આ રીતે "કારણ" પદાર્થ-રૂપ-ચૈતન્યોનો "કાર્ય"પદાર્થ-રૂપ-ચૈતન્યો પર અનુગ્રહ થવાથી,"સ્થિતિ" ચાલ્યા કરે છે.ત્યારે "કાળ" (સમય) રૂપ ચૈતન્ય,અમુક "વિરોધી" પદાર્થો-રૂપ-ચૈતન્યોની ઉત્પત્તિ ને રોકીને-
અમુક-પદાર્થો-રૂપ ચૈતન્યોને ઉત્પન્ન થવાની,આજ્ઞા આપે છે.
(નોંધ-સર્વ પદાર્થો-રૂપ બનેલા ચૈતન્યો માં ફેરફાર કરવો-એ કાળ-રૂપ-ચૈતન્ય નો સ્વ-ભાવ છે)
"પુષ્પો" રૂપી-ચૈતન્ય માં "ગંધ" (સુગંધ) નામનું ચૈતન્ય પ્રગટ થાય છે. (નોંધ-ગંધ-રસ-રૂપ ની વાત અહીં છે)
"માટી" રૂપ ચૈતન્ય ની અંદર રહેલું "રસ" રૂપ ચૈતન્યથી "વૃક્ષો" રૂપ ચૈતન્ય નો જમાવ થાય છે -
ત્યારે,તે "રસ" રૂપ ચૈતન્ય,મૂળિયાં,દલ,પાન,ફળ,ફૂલ -વગેરે ની રચના-રૂપ થઈને,સમય (કાળ) ને અનુરૂપ
જુદા જુદા રંગો પકડીને પોતાનું "રૂપ" (ગંધ-રસ-રૂપ માં નું રૂપ) દેખાડે છે.
ઋતુઓ નું "રૂપ" ધરીને તે ચૈતન્ય-તે તે ઋતુઓના સમયમાં-તે તે "કાર્યો" રૂપે દેખાવ (એટલે કે-રૂપ) આપે છે.
ગ્રીષ્મ-ઋતુ (ઉનાળા)માં સૂર્યના તેજ ની શક્તિ નો "ગરમી-રૂપે" દેખાવ થાય છે.
વર્ષા-ઋતુ (ચોમાસા) માં શ્યામ-વાદળાંની પંક્તિઓ નો દેખાવ થાય છે.
શરદ-ઋતુમાં ધાન્યો નો દેખાવ થાય છે,હેમંત-ઋતુમાં હિમ નો દેખાવ થાય છે,શિશિર-ઋતુમાં જળ ને પણ
કઠિન (બરફ) બનાવી દે તેવા શીતળ પવન નો દેખાવ થાય છે.
આમ સંવત્સરો તથા યુગો-વગેરે રૂપે "કાળ" (સમય) પોતાની મર્યાદા ને છોડતો નથી,
અને તે કાળ પણ ચૈતન્ય નો જ વિવર્ત (જુદા રૂપે દેખાવું તે) છે.
જેમ,મોટી નદીમાં તરંગોના સમુહો ઉત્પન થયા કરે છે,તેમ,ચૈતન્યમાં સૃષ્ટિઓ ઉત્પન્ન થયા કરે છે.
કેટલાએક પદાર્થો (પૃથ્વી-પર્વતો-વગેરે) ને સ્થિર-રાખવા-રૂપ,ચતુરાઈ-વાળો (સ્માર્ટ) સૃષ્ટિ નો એક જાતનો
જે નિયમ છે,કે જેનાથી સર્વ લોકો ના આધાર-રૂપ પૃથ્વી -પ્રલય સુધી,પોતાની ધરી ઉપર રહ્યા કરે છે.
આ પણ ચૈતન્ય નો જ વિવર્ત છે.
ચૈતન્ય ના વિવર્ત-રૂપ આ બ્રહ્માંડ ની અંદર પાતાળ લોક -વગેરે "ચૌદ-લોકો" માં અનેક પ્રકારના
આહાર-વિહાર કરનારાં અને અનેક પ્રકારની રચનાઓ વાળાં,પ્રાણીઓ (જીવો) વારંવાર જન્મે છે
અને વારંવાર મરણ પામે છે,તે પણ ચૈતન્ય નો "વિલાસ" (કે વિવર્ત) છે.
જેમ,પાણી નો અભાવ થાય ત્યારે પરપોટાઓ જતા રહે છે,
તેમ,અજ્ઞાન નો અભાવ થાય છે ત્યારે,જન્મ-મરણ ના પ્રવાહો મટી જાય છે.
જેમને,પૂર્વ-જન્મ ની "વાસનાઓ" ને લીધે,"કામનાઓ" ઉત્પન્ન થયા કરે છે,અને
મૂર્ખતા ને લીધે,"સ્વ-રૂપ ના વિચાર" (આત્મ-તત્વ નો વિચાર) ની વાતને પણ જેઓ જાણતા નથી,
તેવા કાળ (સમય) થી પરવશ થયેલા તુચ્છ લોકો,ઉન્મત્તોની પેઠે આ લોકમાં આવે છે અને પરલોકમાં જાય છે,અને,ભોગો ભોગવવાના કૌતુક (ઇચ્છાઓ-કે કામનાઓ) ને લીધે,"સ્વાર્થો" (કર્મ-ધર્મ-વગેરે) ને મેળવે છે,
તેમ જ જન્મ-મરણ ના ચક્રમાં સંસારમાં મૂર્ખ ની જેમ ભમ્યા કરે છે.