Nov 11, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-339

એ રાજાએ તે અપાર આકાશમાં એક નગર બનાવ્યું છે અને તેમાં ચૌદ મોટા રાજમાર્ગો છે.એ માર્ગો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે.તેમાં વનો,ઉપવનો અને પર્વતો ની પંક્તિઓ શોભી રહી છે.તેમાં મોતીની લતાઓ ના સંગમ-વાળી સાત વાવો બનાવવામાં આવી છે.ત્યાં એક ઠંડો અને એક ગરમ એવા બે અક્ષય દીવાઓ પ્રકાશ કર્યા કરે છે.

ત્યાં ઉંચે જવાનો અને નીચે જવાનો -ખરીદવા-રૂપ વેપાર ધમધોકાર ચાલ્યા કરે છે.એ મોટા નગરમાં એ રાજાએ જંગમ-પણા-વાળા અને નવીનવી શોભાથી ભરેલાં,કેટલાએક માટીનાં ભોયરાં બનાવ્યા છે.એમાંના કેટલાએક ચે,કેટલાએક નીચે અને કેટલાએક મધ્યમા રાખેલા છે.તેમાંના કેટલાએક લાંબા કાળે નાશ પામે છે,તો કેટલાએક શીઘ્ર નાશ પામે છે.

સઘળાં ભોયરાં કાળા ખડ (ઘાસ) થી ઢાંકેલા છે,નવ દ્વારો થી શણગારેલા છે,નિરંતર ચાલતા પવનોથી -તે
ઠંડાં અને ઉનાં થયા કરે છે અને તે ભોયરાં ઘણા ગોખો (ગોખલાઓ) વાળાં છે.
તેઓ પાંચ દુષ્ટ-દીવાઓના અજવાળાં-વાળા છે,થાંભલાઓ વાળા છે અને ધોળાં કાષ્ટથી જડાયેલાં છે.
તેમણે લીસા લેપ થી કોમળ કરવામાં આવ્યા છે,અને તેઓ પડખાંઓમાં બબ્બે ગલી-વાળાં છે.
એ મહાત્મા રાજાએ માયાથી તે ભોયરાંઓમાં રક્ષણ કરનારા મોટા યક્ષો બનાવ્યા છે,અને તે યક્ષો સર્વદા
પ્રકાશથી ભય પામે છે.જેમ પક્ષી માળાઓમાં ક્રીડા કરે તેમ,તે રાજા તે ભોયરાંમાં અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે.

હે,પુત્ર,ત્રણ શરીર-વાળો તે રાજા,એ ભોયરાંઓમાં તે યક્ષો ની સાથે લીલામાં મગ્ન થઈને,
ત્યાં થોડો સમય નિવાસ કરીને પાછો,બીજા ભવિષ્યમાં થનારા નગરમાં જવાની ઈચ્છા કરે છે.
ચપળતાવાળા એ રાજાને કોઈ સમયે જયારે 'ભવિષ્યમાં રચાનારા કોઈ નગરમાં જાઉં' એવો દૃઢ વિચાર થાય છે ત્યારે,તે રાજા જાણે ભૂતના વળગાડ-વાળો હોય તેમ પૂર્વના નગરમાંથી ઉઠીને દોડે છે અને દોડીને
બીજા ગંધર્વ-નગર (કલ્પિત નગર) ને પ્રાપ્ત થાય છે.

હે,પુત્ર,બહુ ચપળતાવાળા તે રાજાને કોઈ સમયે 'હું નહિ જેવો થઇ જાઉં' એવી ઈચ્છા થાય છે,તો તે ઈચ્છાને લીધે,તરત તે નહિ જેવો થઇ જાય છે.પણ પાછો,જેમ જળમાંથી તરંગ પ્રકટ થાય છે,તેમ તે પૂર્વના સ્વભાવથી જ પ્રગટ થઇ જાય છે.અને વળી પાછો ભારે ભારે આરંભો-વાળો વ્યવહારો કરવા માંડે છે.
એ રાજા કોઈ વખતે પોતાની ખટપટ ને લીધે જ રાગ-શત્રુ આદિથી પરાભવ પામે છે,અને
'હું કિંકર છું,મૂર્ખ છું,તથા દુખિયો છું' એમ શોક કરવા માંડે છે.
તો,કોઈ સમયે તે પોતાના આગલાં સુખોના સ્મરણ થી ડહોળાઈને -દુઃખી થઇ જાય છે.

હે,પુત્ર,એ મોટા મહિમાવાળો ખોત્થ રાજા,પવન ના વેગ થી આકુલ થયેલા સમુદ્રની પેઠે કોઈ વાર ઉત્કર્ષ પામે છે,કોઈ સમયે વેગમાં આવી જાય છે,કોઈ વખતે ઉછળવા લાગે છે,કોઈ સમયેચલિત થાય છે,કોઈ સમયે પ્રૌઢ દેખાવવાળો  થાય છે,તો કોઈ વખતે ડહોળાઈ જાય છે.

(૫૩) ખોત્થરાજાના કલ્પિત ઉદાહરણ નો સિદ્ધાંત

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ત્યાં મધ્ય-રાત્રિએ કદંબની ટોચ પર બેઠેલા,પવિત્ર મનવાળા પોતાના પિતા
દાશુર મુનિ ને તેમના પુત્રે આ પ્રમાણે પૂછ્યું.

પુત્ર કહે છે કે-હે,પિતા,ઉત્તમ આકારવાળો 'ખોત્થ'નામનો એ રાજા કોણ છે? ભવિષ્યમાં થનારા નગરનું 'હોવું'
એ કેમ સંભવે?અને વર્તમાનકાળમાં તે નગરમાં જવું કેમ સંભવે? આ ભવિષ્ય-કાળના અને વર્તમાન-કાળના
વિરોધાભાસ વાળાં જેવાં લાગતાં તમારાં વચન મને મૂંઝવે છે,માટે તેને યથાર્થ રીતે સમજાય તેમ કહો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE