Sep 4, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-271


જ્યાં ચૈતન્ય હોય ત્યાં તેના વિવર્ત નો ઉદય પણ હોય જ-અને તે સ્વાભાવિક છે.
સઘળા જીવો વ્યાપક ચૈતન્ય ની અંદર પ્રતિભાસ-રૂપ છે,તે જીવો  ની અંદર જે અન્ય જીવો ઉદય પામે છે,
અને તેમની અંદર પણ,વળી, જે અન્ય (ત્રીજા વગેરે) જીવો વગેરે ઉદય પામે છે -
તે સઘળા જીવો ચૈતન્ય ની વ્યાપકતા ને લીધે ચૈતન્ય ની અંદર જ પ્રતિભાસ-રૂપ છે.

જેમ,જયારે-જાણવામાં આવે ત્યારે સોનામાં પ્રતીત થયેલું,આભુષણ-પણું,નષ્ટ થઇ જાય છે,
તેમ, જયારે-જાણવામાં આવે છે ત્યારે,બહારનું અને અંદરનું સર્વ દ્વૈત-પણું નષ્ટ થઇ જાય છે.
જે મનુષ્ય ને "હું કોણ છું?અને આ જગત શું છે?" એવો પ્રૌઢ વિચાર ઉત્પન્ન થતો નથી,
તેના મનમાંથી,અનાદિ-કાળનો "જીવ-પણાનો ભ્રમ" કદી છૂટતો નથી.

વૈરાગ્ય-પૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે,
પણ રાગ (આસક્તિ) વાળાઓએ કરેલો વિચાર સફળ થતો નથી.
જે સુબુદ્ધિ-વાળા પુરુષને દિવસે દિવસે સંસારના સુખો ની લાલચ પાતળી થતી હોય છે,
તે પુરુષનો વિચાર ફળ-દાયી થાય છે.
જેમ ઔષધ નો અભ્યાસ (ઔષધ લેવાનું) જો ચાલુ રાખવામાં આવે તો જ આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે,
તેમ,ઇન્દ્રિયો ને જીતવાનો અભ્યાસ રાખવામાં આવે,તો વિવેક ફળ-દાયી થાય છે.

જે મનુષ્ય ને વાતચીત કરવામાં જ વિવેક હોય પણ,મનમાં વિવેક હોતો નથી,
તેણે પોતાનું અવિવેકી-પણું નહિ છોડેલું હોવાથી તે અવિવેકી-પણું તેને બહુ દુઃખ આપે છે.
જેમ,ચિત્રમાં પ્રકાશિત થયેલો અગ્નિ કશું કામ કરતો નથી,
તેમ, કેવળ વાતચીત કરવામાં જ રાખેલો વિવેક કશું કામ કરતો નથી.

જેમ,પવન નો પ્રત્યક્ષ અનુભવ થતો નથી,પણ સ્પર્શ થી જ તેનો અનુભવ થાય છે,
તેમ, માત્ર -વાત  કરવાથી વિવેક થયેલો જણાતો નથી,
પણ ભોગ ની ઈચ્છા પાતળી પડવાથી જ "વિવેક" થયેલો જણાય છે.

પ્રથમ (મન ના) વિવેક થી રાગ-દ્વેષ ઓછો થાય છે,તથા તેનું મૂળ "અજ્ઞાન" ઓછું થાય છે,
અને તે પછી,ઇષ્ટ વિષયો મેળવવાની અને અનિષ્ટ વિષયો ને દૂર કરવાની પ્રવૃત્તિ ક્ષીણ થઇ જાય છે.
આ પ્રમાણે થયું હોય ત્યારે "વિવેક" પ્રાપ્ત થયો - સમજવો.
જેને વિવેક પ્રાપ્ત થયો છે,તે મનુષ્ય પતિત-પાવન છે,અને જીવન-મુક્તિને પાત્ર છે.

(૧૯) જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-અને તુરીય અવસ્થા નું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,સઘળા જીવો ના બીજ-રૂપ,"પર-બ્રહ્મ" એ "આકાશની જેમ વ્યાપક" છે.
તેથી તે જીવોની અંદર પણ રહેલા છે.વળી તે  જીવો ની અંદર ના ભાગમાં જે જગત છે,
કે જેમાં પણ અનેક જીવો રહેલા છે.તેમાં પણ તે ચૈતન્ય જ રહેલું છે.
"ચૈતન્ય-એક-રસ" (પર-બ્રહ્મ) થી કોઈ પણ પ્રદેશ ખાલી નથી.

શુદ્ધ ચૈતન્ય-રૂપ-પરબ્રહ્મ જ્યાં જ્યાં દૃશ્ય-પણે રહેલું છે-ત્યાં ત્યાં,
તે તે દૃશ્ય ની અંદર,તેના "ભોક્તા જીવો" પણ રહેલા છે.
એ જીવો પોતાના કલ્યાણ માટે,વિચિત્ર પ્રકાર ની ઉપાસનાઓ ના ક્રમોથી
જે જે રીતે યત્ન કરે છે,તે તે રીતને અનુસરતાં ફળોને તે તરત જ પ્રાપ્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE