Oct 31, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-328



એક સમયે-બ્રહ્મા પોતાના અજ્ઞાન ના પ્રાબલ્ય થી,પોતાને દેહને અને વ્યવહાર-વગેરેને ભૂલી જઈ,સૂઈ ગયા.
પછી,એ નિંદ્રા જતી રહી-ત્યારે સૃષ્ટિ ના સમય-રૂપ-બીજો-દિવસ પ્રાપ્ત થયો-તે વખતે વળી તે પોતાના કલ્પનામય પ્રકાશિત શરીરને જોવા લાગ્યા.તે શરીર પ્રાણના અને અપાન ના પ્રવાહો-વાળું,જાણે પદાર્થો ગોઠવાઈને બન્યું હોય તેવું,કરોડો રુંવાટા અને બત્રીસ દાંતવાળું હતું.તથા હાથ-પગ-માથું-છાતી તથા પેટ-
એ પાંચ ભાગો વાળું,મુખ-વગેરે નવ છિદ્રોવાળું,અને ઉપર ચામડી વાળું હતું.

આ શરીર,ચિત્ત-રૂપી-પક્ષીના માળા-રૂપ હતું,કામદેવ-રૂપી-સર્પ ના રાફડા-રૂપ હતું,
તૃષ્ણા-રૂપ-પિશાચણીના નિવાસ-રૂપ હતું,અને જીવ-રૂપ-સિંહ ની રહેવાની ગુફા-રૂપ હતું.
તે અભિમાન-રૂપી હાથીને બાંધવાના ખીલા-રૂપ હતું,હૃદય-રૂપી કમળ થી શોભતું હતું,
અને અત્યંત સુંદરતા વાળું હતું.

પોતાના આવા ઉત્તમ શરીર ને જોઈને બ્રહ્મા વિચાર કરવા લાગ્યા કે-
"આ શ્યામતા-વાળા,અપાર અને અનંત એવા આકાશમાં પહેલું શું હતું?"
અને આમ વિચારતાં જ બ્રહ્મા ને  તરત જ તે વિષય નું સ્પષ્ટ જ્ઞાન થયું.

તે જ્ઞાન પ્રાપ્ત થતાં જ તેમને આગળ થઇ ગયેલી અનેક સૃષ્ટિઓ તેમના ધ્યાન માં આવી.
અને તેમને અનુક્રમે-સઘળા જીવો ના પુણ્ય અને પાપો નું સ્મરણ થયું.
પછી જેમ,વસંત-ઋતુ પુષ્પો ને પ્રગટ કરે છે-
તેમ,બ્રહ્માએ જાણવામાં આવેલા વેદો (જ્ઞાન) ના આધારથી,
વિચિત્ર પ્રકારના સંકલ્પો-વારંવાર કરીને લીલા-માત્રમાં પ્રજાઓ પ્રગટ કરી.
અને તે પ્રજાઓ માટે,સ્વર્ગ-મોક્ષ-ધર્મ-અર્થ તથા કામ ની સિદ્ધિ માટે વિચિત્ર પ્રકારનાં અનંત શાસ્ત્રો રચ્યાં.

હે,રામ,આમ બ્રહ્મા-રૂપ મનમાંથી,આ સઘળી સૃષ્ટિ પ્રગટ થયેલી છે.આ જગતમાં બ્રહ્મા નું રૂપ ધરનારું એ
મન જ છે.વળી એ મન ની કલ્પના-માત્ર થી જ અનેક પ્રકારની રચનાઓ વાળા ક્રિયાઓ ના વિલાસો ઉત્પન્ન કરીને સૃષ્ટિ ની શોભાને વિલક્ષણ સ્થિતિ આપી છે.

(૪૫) જગત સ્વ-સત્તાથી નહિ પણ બ્રહ્મ ની સત્તાથી છે

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ જગત થયું પણ છે અને નથી પણ થયું.કારણકે-તે શૂન્ય છે,દેખાવ-માત્ર જ છે અને,
માત્ર મનના વિલાસ-રૂપ જ છે.આ બ્રહ્માંડ મોટા રૂપ-વાળું છે છતાં પણ આકાશની પેઠે તે શૂન્ય છે.
આથી તેણે,કોઈ "પ્રદેશ ને કે કાળને" કંઈ પણ (થોડોકે પણ) રોક્યો નથી.
આ બ્રહ્માંડ માત્ર સંકલ્પના સ્વરૂપવાળું છે અને સ્વપ્ન માં દેખાયેલા નગર જેવું મિથ્યા છે.

જે દેશમાં અને જે કાળમાં તે બ્રહ્માંડ જોવામાં આવે છે તે દેશ અને કાળમાં -તે "બ્રહ્મ" જ છે.બીજું કંઈ  જ નથી.
આકાશમાં ભીંત વગર અને રંગ વગર કલ્પાયેલા વિચિત્ર ચિત્ર જેવું આ જગત છે,
તે જોવામાં આવે છે છતાં ખોટું છે.અને માત્ર ભ્રાંતિ થી જ બનેલું છે.
જેમ ચક્ષુ જોવા-માત્રમાં કારણ-રૂપ છે તેમ,મન,સ્મરણ-માત્ર માં કારણ-રૂપ છે.
તે મને દેહ-વગેરે સઘળાં બ્રહ્માંડોને સ્મરણ-માત્ર થી જ પ્રતીત થતું કલ્પી લીધું છે.
એટલે જગત એ મનના અભાસ-માત્ર જ છે અને જગતના પદાર્થો મિથ્યા જ પ્રતીત થાય છે.
જેમ,કોશેટા નો કીડો,પોતે જ પોતાના બંધન ને માટે જાળ બનાવી લે છે-
તેમ,મને પોતે જ પોતાના બંધન માટે આ શરીર કલ્પી લીધું છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE