"જ્ઞાની-પુરુષ-રૂપ-રાજા" ને માટે (તે ક્રિયાઓ થી થતી) સઘળી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે યોગ્ય જ છે.
આ નગરીમાં રાજ્ય કરતો જ્ઞાની પુરુષ,ઇન્દ્ર ની પેઠે,સંતાપો થી રહિત થઇ સ્વસ્થ-પણાથી રહે છે.
અને "મન-રૂપી-મસ્ત ઘોડા"ને યોનિ-રૂપ ભયંકર ખાડાઓમાં પડવા દેતો નથી.તથા,
તે કોઈ બીજા "લોભ-રૂપી" રાજાને પોતાની "બુદ્ધિ-રૂપી-કુંવરી" ને આપતો (પરણાવતો) નથી.
"અજ્ઞાન-રૂપી-શત્રુ" આ જ્ઞાન-રૂપી રાજાના છિદ્ર ને જોવા પામતો જ નથી.(એટલે ત્યાં તે ઘુસી શકતો નથી)
આ નગરીમાં રહેલ જ્ઞાની-રૂપી રાજા "સંસાર-રૂપી શત્રુનાં,ઊંડા મૂળો કાપ્યા કરે છે.
જે,"તૃષ્ણા-રૂપી પ્રવાહ" ની "મોટી ચકરીઓવાળું" અને "કામ-ભોગ-રૂપી-દુષ્ટ-સિંહો-વગેરે-રૂપ"
"સંસાર-રૂપી-વન' છે,તેમાં જ્ઞાની પુરુષ ભૂલે ચુકે પણ ખૂંચી (કે ખોવાઈ) જતો નથી.
બ્રહ્માકાર-વૃત્તિમાં આરૂઢ થયેલો,તે જ્ઞાની-પુરુષ-રૂપી રાજા,અંદર અને બહાર પરમાત્મા નાં જ દર્શન કરે છે.
તેથી તે "ઉપનિષદો-રૂપી-નદી"ઓના "સંગમ-રૂપી-તીર્થો" માં સર્વદા નાહ્યા કરે છે.
કામ-ભોગ-વગેરે ઇન્દ્રિયોના સુખો નો ઉપભોગ લેવા પર તે દૃષ્ટિ નાખતો જ નથી,અને,
"ધ્યાન" નામના અલૌકિક અંતઃપુરમાં વિનોદ (આનંદ) થી નિત્ય રહ્યા કરે છે.
ઇન્દ્ર ને જેમ પોતાની નગરી (સ્વર્ગ) સુખદાયી છે,તેમ ભોગ અને મોક્ષ -એ બંને ને આપનારી,
આ-શરીર-રૂપી નગરી,આત્મજ્ઞાની-પુરુષ-રૂપી-રાજા ને સર્વદા સુખદાયી છે.અને -
જેમ ઘડામાં રહેલા આકાશને,જો ઘડાનો નાશ થાય તો-કશી હાનિ થતી નથી,
તેમ,જીવનમુક્ત પુરુષને દેહ-રૂપી-નગરી નો નાશ થતાં કશી હાનિ થતી નથી.
આ શરીર-રૂપી નગરીમાં રહેલો જ્ઞાની-પુરુષ-રૂપ-રાજા,પોતે સર્વવ્યાપક હોવા છતાંપણ -
પ્રારબ્ધે આપેલા ભોગો ભોગવીને અંતે સર્વોત્તમ-પુરુષાર્થને (મોક્ષને) પ્રાપ્ત થાય છે.
જ્ઞાની પુરુષ,વ્યવહાર ની દ્રષ્ટિએ સઘળાં કર્યો કરતો હોવા છતાં,પણ પરમ-અર્થ (પરમાર્થ) ની દ્રષ્ટિએ
કશું કાર્ય કરતો નથી.એ પુરુષ કોઈ સમયે,જોઈતાં,બધાં કર્યો કરે છે અને કોઈ સમયે,કોઈ પણ જાતનો
પ્રતિબંધ નહિ રાખતાં,ભોગ ભોગવવાના કૌતુકવાળા પોતાના (નિર્મળ પણ ચપળ એવા) મનને,
વિનોદ (આનંદ) કરાવવા માટે,ભારે મોજ-શોખમાં પણ પડે છે.પણ,તેમ છતાં તે બ્રહ્માનંદમાં જ મસ્ત રહે છે.
લાંબા કાળ સુધી,મુમુક્ષુઓ ની આશાઓને પૂરનારો,અને બ્રહ્મ-ભાવની સંપત્તિ થી મનોહર થયેલો,
એ જીવનમુક્ત પૂર્ણિમાના ચંદ્ર ની જેમ શોભે છે.
જેમ સદાશિવ (શંકર) ના ગળામાં જે ઝેર છે તે સદાશિવ ને કલંકિત નથી કરતું પણ તેમણે શોભા આપે છે,
તેમ,જ્ઞાની,ભોગોનું સેવન કરે-તો પણ તે ભોગો જ્ઞાની ને કલંકિત કરતા નથી,પણ ઉલટાના તેને શોભા આપે છે.ભોગ પણ જો "ભોગનું સ્વરૂપ" સમજીને ભોગવવામાં આવે તો-સંતોષ જ આપે છે.
જેમ,વટેમાર્ગુ લોકો,માર્ગ માં પોતાની મેળે જ આવતાં,ગામોને આસક્તિ રાખ્યા વગર જ જુએ છે,
તેમ,જ્ઞાની પુરુષો પોતાની મેળે જ પ્રાપ્ત થયેલી વ્યવહાર સંબંધી ક્રિયાઓને આસક્તિ રાખ્યા વિના જોયા કરે છે.જ્ઞાની પુરુષ,પ્રારબ્ધ થી પ્રાપ્ત થયેલા વિષય નો કદી પણ ત્યાગ કરતો નથી તો-પ્રાપ્ત નહિ થયેલા વિષયને કદી પણ યત્નપૂર્વક મેળવતો પણ નથી.તે તો સદાય ને માટે,"સંપૂર્ણ-પણા" થી જ રહે છે.
જેમની (જે વિષયો ની) ચિંતા કરવામાં આવતી નથી પણ ઉપેક્ષા જ કરવામાં આવે છે,
એવા ચપળ વિષયો,જ્ઞાની ને કંપાયમાન કરી શકતા નથી.