે તેને 'ખોત્થ' કહ્યું છે.
('ખ' એટલે આકાશમાંથી અને 'ઉત્થ'એટલે ઉઠેલું -એવો અર્થ થાય છે)
એ મન પોતાની મેળે જ પ્રગટ થાય છે,અને પોતાની મેળે જ લીન થાય છે.
આ સઘળું ઘણા વિસ્તારવાળું જગત-એ- મન ને જ અધીન છે.
કારણકે મન પ્રગટ થાય છે તો જ જગત પ્રગટ થાય છે,અને મન લીન થાય તો જગત લીન થઇ જાય છે.

જેમ,શાખાઓ- એ- વૃક્ષના અવયવ-રૂપ છે અને શિખરો -એ -પર્વતના અવયવ-રૂપ છે .
તેમ,બ્રહ્મા,વિષ્ણુ તથા શિવ આદિ દેવો મન ના જ અવયવ-રૂપ છે.
એ મન ના સાત્વિક સંકલ્પ,રાજસ સંકલ્પ અને તામસ સંકલ્પ (ઉત્તમ-મધ્યમ અને અધમ) એ -ત્રણ દેહ છે.
અને તેઓ સઘળા વ્યવહારો કરવામાં સમર્થ છે.તેમ જ સઘળા જગતમાં વ્યાપી રહ્યા છે.

એ,મન,પોતાના અધિષ્ઠાન,પરબ્રહ્મ-રૂપ-આકાશમાંથી જ ઉત્પન્ન થયું છે,પરબ્રહ્મ-રૂપ-આકાશમાંજ રહ્યું છે,
અને પરબ્રહ્મ-રૂપ-આકાશમાં જ ફર્યા કરે છે-કારણકે-કલ્પિત પદાર્થનાં ઉત્પત્તિ-વગેરે અધિષ્ઠાનથી જુદાં હોતાં નથી.એ મને પરબ્રહ્મ-રૂપ-આકાશમાં,વાસનાઓના અનુસંધાન માત્રથી 'બ્રહ્મા-પણું' પામીને આ બ્રહ્માંડ-રૂપ
નગર બનાવ્યું છે.અને તેમાં પૃથ્વી,પાતાળ-આદિ ચૌદ લોક-રૂપ મોટા રાજમાર્ગો છે.
(એ રાજમાર્ગો સાત્વિક-રાજસિક-તામસિક -એ ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે)
સૂર્યના કિરણોથી ચળકતા ઉંચા તરંગો-વાળી,નદીઓ-રૂપી-મોટી-લતાઓએ જેમાં પોતાનો સંગમ કર્યો છે-
એવા સાત-સમુદ્રો-રૂપી વાવો છે.ઠંડો દીવો કહ્યો તે ચંદ્ર સમજવો અને ઉનો દીવો તે સૂર્ય સમજવો.

'ઉંચે-નીચે જવાના ખરીદવા-રૂપ વેપાર ચાલ્યા કરે છે' એમ જે કહ્યું તેનો અર્થ એ છે કે-
પુણ્ય-રૂપી ધન ખર્ચીને સ્વર્ગ આદિ ઉંચા લોકોમાં જવાનું મેળવાય છે,અને પાપો-રૂપી ધન ખર્ચીને નર્ક-આદિ
નીચા લોકોમાં જવાનું મેળવાય છે.મનુષ્યોની,દેવોની અને અધમો ની યોનિઓ આ સંસારમાં પુણ્ય-પાપોથી જ ખરીદવામાં આવે છે.મન-રૂપી રાજાઓ  ક્રીડા કરવાને માટે,
બ્રહ્માંડ-રૂપી નગરમાં માંસ-રૂપી-માટીનાં-શરીરો-રૂપી-વિચિત્ર ભોયરાં બનાવ્યાં છે.

આ શરીરો-રૂપી ભોયરાંમાં ના -કેટલાએક દેવતાઓ નામનાં શરીરો,સ્વર્ગ-આદિ ઉંચા લોકમાં રાખવામાં આવ્યા છે.કેટલાએક સર્પ-આદિ નામનાં શરીરો,નીચે એટલે કે પાતાળમાં રાખવામાં આવ્યાં છે.અને
કેટલાએક મનુષ્યો-આદિ નામનાં શરીરો મધ્યમા એટલે કે પૃથ્વી પર રાખવામાં આવેલાં છે.

એ જાતજાતનાં શરીરો પ્રાણ-આદિ વાયુ-યંત્ર ના પ્રવાહથી ચાલે છે,માંસ-રૂપી માટીથી ભરેલાં છે,અને
સફેદ હાડકાં-રૂપી લાકડાં-વાળાં છે.ચામડીના લેપ વડે તેઓ (શરીરો) ચીકણા અને તગતગતા છે.
એ શરીરોમાંના કેટલાએક ઘણે કાળે તો કેટલાએક તરત જ નાશ પામે છે.
એ શરીરો-રૂપી ભોયરાંઓ કેશો-રૂપી કાળાં ખડ (ઘાસ)નાં છાજો થી ઢંકાયેલાં છે.
અને નિરંતર ચાલતા પ્રાણવાયુ થી ઊનાં (ગરમ) થાય છે અને અપાનવાયુથી ઠંડાં થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE