વસિષ્ઠ કહે છે કે-હે,રામ, તેનો પ્રસિદ્ધ પિતા "શરલોમા" એ જ પર્વતમાં રહેતો હતો.તે જાણે બીજો બ્રહ્મા હોય તેવો જણાતો હતો.શરલોમાએ પોતાના પુત્રની સાથે,તે વનમાં રહીને પોતાના જીવન નો સમય કાઢ્યો હતો.ઘણાં વર્ષો સુધી સુખ-દુઃખ ભોગવ્યા પછી,મનુષ્ય દેહનો ત્યાગ કરીને તે દેવ-લોકમાં ગયો.
તેની સ્ત્રી પણ તેની પાછળ સતી થઇ.આમ, ભાગ્ય ના યોગથી માતા-પિતા-એ બંને નું મરણ થયું એટલે
હે,રામ તે બાળક અત્યંત રાંક બની ગયો ત્યારે એક દેવતાએ અદશ્ય રહીને આશ્વાસન આપ્યું કે-
હે,ઋષિ-પુત્ર તું અજ્ઞાનીઓની પેઠે કેમ રડે છે? સંસારનું સ્વરૂપ જ ચંચળ છે તે તું શું નથી જાણતો?
પ્રાણીઓ જન્મે-જીવે અને અવશ્ય મરે જ છે.આ સંસાર ની એવી રીતની સદા ચંચળ સ્થિતિ જ છે.
બ્રહ્માના શરીર આદિ જે જે પદાર્થો છે તે સઘળા પદાર્થો નો પણ વિનાશ થવાનો જ છે,એમાં સંશય નથી.
આ પ્રમાણે છે એટલા માટે તું તારા માત-પિતા ના મરણ નો વ્યર્થ શોક કર નહિ.
જેમ,સૂર્ય ઉગે છે તો તેનો અસ્ત પણ અવશ્ય થાય છે તેમ,જે જન્મે છે તેનું મરણ અવશ્ય છે.
દાશૂર ને એ દેવ ની આકાશવાણી સાંભળવાથી ધીરજ મળી.અને ભક્તિભાવથી પિતાની અંતિમ-વિધિ કરી
અને તે પછી ઉત્તમ સિદ્ધિ મેળવવાને માટે તેણે તપ કરવાનો નિશ્ચય કર્યો.
તે વનમાં બ્રાહ્મણ-જાતિને યોગ્ય (વેદોમાં બતાવેલ) તપશ્ચર્યા કરતાં કરતાં તેને વેદિયા-પણું પ્રાપ્ત થયું.
કે જે વેદિયા-પણા માં પદાર્થો માં શુદ્ધાશુદ્ધ-પણું (અડ્યા-આભડવાની-વગેરે છોછ) કલ્પવાની ભારે પંચાત
રાખવી પડે છે. દાશૂરે પરમ તત્વ ને જાણ્યું ના હતું -તે વેદિયા ની સઘળી બુદ્ધિ,
આવી પંચાત ને (વેદિયા-પણાને) લીધે ક્યાંય વિશ્રાંતિ (સુખ) પામી નહિ.
આ સઘળું પૃથ્વી-તળ શુદ્ધ જ છે પણ,તે દાશૂર-વેદિયો વહેમ ને લીધે -તેને અશુદ્ધ જેવી ગણતો અને કોઈ
સ્થળે તે પ્રસન્ન થતો નહિ.પછી તેણે પોતાની કલ્પનાથી વિચાર કર્યો કે-સહુથી શુદ્ધ તો કેવળ ઝાડની ટોચ જ છે,
એટલા માટે મારે તેની પર રહેવું જ યોગ્ય છે.હવે હું એવું તપ આરંભુ કે-
જેથી મને પક્ષીઓની જેમ વૃક્ષ ની શાખાઓ અને પાંદડાઓ પર રહેવાની શક્તિ મળે.
આ પ્રમાણે વિચાર કરીને તેણે લાંબા કાળ સુધી તપ કર્યું.પણ જયારે ધારેલો મનોરથ પાર પડ્યો નહિ ત્યારે તેણે,છેવટે અગ્નિ પ્રજ્વલિત કર્યો અને પોતાના શરીર નું માંસ કાપી કાપી ને તે અગ્નિ માં હોમવા માંડ્યું.
તેણે આમ કરવા માંડ્યું એટલે અગ્નિ-દેવ ને વિચાર થયો કે-હું સઘળા દેવતાઓના મુખ-રૂપ છું,
તેમાં બ્રાહ્મણ નું માંસ પડવાથી સઘળા દેવતાઓના ગળા બળીને ભસ્મ થઇ જવાને સંભવ છે.
તો હવે આમ થવા દેવું તે યોગ્ય નથી.
આવા વિચારથી ઝળહળતી ઝાળ-વાળા અગ્નિ-દેવે દાશૂરને પ્રત્યક્ષ-રૂપ થી દર્શન આપીને કહ્યું કે-
હે,ધીર બાળક,તું મારી પાસે થી જે જોઈતું હોય,તે વરદાન માગી લે.
ત્યારે દાશૂરે અગ્નિ-દેવ ની સ્તુતિ અને પૂજન કરીને કહ્યું કે-હે,ભગવન,આ સઘળી પૃથ્વી અશુદ્ધતા થી ભરેલી છે,તેમાં મને ક્યાંય રહેવાનું પવિત્ર સ્થળ મળતું નથી,માટે મને વૃક્ષો પર સ્થિતિ કરવાની શક્તિ આપો.
એટલે અગ્નિદેવ "તથાસ્તુ" કહીને ત્યાં થી અંતર્હિત થઇ ગયા.
ત્યારે સિદ્ધ થયેલો દાશૂર પૂનમ ના ચંદ્ર ની જેમ શોભવા લાગ્યો.
(૪૯) કદંબ-વૃક્ષ નું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે પછી દાશૂરે વન ની મધ્યમા ઊગેલ એક ખૂબ મોટું કદંબ ના વૃક્ષ ને જોયું.
(અહીં તે કદંબ ના વૃક્ષનું અનેક જાતના અલંકારો આપીને બે પાન ની અંદર વર્ણન કર્યું છે)