પણ 'એ અવિદ્યાને હું કેવા પ્રકારથી હણું?' એવો જ વિચાર રાખો.
અને આ અવિદ્યા (માયા) ક્ષીણ થઈને અસ્ત પામી જશે ત્યારે
'એ ક્યાંથી થઇ હતી?શી રીતની હતી અને શી રીતે નષ્ટ થઇ?' એ સઘળું સંપૂર્ણ રીતે જાણવામાં આવશે.
આ અવિદ્યા વાસ્તવિક રીતે છે જ નહિ,અને જ્યાં સુધી,આપણે સૂક્ષ્મ દૃષ્ટિ થી -તેને જોતા નથી,
ત્યાં સુધી જ તે પ્રતીત થાય છે.
માટે એવી ખોટી અને ભ્ર્રાંતિ-રૂપ અવિદ્યાને સાચી ગણીને 'તે કોના વંશની છે? કે તેના માવતર કોણ છે?'
એમ જાણવાની કયા સમજુ પુરુષને ઈચ્છા થાય? અને તેવી, ઈચ્છા પણ શા કારણથી થાય?
અવિદ્યા ના માવતર (માતા-પિતા) ની ચિંતા એ તો સ્વપ્નમાં દેખાયેલા પુરુષના માવતર જેવી વૃથા જ છે.
પણ,હમણાં તો-'એ અવિદ્યા ઉત્પન્ન થઇ છે,વિસ્તાર પામેલી છે,અને વિસ્તાર પામીને બહુ અડચણ કરે છે'
એટલો જ નિશ્ચય કરીને (તેવો નિશ્ચય કર્યા વગર છૂટકો નથી!!) તેનો બળાત્કારે (પ્રયત્ન કરીને) નાશ કરો.
એટલે પછી તે શાથી ઉત્પન્ન થઇ હતી?અને કેવી હતી? વગેરે તમારા જાણવામાં આવશે.
ત્રૈલોક્ય (ત્રણે લોક) માં મહાશુર અને મહા-પંડિત પુરુષો માં પણ એવા કોઈ નથી કે -
જેમને અવિદ્યા (માયા) એ પરવશ કર્યા ના હોય.
આથી હે રામ,મહારોગના જેવા સ્વભાવવાળી એ અવિદ્યા નો નાશ કરવાનો પ્રયત્ન કરો.
એટલે પછી,તે અવિદ્યા તમને ફરીવાર જન્મ-સંબંધી દુઃખોમાં નાખશે નહિ.
અવિદ્યા એ સઘળી આપદાઓ (મુશ્કેલીઓ) ની મુખ્ય સખી છે,તે અજ્ઞાન સ્વરૂપ અને અનર્થોની માતા છે.
એટલા માટે તેને જડ-મૂળ થઇ ઉખેડી નાખો.ભય-દુષ્ટ ચિંતાઓ-તથા વિપત્તિઓ આપનારી
તેમજ જ્ઞાન-રૂપ ચક્ષુને મોહ-રૂપી (અજ્ઞાનનાં) મોટાં પડળ (પડદાઓ) ચઢાવનારી,
એ અવિદ્યા ને બળ-પૂર્વક હટાવી દો અને સંસાર-સમુદ્ર ના પાર ને પ્રાપ્ત થાઓ.
(૪૨) વાસના ના પ્રાબલ્ય થી જીવોનો ઉતારવાનો ક્રમ
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,અવિદ્યા-રૂપી મોટો રોગ 'તેની માત્ર પરીક્ષા કરવાથી' નાશ પામી જાય તેવો છે.
તે ખોટો હોવા છતાં અત્યંત વૃદ્ધિ પામ્યો છે.તે રોગનું 'પરીક્ષા-રૂપ-ઔષધ' કહું છું,તે તમે સાંભળો.
મન ના 'બળ' (શક્તિ) નો વિચાર કરાવવા માટે મેં,(આગળ) મનુષ્યોની
રાજસિક અને તામસિક જાતિઓ કહેવાનું સ્વીકારેલું હતું -તે પ્રસંગ (કથા) ને લગતો જ આ પ્રસંગ છે.
પરમ-સુખ-સ્વ-રૂપ જે "બ્રહ્મ" (પરમાત્મા-કે ઈશ્વર-કે-ચૈતન્ય) છે તે,
સર્વ-વ્યાપક,કલંકો થી રહિત,જન્મ રહિત,ભ્રાંતિ રહિત,અપાર,અને પ્રકાશિત ચૈતન્ય-રૂપ છે.
જેમ,અવિચળ સમુદ્રનો એક પ્રદેશ (ભાગ) વાયુ-રૂપ ઉપાધિ થી 'તરંગ-રૂપ-ઘનતા' ને પામે છે,
તેમ,અવિચળ સ્વરૂપ વાળા એ મહા ચૈતન્ય નો એક પ્રદેશ(ભાગ)
વાસના-રૂપ ઉપાધિઓથી,'જીવ-રૂપ-ઘનતા' ને પામે છે.
જેમ,સમુદ્ર ની અંદરનું ભરપૂર જળ,એકાદ પ્રદેશ માં નિશ્ચળ રહે છે,અને એકાદ પ્રદેશમાં ચલાયમાન થાય છે,
તેમ,સર્વ-શક્તિઓ-વાળું,મહા ચૈતન્ય સર્વદા નિશ્ચળ જ હોય છે,પણ કોઈ પ્રદેશમાં ચલાયમાન પણ થાય છે.
(નોંધ-આ 'પ્રદેશ' ની કલ્પના અને પ્રદેશ ના ચલાયમાન થવાની પણ કલ્પના જ છે!!)