Oct 3, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-300



રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,એ અહંકાર કયા ઉપાય થી ના વધે? એ વિષે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-
--"આત્મા' નું જે વાસ્તવિક સ્વ-રૂપ -જે મેં કહ્યું છે,તે સ્વરૂપ નું સર્વદા સ્મરણ કરવામાં આવે,
અને આત્મા,એ ચૈતન્ય-મય (અરીસા) જેવો નિર્મળ રહે,તો અહંકાર વધતો નથી.
--"આ સંસાર-રૂપી ઇન્દ્રજાળ મિથ્યા જ છે-માટે તેમાં રાગ-દ્વેષ રાખવાથી મારું શું વળે તેમ છે?"
એ રીત નું જો મનમાં અનુસંધાન કરવામાં આવે તો અહંકાર વધતો નથી.  
--"આ અહંકાર પણ નથી અને દ્રશ્યો (જગત) ના વિલાસો પણ નથી" એવા વિચાર ની જેમના મનમાં સ્થિતિ
થઇ હોય,તે પુરુષ નો "વ્યવહાર" શાંત થવાને લીધે, અહંકાર વધતો નથી.
--"આ હું છું અને આ જગત છે" એવા બે વિચારો શત્રુ-મિત્ર ને ઉત્પન્ન કરનારા છે,તેમનો ક્ષય થાય, અને સર્વત્ર જો સમતા પ્રાપ્ત થાય -તો અહંકાર વધતો નથી
--"દ્રષ્ટા-દૃશ્ય-દર્શન" વગેરે જેવી ત્રિપુટીઓ "આ લેવું અને આ છોડી દેવું" એવા પ્રકારની ભ્રાંતિઓએ ઉત્પન્ન કરનારી છે.તેમનો ક્ષય થાય અને સર્વત્ર શુદ્ધ સમતા પ્રાપ્ત થાય તો -અહંકાર વધતો નથી.

રામ પૂછે છે કે-હે,પ્રભુ,જાગ્રત-સ્વપ્ન અને મનોરથમાં જે અહંકાર થાય છે તેનો આકાર કેવો છે?
તેનો ત્યાગ શી રીતે થાય? અને તેને ત્યાગ કરવાથી શું થાય?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ જગતમાં અહંકાર ત્રણ પ્રકારના છે.તેમાં બે શ્રેષ્ઠ છે અને એક ત્યાગ કરવા યોગ્ય છે.
(૧) "આ જે સઘળું જગત છે,તે હું છું અને અવિનાશી પરમાત્મા પણ હું છું,જગત મારાથી જુદું નથી"
આ રીતનો જે અહંકાર ઉત્પન્ન થાય છે તે,ઉત્તમ સમજવો.આ અહંકાર મોક્ષ માટે છે,બંધન માટે નથી.
(૨) "હું સર્વ કરતાં અત્યંત સૂક્ષ્મ છું,માટે સર્વથી ન્યારો છું" એવો જે બીજા પ્રકારનો અહંકાર છે-તેને પણ શુભ સમજવો,આ અહંકાર પણ મોક્ષ માટે છે,બંધન માટે નથી.
(૩) "હાથ-પગ -વગેરે અવયવો વાળો જે આ દેહ છે તે હું છું" એવો ત્રીજા પ્રકારનો જે અહંકાર છે તે લૌકિક છે,
અને તે તુચ્છ જ છે.

આ ત્રીજો અહંકાર એ એક જાતનો મોટો શત્રુ જ છે-એટલા માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
અનેક પ્રકારની માનસિક પીડાઓ કરનારો,એ ત્રીજો અહંકાર-રૂપી બળવાન શત્રુ,જે જીવ ને ખરાબ કરી નાખે છે તે જીવ ફરીથી પાછો ઠેકાણે આવતો નથી.સ્વાભાવિક રીતે જ -અનાદિકાળથી ચોંટેલા એ ત્રીજા દુષ્ટ અહંકારે,જેમની બુદ્ધિને ભમાવી નાંખી છે,તે લોકો સંકટો માં જ ડૂબ્યા કરે છે.

પહેલા બેમાંના ગમે તે અહંકાર-વાળો જીવ મહાત્મા કહેવાય છે,અને મુક્તિ પામે છે,પણ ત્રીજા લૌકિક અહંકાર-વાળો જીવ,તો દૃઢ રીતે સંસારમાં ગોથાં ખાધા કરે છે.
પહેલા બે અહંકાર નો અંગીકાર કરી (સ્વીકારી) "હું દેહ નથી" એવો નિર્ણય કરીને ત્રીજા લૌકિક અહંકાર નો ત્યાગ કરવો-એમ પૂર્વના વિદ્વાનો નો સિદ્ધાંત કહેલો છે.
દામ-વ્યાલ-કટ એ ત્રણ દૈત્યો,ત્રીજા લૌકિક અહંકારથી એવી દશાને પામ્યા હતા કે
તે દશાની વાત કરતાં  પણ ખેદ ઉત્પન્ન થાય છે.

રામ પૂછે છે કે-હે,બ્રહ્મન.ચિત્તમાંથી એ ત્રીજા પ્રકારનો લૌકિક અહંકારનો ત્યાગ કરીને પુરુષ કેવી રીતે વર્તે
તો તે પોતાના હિત ને પ્રાપ્ત થાય છે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE