પ્રત્યેક જળમાં,અને પ્રત્યેક સ્થળમાં,જન્મ-મરણ પામ્યા કરે છે.
આ કલ્પ માં કેટલાએક જીવોનો પહેલોજ જન્મ થયો છે તો કેટલાએકના અસંખ્ય જન્મો થયા છે.
કેટલાએક હજુ આ કલ્પમાં જન્મ્યા નથી,કેટલાએક જીવનમુક્ત થયા છે અને
કેટલાએક વિદેહમુક્ત થઇ ગયા છે.કેટલાએક જીવો હજારો કલ્પો માં જન્મવા છતાં પણ એક જ યોનિમાં રહ્યા છે,તો કેટલાએક બીજી યોનિમાં પણ જાય છે.કેટલાએક જીવો મોટાં દુઃખ વેઠયા કરે છે તો કેટલાએક અત્યંત આનંદ ભોગવે છે.કેટલાએક જીવો પૃથ્વી પર,સ્વર્ગ કે નર્ક માં વારંવાર આવ-જાવ કર્યા કરે છે.
જેમ પક્ષીઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર જાય છે તેમ,આશાઓ-રૂપી સેંકડો પાશોથી બંધાયેલા અને
અનેક વાસના-રૂપ દેહાદિકને ધારણ કરનારા જીવો એક કાયામાંથી બીજી કાયામાં જાય છે.
અનંત વિષયોમાં અનંત કલ્પનાઓને ઉત્પન્ન કરનારી અવિદ્યાને લીધે આ 'જગત-રૂપ-મહાન-ઇન્દ્રજાળ' ને
વિસ્તીર્ણ કરતા (વિસ્તારતા) મૂઢ જીવો-જ્યાં સુધી પોતાના નિર્દોષ (બ્રહ્મ) સ્વ-રૂપને જોતા નથી -
ત્યાં સુધી,પાણીમાંની ચકરીઓની પેઠે,સંસારમાં ભમ્યા કરે છે.
જેઓ પોતાના સ્વ-રૂપને જોઈ મિથ્યા પદાર્થો નો ત્યાગ કરે છે,
અને સાચા અનુભવને મેળવી જ્ઞાનની ભૂમિકાઓમાં ઉંચે ચડે છે તેઓ ફરીવાર સંસારમાં જન્મતા નથી.
કેટલાએક મૂર્ખ જીવો,હજારો જન્મો ભોગવીને,ક્યારેક કોઈ સત્પુરુષના સમાગમથી વિવેકી-પણાને પામે છે,
પણ પાછા ભ્રષ્ટ થઈને વળી સંસાર-રૂપી સંકટમાં પડે છે.
કેટલાએક,ઉંચી બુદ્ધિ-વાળા જીવો,પરમાત્મામાંથી ઉત્પન્ન થઇ તરત જ તે જ જન્મમાં પછા પરમાત્મા માં પ્રવેશ કરે છે.કેટલાએક જીવો પોતાના ઉત્પત્તિ-સ્થાન-રૂપ બ્રહ્માંડોમાં તથા અન્ય બ્રહ્માંડોમાં પણ બ્રહ્મા-પણા ને પ્રાપ્ત થાય છે,કેટલાએક વિષ્ણુ-પણા ને પામે છે તો કેટલાએક મહાદેવ-પણાને પામે છે,
કેટલાએક પશુ-પક્ષી પણાને તો કેટલાએક દેવ-પણાને પ્રાપ્ત થાય છે.
કેટલાએક,પોતે પ્રથમ જે બ્રહ્માંડ માં જન્મ્યા હતા તે બ્રહ્માંડ માં કે બીજા બ્રહ્માંડ માં પણ અવતારો પામે છે.
હે,રામ,બીજા બ્રહ્માંડોની સ્થિતિ પણ આ બ્રહ્માંડના જેવી છે,જેવું વિસ્તીર્ણ આ બ્રહ્માંડ છે તેવાં જ કેટલાએક બીજા વિસ્તાર-વાળા બ્રહ્માંડો પણ છે.કેટલાએક થઇ ગયા છે અને કેટલાએક હજુ થવાનાં છે.
જુદા જુદા વિચિત્ર ક્રમો થી અને જુદા જુદા નિમિત્તો થી,તે બ્રહ્માંડો ની વિચિત્ર સૃષ્ટિઓ પ્રગટ થાય છે.અને
પછી તેમાં જ તિરોહિત (મળી) જાય છે.લોકો આ બ્રહ્માંડ માં જેવા વ્યવહારથી રહ્યા છે તેવા જ વ્યવહારથી બીજા બ્રહ્માંડો માં રહે છે.માત્ર તેમના આકારોમાં કંઈક ફેરફાર હોય છે.
પોતપોતાના સ્વભાવ ના આવેશને લીધે,અને એકબીજાની સ્થિતિઓની સ્પર્ધા કરીને -કર્મો કરવાને લીધે,
નદીઓના મોજાંની જેમ જીવો ની સ્થિતિઓમાં ઉથલ-પાથલ ચાલ્યા કરે છે.
સઘળા જીવો (અહીં આત્મા) પ્રત્યક્ષ રીતે બતાવી શકાય નહિ તેવા અને પોતે જ પોતાને જાણે તેવા છે,
તેઓ નિરંતર મહા-ચૈતન્યમાંથી પોતાનો દેખાવ આપ્યા કરે છે અને મહા-ચૈતન્યમાં જ વ્યવહાર કરે છે.
જેમ,પ્રકાશો,દીવા માંથી પ્રગટ થઈથીને કેટલીક વાર રહીને પાછા દીવામાં જ લય પામે છે-અને-
જેમ,સૂર્યનાં કિરણો સૂર્યમાંથી પ્રગટ થઇ થઈને કેટલી વાર રહીને સૂર્યમાં જ લય પામે છે,
તેમ,જીવો ના સમુહો મહા-ચૈતન્યમાંથી પ્રગટ થઇ-થઈને કેટલાએક કાળ શુદ્ધિ જુદાજુદા દેહો ને ભોગવીને-
પ્રલય કાલે પાછા ચૈતન્યમાં જ લય પામી જાય છે.
આ 'બ્રહ્માંડો ની રચના' નામની,અનાદિ કળાની ભ્રાંતિ-રૂપ 'માયા' સમુદ્રની લહેરની પેઠે,પર-બ્રહ્મ માં
નિરંતર -નિરર્થક વિસ્તીર્ણ થાય છે,નિરર્થક વધ્યા કરે છે,નિરર્થક ફેરફાર પામ્યા કરે છે,અને
નિરર્થક પછી લય પામે છે.પણ,જેવી રીતે સમુદ્રમાં લહેર મિથ્યા છે તેમ પર-બ્રહ્મ માં આ રચના પણ મિથ્યા છે.