Oct 30, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-327



(નોંધ-આગળ મન ની ઉત્પત્તિ બતાવી-મન માંથી પંચમહાભૂતની રચના કેવી રીતે થાય છે તે હવે બતાવ્યું છે)

--કલ્પનાઓ કરવા લાગતું તે "મન" પ્રથમ તો ક્ષણ-માત્રમાં પોતાની "આકાશ"રૂપ થવાની "ભાવના" કરે છે.
  (અને તે ભાવના "શબ્દ" અને "શ્રોત્ર" (કાન) ના રૂપ ને પણ લાગુ પડે છે)
--આકાશની ભાવનાને પામીને ઘાટું થયેલું મન ઘાટા "ચલન" ના ક્રમથી પોતાની "વાયુ"રૂપ થવાની ભાવના
  કરે છે.(અને તે ભાવના "સ્પર્શ" અને "ત્વચા" (ચામડી) ના રૂપ ને પણ લાગુ પડે છે)
(નોંધ-એ શબ્દ (ॐ)-સ્વ-રૂપ વાળું આકાશ અને સ્પર્શ-સ્વરૂપ-વાળો વાયુ,એ બંને જીવ ના "જોવા"માં આવતા   નથી.એટલે કે તે બંને નરી આંખે જોઈ શકાય તેમ નથી !!)

--આ આકાશ અને વાયુ -ની ભાવના ને પ્રાપ્ત થઈને ઘાટું થયલું મન એમને એક-બીજામાં ક્ષોભ પમાડી ને
 "અગ્નિ" ની ભાવના કરે છે (અને તે ભાવના "રૂપ' અને ચક્ષુ" (આંખ) ના સ્વરૂપ ને પણ લાગુ પડે છે)
  એ મન અગ્નિ થી ભાવનાથી ઘાટું થઈને નિર્મળ "પ્રકાશ" ની ભાવના કરે છે,એટલે પ્રકાશ વૃદ્ધિ પામે છે.
--પછી,આકાશ-વાયુ-અગ્નિ (તેજ) ના ગુણો થી ઘાટું થયેલું મન "જળ" ના શીતલ-પણાની ભાવના કરે છે.
  એટલે "જળ" ની પ્રતીતિ થાય છે.(અને તે ભાવના 'રસ' અને 'જીહવા' (જીભ) ના રૂપ ને પણ લાગુ પડે છે)
--પછી આકાશ-વાયુ-તેજ-જળ ના ગુણો ને પામીને ઘાટું થયેલું  મન "પૃથ્વી" ના ઘાટા-સ્વરૂપ ની ભાવના કરે છે. અને તે "પૃથ્વી" બની જાય છે (અને તે ભાવના "ગંધ" અને "પ્રાણ" (નાક) ના સ્વરૂપ ને પણ લાગુ પડે છે)

પછી શબ્દ,સ્પર્શ,રૂપ,રસ,અને ગંધથી વીંટળાયેલું મન પોતાના "પાતળા-પણા" ને છોડી દેતાં,
"અગ્નિ ના કણ" જેવા આકાશમાં સ્ફુરેલા જે રૂપ ને દેખે છે તે-"લિંગ-શરીર" (લિંગદેહ-કે-પુર્યષ્ટક) કહેવાય છે.
કે જેમાં-કર્મેન્દ્રિય-જ્ઞાનેન્દ્રિય-પંચમહાભૂત-પ્રાણ-મન-અવિદ્યા-કામના અને કર્મો (આ આઠ) રહેલાં છે.
વળી તેમાં અહંકાર અને બુદ્ધિ નો પણ સમાવેશ થાય છે.
આ "લિંગ-દેહ"  એ પોતાના અંશોથી,સર્વ પ્રાણીઓના હૃદય-કમળમાં ભ્રમરની પેઠે રહેલું માનવામાં આવે છે.
(નોંધ-આ લિંગ દેહ -પ્રત્યક્ષ જોવામાં આવી શકતો નથી)

એ લિંગ-દેહમાં રહેલું મન એ તીવ્ર ઉત્કંઠા થી-"પ્રત્યક્ષ જોવામાં આવે તેવા "સ્થૂળ-દેહ"ની ભાવના" કરવા માંડે છે.
એટલે તે ઘટ્ટ (જાડું) થાય જાય છે,અને પોતાના સ્વભાવને લીધે આકાશમાં સ્ફુરેલા પીગળેલા સોના જેવા
આકારને ગ્રહણ કરી લે છે.પછી,હાથ-પગ-માથું અને પેટ વાળા એક ચોક્કસ આકારની ભાવના કરે છે.
અને તેને લીધે,પ્રગટ થયેલા અવયવો-વાળા તેમ જ જવાળાઓની પંક્તિઓ જેવા આકાર-વાળા
એક બાળક નો દેખાવ થાય  છે-કે જેના શરીરની  રચના મન ના મનોરથ થી જ થઇ છે.

આમ,પોતાની વાસનાઓના આવેશ થી તે મનોમય બાળક ના અંગો રચાયાં છે,અને વાસનાઓથી જ તે
પોતાના શરીર ને વધાર્યા કરે છે.અને કાળે કરીને તે "સ્પષ્ટ રીતે જોવામાં આવે તેવા દેહ-વાળો" થાય છે.
પછી તે (દેહ) બુદ્ધિ-ધૈર્ય-બળ-ઉત્સાહ-વિજ્ઞાન અને ઐશ્વર્ય-વાળો થાય છે.
અને તે સર્વ લોકો નો પિતામહ-"બ્રહ્મા" કહેવાય છે.

પીગળેલા સોના જેવી કાંતિવાળા અને મહા-ચૈતન્ય (બ્રહ્મ) માંથી પ્રગટ થયેલા,એ "બ્રહ્મા"
મહા ચૈતન્યમાં જે સત્તાથી રહ્યા છે તે જ સત્તાથી
પોતામાં પોતાના અજ્ઞાન ને -જ આકાશ-વગેરે પંચીકૃત સ્થૂળ ભૂતો-રૂપે બનાવે છે.
તે  એક સમયે અપાર અને આદિ,મધ્ય અંત વગરના મોટા આકાશને બનાવે છે. અને એવી જ રીતે
એક-એક સમયે તે વાયુ,તેજ,જળ અને પૃથ્વી (પંચમહાભૂતો) ને બનાવે છે.
એ પંચમહાભૂતો માંથી કાળા "વિષ્ણુ" ને બનાવી,
તેની નાભિમાં એક કમળ બનાવીને તે કમળમાં પોતે રહે છે,અને પ્રગટ થાય છે !!!
(નોંધ-બ્રહ્મા થી  વિષ્ણુની  વિષ્ણુમાંથી બ્રહ્મા ની ઉત્પત્તિ અહીં વિશિષ્ટ રીતે કહી છે!! છતાં તર્ક-બદ્ધ લાગે છે !)

ત્યાર પછી તે પોતાની વાસનાઓના સામર્થ્ય ને લીધે,
બીજા પણ એવા પ્રકારના સમુદ્રો,વૃક્ષો,પર્વતો,પ્રાણીઓ-વગેરે પદાર્થો ને બનાવ્યા જ કરે છે.

અનેક રૂપ વાળા વિચિત્ર પદાર્થોને પોતાની કલ્પનાથી જ બનાવ્યા કરતા એ "બ્રહ્મા" લીલા-માત્રમાં જ,
પાલક આકારો ને બનાવે છે અને તે (વિષ્ણુ મારફતે !!) પદાર્થો નું પાલન કરે છે.
આમ,તે 'બ્રહ્મા' પોતે પ્રગટ થયા ત્યારથી જ આવી ખટપટ (આકારો બનાવવાની)માં લાગી ગયા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE