પથ્થરના જેવું જડ પણ નથી હોતું.તે "છે" એવું જણાતું નથી - "નથી" એવું પણ જણાતું નથી, કે પછી,
તે સ્થિતિઓ (જડ કે ચેતન) માંની કોઈ સ્થિતિઓની સંધિમાં છે -એમ પણ કહી શકાતું નથી.
જેમ,હાથી નાના ખાબોચિયામાં ડૂબી જતો નથી,તેમ,જ્ઞાનીનું મન આ વાસનામય તુચ્છ સંસારમાં ડૂબી જતું નથી,મૂર્ખ (અજ્ઞાની) નું મન તો વિષયો ની રચના ને જ દેખે છે,પણ આત્મ-તત્વ ને દેખાતું જ નથી.
આ વિષયમાં બીજું એક દૃષ્ટાંત કહું છું તે તમે સાંભળો.
જેના મનમાં ખાડામાં પડવાની વાસના લાગી રહી હોય,તેવો મનુષ્ય,ભલેને ખાડામાં પડ્યો ના હોય ને પોતે,
ભલે,આરામથી પથારીમાં બેઠો કે સૂતો હોય,તો પણ ખાડામાં પડવાના દુઃખ નો અનુભવ કરે છે.
જયારે જ્ઞાની મનુષ્ય ખરેખર ખાડામાં પડ્યો હોય,તોપણ પોતાનું મન અત્યંત શાંત હોવાને લીધે,
ખાડામાં પણ તે સુખમય પથારીનો અનુભવ કરે છે.
આ બે મનુષ્યો (જ્ઞાની અને અજ્ઞાની) માં પહેલો મનુષ્ય પોતે ખાડામાં પડવાનો 'અકર્તા' છે,
છતાં પણ મન ને લીધે ખાડામાં પડવાનો 'કર્તા' બન્યો છે-ત્યારે
બીજો મનુષ્ય ખાડામાં પડવાનો કર્તા (ખાડામાં પડી ગયો) છે,છતાં પણ મન ને લીધે 'અકર્તા' બન્યો છે.
માટે પુરુષનું પોતાનું મન જેવું હોય તેવો જ તે થઇ જાય છે.એવો,સિદ્ધાંત છે.
હે,રામ,આ પ્રમાણે છે એટલા માટે તમે કોઈ 'ક્રિયા કરો કે ના કરો',તો પણ તમારા મન ને 'આસક્તિરહિત' જ રાખો.આત્મ-તત્વ થી ન્યારું બીજું કશું છે જ નહિ,કે તેમાં આસક્તિ રાખવી સંભવે
(આત્મ-તત્વ સિવાય બીજા કશામાં આસક્તિ રાખવી નહિ)
તમે તમારા ચિત્તની શુદ્ધિના પ્રભાવથી,એમ જ સમજો કે-
'જે કંઈ આ જગત સંબંધી છે તે સઘળું આભાસ-માત્ર જ છે.'
તત્વવેત્તા પુરુષને નિશ્ચય થાય છે કે-'આત્મા ને સુખ-દુઃખ લાગુ પડતાં જ નથી,આધાર (શરીર) અને તેમાં
રહેનાર -એ કોઈ આત્મા થી જુદાં છે જ નહિ.હું સઘળા પદાર્થો થી ન્યારો છું,તણખલા ના અગ્ર ભાગના હજારમા ભાગ જેવો સૂક્ષ્મ છું,અકર્તા છું,અભોક્તા છું,જે કંઈ આ સઘળું દૃશ્ય દેખાય છે તે હું જ છું,અથવા,
સર્વ જગતનો પ્રકાશક અને સર્વ-વ્યાપક હું જ છું.'
અને ત્યારે તે તત્વવેત્તાને ઇષ્ટની પ્રાપ્તિની અને અનિષ્ટ ના નાશની -ચિંતા જતી રહે છે.
એ તત્વવેત્તાના ચિત્તની વૃત્તિ,'પ્રારબ્ધ' ના ભોગને માટે કેવળ 'લીલા' થી જ વ્યવહાર માં રહે છે.
જ્ઞાની પુરુષ ના ચિત્તની વૃત્તિ,સંકટો ના સમયમાં પણ આત્મ-આનંદ થી ભરપૂર રહે છે.
જેમ,ચાંદની પોતાના ઉજાસથી જગતને શણગારે છે,તેમ જ્ઞાનીના ચિત્તની વૃત્તિ બ્રહ્મ-ભાવ થી જગત ને શણગારે છે.જ્ઞાની પુરુષ મનમાં વાસના રહિત હોવાને લીધે,ક્રિયાઓ કરતો હોય તો પણ તે અકર્તા જ છે-કારણકે કર્મોનો લેપ કરવો એ વાસનાનું જ કામ છે.એટલે વાસના-રહિત તે જ્ઞાની કર્મોના ફળ નો અનુભવ કરતો નથી.
આ રીતે,મન કે જે સઘળાં કર્મોનું,સઘળી ઈચ્છાઓનું,સઘળા પદાર્થોનું,સઘળા લોકોનું,અને સઘળી ગતિઓનું
બીજ છે-તે મન નો જ -જો-ત્યાગ કરવામાં આવે તો,સઘળાં કર્મોનો નાશ થઇ જાય છે,સઘળાં દુઃખો ક્ષય પામે છે,સઘળાં પુણ્ય-પાપો લય પામે છે.જ્ઞાની ને પોતાનાથી જુદું કંઈ હોતું જ નથી,તેથી તે પુરુષ માનસિક કે શારીરિક કર્મો માં 'આસક્ત' થતો નથી.આમ તે આસક્ત હોતો નથી,એટલે કર્મોનાં સાધનો ને વશ થતો નથી.તેથી તે કર્મોના ગુણ-દોષ થી દબાતો નથી.