Oct 17, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-314



વસિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મમાં "પ્રપંચ" નું  "કલ્પના-રૂપ-કલંક" છે કે નહિ-તે વાત તમે પોતાની મેળે જ સમજશો.અને જો હાલ નહિ સમજો તો તે વિષયે,સિદ્ધાંત ના સમયમાં (પછી આવતા નિર્વાણ પ્રકરણમાં) કહેવામાં આવશે,હમણાં કહેવામાં આવશે નહિ.હમણાં તો તમે એટલું જ સમજો કે-
"બ્રહ્મ એ સઘળી શક્તિઓ-વાળું છે,સર્વ-વ્યાપક છે અને જે સર્વ છે તે હું જ છું"

જેમ, તમે કેટલાક ઇન્દ્રજાળ (જાદુ) કરનાર લોકોને જોયા હશે કે જેઓ માયાથી વિચિત્ર ક્રિયાઓ કરીને
સાચાનું ખોટું અને ખોટાને સાચું કરી દે છે,
તેમ,આ આત્મા પણ માયાથી રહિત હોવા છતાં,પણ "માયાવી" જેવો છે,અને તે મોટી ઇન્દ્રજાળ કરનારો છે,
-તે ઘડાને કપડું કરી નાખે  છે અને કપડાંને ઘડો કરી નાખે છે,
-પથ્થર માં લતાને ઉત્પન્ન કરે છે અને લતામાં પથ્થર ને ઉત્પન્ન કરે છે,
-કલ્પ-વૃક્ષોમાં રત્નો ઉત્પન્ન કરે છે અને ગંધર્વ-નગર (ભ્રાંતિથી જણાતું નગર)માં બગીચાની પેઠે -
આકાશમાં વાડી બનાવે છે,આમ,તે ભવિષ્ય ના આકાશમાં કલ્પનાથી નગર-પણું કરી દે છે.

પરમાત્મા પોતે જ માયા (અહીં મન) થી વિચિત્રતા પામીને સર્વ દ્રશ્યો (જગત)-રૂપે
પોતાનો જ દેખાવ આપે છે,એટલા માટે સર્વ સ્થળોમાં -સર્વ પ્રકારોથી-સઘળું જગત પૂર્ણ-રૂપે સંભવે છે.
પણ વાસ્તવિક (સત્ય) રીતે તે "એક" જ વસ્તુ (બ્રહ્મ) છે.

તો,હે,રામ,હવે હર્ષ-ક્રોધ-કે વિસ્મય નો અવકાશ જ ક્યાંથી બાકી રહ્યો?
આથી ધીરજ-વાળા પુરુષે સર્વદા સમતાથી જ રહેવું જોઈએ.સમતા થી સંયુક્ત થયેલો જ્ઞાની પુરુષ કદી પણ,
વિસ્મય-ગર્વ-મોહ-હર્ષ-તથા ક્રોધ-વગેરે વિકારોને પ્રાપ્ત થતો જ નથી.
જો સમતા પ્રાપ્ત ના થાય તો-આ દેશ-કાળ-વાળા જગતમાં વિચિત્ર રચનાઓ જોવામાં આવે છે.

જેમ,સમુદ્ર,કોઈ યત્ન વગર જ પોતામાં તરંગો ની રચના કરે છે,અને ઉત્પન્ન થયેલી રચના (તરંગો) નો તિરસ્કાર કરતો નથી,તેમ,આત્મા (પરમાત્મા) યત્ન વગર જ પોતામાં બ્રહ્માંડોની રચના કરે છે,અને ઉત્પન્ન થયેલી રચના (બ્રહ્માંડો-જગત-વગેરે) નો તિરસ્કાર કરતો નથી.
આથી સિદ્ધ થયું છે કે-જેમ દૂધમાં ઘી રહ્યું છે,જેમ માટીમાં ઘડો રહેલો છે,જેમ તંતુમાં વસ્ત્ર રહેલું છે અને
જેમ બીજમાં વડ રહેલો છે-તેમ આત્મા માં જ સઘળી 'શક્તિઓ' રહેલી છે.અને તે પ્રગટ થઇ વ્યવહારમાં આવે છે.

આ જે "વ્યવહાર-દૃષ્ટિ " કહી છે તે એક જાતની કલ્પના જ છે.વાસ્તવિક રીતે જોતાં જગત એ તરંગો ની પેઠે રચાયેલું જ નથી,માટે જગતમાં કોઈ કર્તા-ભોક્તા નથી અને જગતનો વિનાશ પણ નથી.

કેવળ આત્મ-તત્વ 'સાક્ષી' છે,નિષ્કલંક છે અને સમતાને લીધે કોઈ ગરબડ નહિ પામતાં પોતાના સ્વ-રૂપ માં જ રહેલું છે.એ આત્મ-તત્વ ની સત્તાથી જ સઘળો પ્રપંચ બને છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE