બ્રહ્માંડો થાય છે અને તેનો પ્રલય પણ થાય છે,વળી પાછું મન,બીજા કાળમાં (સમયમાં) પર-બ્રહ્મ ની અંદર તેવાં જ બીજાં ગંધર્વ-નગરો જેવાં અનેક બ્રહ્માંડો ફરી થી સર્જે છે.અને સૃષ્ટિ નો પ્રારંભ થાય છે.
એ રીતે સઘળું ચક્રની પેઠે ફર્યા કરે છે.
આ બ્રહ્મ-રૂપ, માયાના આડંબર માં "આ સાચું અને આ ખોટું" એમ કેવો (શેનો) નિર્ણય કરવાનો હોય?અને નિર્ણય કરીને (પણ) શું કહી શકાય?
હે,રામ,આ સંસાર-રૂપી ચક્ર "દાશૂર" નામના બ્રાહ્મણે કહેલી કથાની પેઠે,કલ્પના થી રચાયેલા આકાર-વાળું છે,વસ્તુ વગરનું છે,અને વાસ્તવિક રીતે છે જ નહિ.જે કર્તા (બ્રહ્મ) વિદ્યમાન (હાજર) જ નથી -તેણે તે બનાવેલું છે.અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ થી જ તે (જગત) રહેલું છે-તો હવે તમને શા કારણથી મોહ રહે છે?
તમે મોહ નું જે કારણ માનો છો તે (જગત) છે જ નહિ,અને જે છે -તે અખંડ બ્રહ્મ જ છે.
માટે કારણ વગરનો આ તમારો મોહ -એ યોગ્ય નથી.
(૪૮) દાશૂરાખ્યાન -અગ્નિએ દાશૂર ને વરદાન આપ્યું
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,પોતાને અને બીજાઓને પણ ઠગનારા-પામર લોકો અનેક પ્રકારનાં કર્મો કર્યા કરે છે,
તેઓ ભોગની તથા ઐશ્વર્યની તૃષ્ણા ને વશ થયેલા હોય છે,અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી.તેથી તેઓ સત્યને જાણી શકતા નથી.પણ,જેઓ,બુદ્ધિ ને પામેલા હોય છે,અને જીતેન્દ્રિય હોય છે,
તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ-તત્વ ને જાણી શકે છે.
જેમ,સર્પ કાંચળીને ત્યજી દે છે,તેમ વિચાર-વાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને-મમતા-અહંતા ને ત્યજી દે છે.અને આવો આસક્તિ-રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહાર માં રહે-તો પણ-
જેમ અગ્નિમાં શેકાયેલ બીજ અંકુરિત થતું નથી-તેમ તે પુનર્જન્મ પામતો નથી.
આ શરીર આધિ-વ્યાધિ થી ઘેરાયેલું રહે છે અને આવતી કાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી,છતાં અજ્ઞાની લોકો શરીર નું જ હિત કરવાનો યત્ન કરે છે-આત્મા નું હિત કરવાનો નહિ.
હે,રામ, તમે પણ અજ્ઞાનીની પેઠે,આ શરીરે ઈચ્છેલા વિષયો નું સંપાદન કરો નહિ. એ પ્રકારના વિષયોનું
સંપાદન પરિણામે દુઃખ-દાયી જ છે.માટે કેવળ આત્મા માં જ નિષ્ઠા રાખો.
રામ કહે છે કે-હે,પ્રભુ,આપ કહી ગયા કે-આ સંસાર-રૂપી ચક્ર "દાશૂર" નામના બ્રાહ્મણે કહેલી કથા ની જેમ
કલ્પનાથી રચાયેલા આકાર-વાળું છે અને વસ્તુ વગરનું છે-તો તે કઈ કથા હતી તે આપ મને કહો.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, જગતના મિથ્યા-પણા ના એક ઉદાહરણ-રૂપે હું હવે દાશુરે કહેલી કથા કહું છું તે તમે સાંભળો.આ પૃથ્વી પર વિચિત્ર ફુલ-ઝાડ-વાળો અને લક્ષ્મી-વાળો "માગધ" નામનો એક વિખ્યાત દેશ છે,
તેના કદંબો ના વનમાં એક પવિત્ર પર્વતમાં મહાતપસ્વી,મહાધર્માત્મા,વિષયો ની આસક્તિ થી રહિત,
તપ ની સાથે ઉત્તમ યોગ કરનારો અને ઉત્તમ બુદ્ધિવાળો "દાશૂર" નામનો મુનિ,
કદંબ ના ઝાડના અગ્ર ભાગ (ટોચ) પર નિવાસ કરીને રહ્યો હતો.
રામ પૂછે છે કે-હે,ભગવન.એ દાશૂર નામનો તપસ્વી એ વનમાં શા માટે રહ્યો હતો?
અને કદંબ ના ઝાડની ટોચ પર શા માટે રહ્યો હતો?