Oct 27, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-324



હે,રામ,તે મન જ આ રીતે સંસારમાં બંધાયેલું છે,દુઃખી છે,રાગ,તૃષ્ણા તથા શોકથી ઘેરાયેલું છે.
તે સંસારની ભાવનાથી વૃદ્ધાવસ્થામાં,મરણમાં અને મોહમાં કૂટાયા કરે છે.તે સંકલ્પ-વિકલ્પ થી વ્યાપ્ત છે,અને અવિદ્યા ના રંગ થી રંગાયેલું છે.ઇચ્છાઓને લીધે તે ક્ષોભ પામ્યા કરે છે.તે કર્મો નું અંકુર છે અને પોતાની જન્મ-ભૂમિ (બ્રહ્મ) ને ભૂલી ગયું છે.કલ્પિત અનર્થો થી ઘેરાયેલું અને પોતાની મેળે જ બંધાયેલું છે.
વિષયો (શબ્દ-સ્પર્શ-વગેરે) થી તે 'અવયવો-વાળું' થયેલું છે,અને અનંત નરકો ની પીડાથી સંતાપ પામ્યા કરે છે.

તે મન -પોતે અદ્રશ્ય હોવા છતાં,પોતાની પર મોટા પહાડ જેવા બોજા ને લીધે તે ભયંકર થઇ ગયું છે.અને તે
જરા (વૃદ્ધાવસ્થા) -મરણ વગેરે અનેક શાખાઓ થી સંપન્ન એવા "સંસાર-રૂપી-ઝેરી-ઝાડ-રૂપ" છે.
જેમ વડનું બીજ પોતાની અંદર આખા વડને ધારણ કરીને રહ્યું હોય છે,છતાં તે અંદર તો ફળ-રહિત છે,
તેમ,આશાઓ-રૂપી પાશોને બનાવનારા આ સઘળા સંસારને
તે (મન) પોતાનામાં ધારણ કરી રહેલું હોવા છતાં,પણ તે ફળ-રહિત છે.

તે ચિંતાઓ-રૂપી દાવાનળ થી દાઝેલું છે,કોપ-રૂપી અજગરે તેને ચાવેલું છે,કામના-રૂપી મહાસાગરનાં મોજાંઓથી પછડાયેલું છે,અને પોતાના "મૂળ-કારણ" (બ્રહ્મ) ને ભૂલી ગયું છે.
તેથી તે સંસાર-રૂપી ઉછળતા સમુદ્રમાં તણાયા કરે છે,અને વિષયો ઉપર દોડ્યા કરે છે.

હે,રામ,હાથી ને જેમ કાદવ ની બહાર કાઢવામાં આવે તેમ,તમે તેને સંસારમાંથી બહાર કાઢો.
પુણ્ય નો ક્ષય થવાથી હવે તેને ઉત્તમ પરલોકમાં જવાનું સાધન રહ્યું નથી તેથી તે ભાંગેલા અવયવોવાળા
જેવું થઇ ગયું છે,તમે તેને બળાત્કારે એ ખાબોચિયામાંથી બહાર કાઢો.
આ કર્મ-ફળો ના જુદાજુદા રસો (તેની પર) પડવાથી તે મેલું થઇ ગયું છે,
અને બળતરા આપનારા જરા-મરણ-ખેદ થી તે મૂર્છિત થઇ ગયું છે.
આમ છે તેમ છતાં પણ જેને તેનો ઉદ્ધાર કરવાની ચિંતા ના થાય
તેને જગતમાં મનુષ્ય ના આકાર-વાળો રાક્ષસ જ સમજવો જોઈએ.

(૪૩) અવિવેકથી અનેક યોનિઓની પ્રાપ્તિ અને વિવેકથી મુક્તિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ રીતે ચૈતન્ય ની "ઉપાધિ"ને લીધે,કંઈ  જાતના 'આવિર્ભાવ-રૂપી-જીવો' થયા,
અને તેમનામાં 'પૂર્વ ની વાસનાઓને લીધે' આકારો (શરીર-વગેરે) કલ્પિત થયા.
આ રીતે મહા-ચૈતન્યમાંથી લાખો-કરોડો જીવો ઉત્પન્ન થયા.

જેમ,ધોધ માંથી અસંખ્ય જળ-કણો પૂર્વે ઉત્પન્ન થઇ ગયા છે,હાલમાં ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં ઉત્પન્ન થશે,તેમ,મહા-ચૈતન્યમાંથી અનેક જીવો પૂર્વે ઉત્પન્ન  થઇ ગયા છે,હમણાં ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં ઉત્પન્ન થશે.એ જીવો પોતાની વાસનાઓની 'દશા' ના આવેશ ને લીધે,'આશા'ઓ ને વશ થયા છે,
અને તેમનાં અંતઃકરણો (મન-બુદ્ધિ-અહંકાર) અતિ-વિચિત્ર દશાઓમાં પોતાની મેળે જ બંધાઈ ગયા છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE