Sep 14, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-281


જેમ,મૃગો ઝાંઝવાના પાણીને પ્રાપ્ત થતા નથી,
તેમ,દેહધારી છતાં પણ,નિરહંકારી ચિત્તવાળા જ્ઞાની-પુરુષને વિક્ષેપો પ્રાપ્ત થતા નથી.
સર્વ લોકો પોતપોતાની ચિત્તની વાસના ને લીધે જ,તરંગોની પેઠે,ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે.
એટલા માટે જન્મ-મરણ એ માત્ર વાસના-વાળા મનુષ્યો ને જ લાગુ પડે છે.જ્ઞાનીને  નહિ..
બ્રહ્મ-વેત્તા પુરુષ તો જન્મ ને તથા મરણને એક તમાશા જેવાં જ ગણે છે.ને તેનાથી વિનોદ મળતો માને છે.

જેમ,ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) જન્મતું પણ નથી,અને મરતું પણ નથી,
તેમ,દેહમાં રહેલો આત્મવેત્તા જન્મતો પણ નથી કે મરતો પણ નથી.
જ્યાં સુધી,"હું કોણ છું?' અને "આ જગત શું છે?" એવી રીતનો વિચાર ના કરવામાં આવે,
ત્યાં સુધી અંધારા જેવો સંસારનો આડંબર સ્થિર રહે છે.
હકીકતમાં,આ શરીર મિથ્યા ભ્રમ ના સમૂહ થી ઉત્પન્ન થયેલું છે,અને આપત્તિઓના સ્થાનક-રૂપ છે.

જે પુરુષ તે શરીરને "તત્વબોધ" ના અનુસંધાનથી મિથ્યા જુએ છે,તેને જ "દેખતો" સમજવો (તે જ સાચું જુએ છે)
"દેશ અને કાળ ને લીધે જે જે સુખ-દુઃખ થાય છે તેની સાથે મારે કોઈ સંબંધ નથી"
એમ જે પુરુષ "ભ્રમ-રહિત-પણા" ને જાણે છે તે પુરુષને જ "જાણનારો" સમજવો.

જેનો અંત કે પાર નથી,એવાં દિશા,આકાશ અને કાળ આદિ -અને-તેમાં રહેલા જે પદાર્થો છે-
"તે સઘળામાં હું (આત્મા) છું" એમ જે જાણે છે-તેને જ "વિચક્ષણ" સમજવો.

વાળના અગ્ર ભાગના લાખમા ભાગના કરોડો કટકા કરતાં,તેઓમાં ના એક કટકા ની જે સૂક્ષ્મતા થાય,
તે કરતાં પણ મારી સૂક્ષ્મતા અધિક છે,અને "એવી સૂક્ષ્મતા હોવા છતાં પણ હું (આત્મા) વ્યાપક છું."
એમ જે વિચારે છે તેને જ "વિચાર-વાળો" સમજવો.

જીવ અને જગત એ સર્વ બ્રહ્મ જ છે,એમ જે નિત્ય અભેદ દૃષ્ટિ થી જુએ છે,તેને જ "દેખતો" સમજવો.
સર્વ-શક્તિમાન,અનંત-રૂપ,અને અદ્વિતીય ચૈતન્ય-જે આત્મા છે-તે જ સર્વ પદાર્થમાં રહેલ છે,
એમ જે પુરુષ મનમાં જાણે છે -તેને  જ "જ્ઞાની" સમજવો.

આધિઓ-વ્યાધિઓના ઉદ્વેગ થી ભય પામતો,અને જન્મ-મરણ-વાળો "દેહ" હું નથી.
એમ જે વિવેક થી જાણે છે તેને "વિચક્ષણ"  (બુદ્ધિશાળી) સમજવો.
મારો વિસ્તાર આડે,ઉંચે તથા નીચે વ્યાપક છે,અને મારાથી બીજા કોઈ છે જ નહિ,
એમ જે જુએ છે તેને જ "દેખતો" સમજવો.

જેમ,દોરમાં મણિઓનો સમૂહ પરોવાયેલો હોય છે,તેમ સઘળી જગત મારામાં પરોવાયેલું છે-
અને હું ચિત્ત-રૂપ નથી જ-એવું જે જાણે છે તેને "વિચક્ષણ" સમજવો.
હું,જે "જીવ" કહેવાય છે,જે "જગત" કહેવાય છે,તે નથી,પણ,વર્તમાન-ભૂત અને ભવિષ્યમાં-
કેવળ "ચૈતન્ય-એક-રસ-બ્રહ્મ" જ છે-એમ જે જુએ છે તે જ "જુએ" છે.  


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE