અને દામ-વગેરે દૈત્યો પણ સાચા નહોતા.
વિદ્વાનો ના અનુભવની રીતે વિચારતાં પણ તેઓ (દૈત્યો) અને આપણે અસત્ય છીએ.
વળી,યુક્તિથી વિચાર કરતાં પણ તેમનું અને આપણું "હોવા-પણું" સંભવતું નથી.
શુદ્ધ,નિરંજન અને જ્ઞાન-સ્વ-રૂપ જે બ્રહ્મ છે,તે જ "સત્ય" છે.અને તે સત્ય બ્રહ્મ સર્વ-વ્યાપક (આકાશની જેમ) છે.
તે શાંત છે,તેનો ઉદય-અસ્ત નથી.અને સઘળું "જગત"એ પણ શાંત "બ્રહ્મ" જ છે.
અને તેમ હોવાને લીધે,તે જગત "શૂન્ય" નથી,પણ "પૂર્ણ-પણા" થી રહેલું છે.
હે,રામ,એ "પૂર્ણ-બ્રહ્મ"માં આ સઘળી "સૃષ્ટિ" ઓ કેવળ તેના "વિવર્ત-રૂપ" (અન્ય-રૂપે પ્રતીત થવા-રૂપ) છે.
જે પૂર્ણ-સ્વ-રૂપ ચૈતન્ય છે તે જ આ સૃષ્ટિઓ રૂપે પ્રતીત થાય છે.
ચૈતન્ય (બ્રહ્મ) નો સ્વ-ભાવ જ એવો છે કે-તે પોતાના સ્વ-રૂપ ને જેવા પ્રકારનું "ધારે" છે,
તેવા પ્રકારનું જ થોડી વારમાં જુએ છે,અને અનુભવે છે.
આમ છે એટલા માટે,જગત કે જે અવિદ્યમાન છે,તે પણ ચૈતન્ય ની દૃષ્ટિ થી,ક્ષણમાં વિદ્યમાન જેવું થઇ જાય છે.
જગતમાં કોઈ પદાર્થ સત્ય નથી તો સાથે સાથે કોઈ પદાર્થ અસત્ય પણ નથી,
પરંતુ એ વાત નિઃસંશય છે કે-
ચૈતન્ય પોતાના રૂપ ને જેવું ધારે છે,તેવા પ્રકારથી જ તે રૂપે ઉદય પામે છે.
આમ,જે રીતે દામ-વગેરે ત્રણ દૈત્યો ઉદય પામ્યા હતા,તે રીતે જ આપણે પણ ઉદય પામ્યા છીએ.માટે,
જો તેઓ સાચા -તો આપણે પણ સાચા અને જો-તેઓ ખોટા તો આપણે પણ ખોટા.
હે,રામ,તેઓમાં અને આપણામાં શી વિશેષતા છે? (શું જુદા-પણું છે?)
આ મહા-ચૈતન્ય,અંત વગરનું છે,સર્વ-વ્યાપક છે,અને નિરાકાર છે,પણ
તેની અંદરનો જે ભાગ,જેવા આકારનું મનન કરે છે,તે ભાગ તેવા આકારથી ઉદય પામે છે.
જ્યાં જે "ભાગ"નું ચૈતન્ય -દામ-વગેરે દૈત્યો નું મનન કરવા લાગ્યું,
ત્યાં તે "ભાગ"નું ચૈતન્ય તેવા આકારના અનુભવને લીધે,દામ-વગેરે દૈત્યો થી સંપન્ન થયું (બન્યું) અને,
જ્યાં,એ ચૈતન્ય,તમારા તથા મારા -વગેરે આકારોનું મનન કરવા લાગ્યું,
ત્યાં તેવા આકારોના અનુભવને લીધે,તેવા (તમારા-મારા-વગેરે) આકારોથી સંપન્ન થયું છે.(બન્યું છે)
નિરાકાર ચિદાકાશ (બ્રહ્મ-કે ચૈતન્ય) નાં સ્વપ્ન નો જે પ્રતિભાસ છે તેનું જ "જગત" એવું નામ પડેલું છે.
જેમ,સૂર્યના તાપ ના "અમુક ભાગ" નું "ઝાંઝવાનાં પાણી" એવું નામ પાડવામાં આવે છે,
તેમ,મહા-ચૈતન્ય ના અમુક ભાગનું "જગત" એવું નામ પાડવામાં આવ્યું છે.
એ મહા ચૈતન્ય,પોતાના જે સ્થળમાં મનન કરે છે,તે સ્થળમાં તે "દૃશ્ય" (જગત) કહેવાય છે,અને,
જે સ્થળમાં તે મનન વગરનું હોય છે,તે સ્થળમાં તે "મોક્ષ" કહેવાય છે.
જો કે,વાસ્તવિક રીતે જોતાં તો,એ મહા ચૈતન્ય,સ્થળ ના વિભાગો વગરનું છે,તેથી તે -
મનન-વાળું કે પછી મનન-વગરનું -એ બંને કદી પણ નથી.
છતાં,"આ દેખવામાં આવતું જે જગત છે તે બ્રહ્મ જ છે"
એમ સમજાવવા માટે તમારી પાસે આ વિભાગ ની કલ્પના કહી છે.