Sep 30, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-297



હે,શ્રોતા-લોકો,તમો અનાદિ કાળથી,જે કંઈ ભોગવવાનું છે તે સઘળું ભોગવી ચુક્યા છો,
અને જે કંઈ જોવાનું છે તે સઘળું,તમે જોઈ ચુક્યા છો,
તો હવે જન્મ-મરણ ના પ્રવાહોમાં ગોથાં ખાવા સારું ભોગનો લોભ શા માટે રાખો છો?
હવે તો તમે પોતપોતાના અધિકાર પ્રમાણે,શાસ્ત્ર ની પદ્ધતિ પ્રમાણે,જ્ઞાનની સ્થિતિના ક્રમ પ્રમાણે વર્તો,
અને મનમાંથી,ખોટી ભોગજાળની વાસનાને છોડી દો.

પરમ પુરુષાર્થ ઉપર ધ્યાન આપી,ધીરજ રાખી,યત્નપૂર્વક શાસ્ત્ર પ્રમાણે આચરણ કરનારા કયા પુરુષને
સિદ્ધિ પ્રાપ્ત ન થાય? તેમ છતાં,શાસ્ત્ર પ્રમાણે ચાલનાર પુરુષે ફળની સિદ્ધિ ની ઉતાવળ કરવી જોઈએ નહિ,
કારણકે જે ફળ,લાંબા ગાળે પાકે છે,તે ફળ બહુ પુષ્ટ અને મધુર થાય છે.

આમ,પુરુષે,શોક,ભય.પરિશ્રમ,ગર્વ અને ઉતાવળ ને છોડીને,શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ,
ઇન્દ્રિયો-રૂપી ફાંસીથી મરવા જેવો જે જીવ થયો છે,તે હવે સંસાર-રૂપી ઊંડા ખાડામાં પડી દુઃખી ન થાય તેમ કરો.
હવે પછી ફરીવાર અને વારંવાર અધમ યોનિમાં જવું પડે -એવું કરો નહિ.
આ સંસાર,દાવાનળથી તપી ગયેલા,દુર્ગંધી કાદવ જેવો છે,તેમાં તમે વારંવાર દુઃખી થતા વૃદ્ધ દેડકાની જેમ
દુઃખી થવાને બદલે તેવા તુચ્છ જીવન ની આશા ને છોડી દો.અને હૃદયમાંથી ભોગ-વાસનાને દૂર કરો.

હે,આર્યલોકો,ધનની રકમ એકઠી કરવાથી શું વળવાનું છે? ધન ની તૃષ્ણા છોડીને તમે શાસ્ત્ર નો વિચાર કરો.
સર્વે પદાર્થમાં "આ બ્રહ્મ છે"એવી ભાવના કરીને બ્રહ્મ નો જ વિચાર કરો.
ધન-વગેરે ની "તૃષ્ણા-રૂપ-ગાઢ-નિંદ્રા",કંગાળપણું આપનારી છે,પરિણામે તે દુર્ભાગ્યપણું કરનારી છે.
તે નિંદ્રા ને ત્યજીને "જાગ્રત  થાઓ."
જેમ સુકાતા જતા ખાબોચિયામાં વૃદ્ધ કાચબો આળસુ થઈને પડ્યો રહે છે તેમ સંસારમાં આળસુ થઈને પડ્યા રહો નહિ,પણ જરા (ઘડપણ) અને મરણ ની શાંતિ માટેના ઉદ્યમમાં (પ્રયત્નમાં) મચ્યા રહો.

અર્થ (ધન) ની સંપત્તિ થી અનર્થ થાય છે,અને તેના ભોગથી સંસાર-રૂપી રોગ ઉત્પન્ન થાય છે,
વળી, સઘળી સંપત્તિઓ,એક જાતની વિપત્તિઓ જ છે-
માટે સંસારમાં સર્વ પદાર્થો નો અનાદર કરવો એ જ "જય" છે
જે પુરુષ સદાચારથી શુદ્ધ રીતે ચાલે છે,વૃત્તિને નિર્મળ રાખે છે,અને સંસારના સુખરૂપ ફળને આપનારી પણ
પરિણામે દુઃખ આપનારી પદ્ધતિઓની લાલચ રાખતો નથી,
તે પુરુષનાં આયુષ્ય,યશ,ગુણો,અને લક્ષ્મીમાં વધારો થાય છે અને તે પ્રફુલ્લિત રહે છે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,યોગ્ય સાધનો,અત્યંત આગ્રહ-પૂર્વક સારી રીતે કરવામાં આવે તો,તેઓ સફળ થયા વગર રહે નહિ,અવો નિયમ હોવાને લીધે,સર્વ દેશમાં અને સર્વ કાળમાં (સમયમાં) સઘળાં ધારેલાં કાર્યો,સફળ થવા સંભવિત છે,આથી તમે મોક્ષ ની પ્રાપ્તિ માટે,શુભ ઉદ્યોગ (કાર્યો) ને કદી પણ છોડો નહિ.
ઘણા ઘણા મહાત્માઓએ શુભ ઉદ્યોગમાં મંડ્યા રહેવાથી અશક્ય કાર્યો પણ શક્ય કર્યા છે.

મિત્રો,સ્વજનો ને આનંદ આપનાર "નંદી" એ તળાવમાં --મહાદેવ ના આરાધન-રૂપ-તપ (ઉદ્યોગ) કરીને -
મૃત્યુ ને જીતી લીધું હતું.
(નોંધ-શિલાદ નામના મુનિએ મહાદેવની આરાધના કરીને સર્વજ્ઞ પુત્ર નું વરદાન માંગ્યું હતું,ત્યારે મહાદેવે કહ્યું કે-સર્વજ્ઞ તો એક હું જ છું,એટલે મારા અંશથી તને પુત્ર થશે પણ તે સોળમાં વર્ષે મૃત્યુ પામશે.
શિલાદ ને "નંદી" નામનો પુત્ર થયો.નંદીને ખબર પડી કે પોતાનું સોળમાં વર્ષે મૃત્યુ થવાનું છે એટલે તેણે
મહાદેવ ની આરાધના કરી.જયારે સોળમાં વર્ષે કાળ (મૃત્યુ) તેને બાંધવા આવ્યું ત્યારે મહાદેવે પ્રગટ થઈને
મૃત્યુને લાત મારીને નંદી ના સઘળા મૃત્યુ પાશો ભેદી નાખ્યા અને નંદી ને અજરાઅમર કરી નંદીને પોતાના સેવક તરીકે રાખ્યો)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE